Get The App

રિતેશ દેશમુખે એક દાયકામાં છ મરાઠી ફિલ્મો બનાવી

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
રિતેશ દેશમુખે એક દાયકામાં છ મરાઠી ફિલ્મો બનાવી 1 - image

બોલિવુડની ગ્લેમરસ દુનિયામાં અઢી દશક રહીને પણ રિતેશ દેશમુખ પોતાના મૂળને ભૂલ્યો નથી. એ મરાઠી ફિલ્મો અને મરાઠી રિયાલિટી શોઝમાં ઓછી ફી લઈને કામ કરે છે અને તક મળે ત્યારે મહારાષ્ટ્રમાં મરાઠી સિનેમાને યોગ્ય સ્થાન અને સન્માન અપાવવા અવાજ ઉઠાવે છે. હમણાં સમાજવાદી પાર્ટી દ્વારા યોજાયેલી એક ઇવેન્ટમાં રિતેશે મરાઠી ભાષીઓને એમનો મરાઠી સિનેમા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની અપીલ કરતું એક મનનીય પ્રવચન કર્યું. હિન્દી ફિલ્મોની મોટી ડિમાંડને કારણે મરાઠી સિનેમાનું મહત્ત્વ ઘટયું છે એવું સોઈ ઝાટકીને કહેતા દેશમુખ કહે છે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જન્મ અહીં મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો અને દાદાસાહેબ ફાળકે નામના એક મરાઠી માણસે ભારતીય ફિલ્મોનો પાયો નાખ્યો. હું કોઈ પ્રકારના ભાગલા પાડવાનો પ્રયાસ નથી કરતો પરંતુ એ હકીકત છે કે ભારતના બીજા ભાગોમાંથી અટવી લોકોએ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું. એ જ કારણસર મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું હેડક્વાર્ટર બની ગયું. એની સાથોસાથ દક્ષિણ ભારતમાં પ્રાદેશિક ફિલ્મો બનવા લાગી અને તમિળ, તેલુગુ અને મલયાલમ સિનેમાનો વિકાસ પણ થયો. આજે હિન્દીમાં ડબ થયેલી સાઉથની ફિલ્મો આખા ભારતમાં જોવાય છે. પરંતુ કમનસીબે મહારાષ્ટ્રમાં લોકોની પહેલી પસંદ હિન્દી મૂવીજ છે અને મરાઠી સિનેમા બીજી ચોઈસ છે. વચ્ચેના વરસોમાં મરાઠી ફિલ્મો ઓછી બનતી થઈ ગઈ. લોજિકલી જોઈએ તો મહારાષ્ટ્રમાં મરાઠી ભાષીઓની વસતિ ૧૦થી ૧૧ કરોડ છે, જે આન્ધ્ર અને તામિલનાડુની વસતિ કરતા પણ વધુ છે. મરાઠી ફિલ્મો માંડ ૩-૭ કરોડ રૃા.માં બને છે પરંતુ તમે થિયેટરમાં મરાઠી સિનેમા જોવા જાવ ત્યારે તમારે ૧૦૦ કરોડના ખર્ચે બનતી હિન્દી ફિલ્મો જેટલા જ ભાવે એની ટિકિટ ખરીદવી પડે છે. બજેટની મર્યાદાઓને કારણે મરાઠી ફિલ્મો હિન્દી મૂવીજ જેટલી મોટી કોસ્ટમાં બનાવી નથી શકાતી.'

હિન્દી અને મરાઠી ફિલ્મોનું ઇકાનોમિક્સ સરળ ભાષામાં સમજાવતા રિતેશે વધુમાં કહ્યું, 'લોકો મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જાય છે ત્યારે એમની પાસે વિકલ્પ હોય છે - કા તો તેઓ ૫ાંચ કરોડમાં બનેલી મરાઠી ફિલ્મ ૨૦૦ રૃા. ખર્ચીને જુએ અથવા ૧૦૦ કરોડના બજેટની હિન્દી મૂવી જુએ. દેખીતું છે કે તેઓ હિન્દી ફિલ્મ જ જોવાનું પસંદ કરે. એટલા માટે જ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંકોચાઈ ગઈ છે. મારી પોતાની વાત કરું તો મેં પ્રોડક્શન કંપની શરૂ કરી ત્યારે મારા પિતા (મહારાષ્ટ્રના સદ્ગત સીએમ વિલાસરાવ દેશમુખ)એ મને કહ્યું કે તૂ તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે પણ મરાઠીનું શું? એમની વાત હું સમજી ગયો અને છેલ્લા ૧૦-૧૧ વરસમાં અમારી કંપનીએ ૬ ફિલ્મો બનાવી છે અને એ બધી જ મરાઠી ફિલ્મો છે. મેં હિન્દી ફિલ્મો જેટલા મોટા બજેટમાં ફિલ્મો નથી બનાવી પરંતુ મારી મૂવીઝનો કોસ્ટ એવરેજ મરાઠી ફિલ્મ કરતા તો વધુ રહી જ છે.' અહીં એક વાત નોંધવી રહી કે રાજકારણીઓની જેમ મરાઠી ભાષા અને મરાઠી ફિલ્મો માટે ઠાલો ગોકીરો કરવાને બદલે રિતેશ દેશમુખે પોતાની માતૃભાષામાં ફિલ્મો બનાવીને પોતાનો મરાઠી પ્રેમ દર્શાવ્યો છે.