- 'હંસલ સરે મને પૂછ્યું કે તને એક્ટિંગ કરતાં કઇ બાબત અટકાવે છે? મેં કહ્યું કે મેં એક્ટિંગ છોડી દીધી છેે. તેમણે કહ્યું કે તારે એક્ટિંગ કરવી જ જોઇએ. તું સારી એક્ટિંગ કરે કે ખરાબ તે બીજા નંબરની વાત છે.'
હિન્દી ફિલ્મ લાઇનમાં સંઘર્ષ માંડ માંડ સફળ થઇ રહ્યો હોય અને અચાનક આફત તુટી પડે જેને પગલે કારકિર્દી અને અંગત જીવન વેરવિખેર થઇ જાય ત્યારે જીવનને ફરી થાળે પાડવાનું કામ મુશ્કેલ બની રહે છે. પણ આ બન્યું છે હિરોઇન રિયા ચક્રવર્તિના જીવનમાં. આજે ૩૩ વર્ષની રિયા ચક્રવર્તિ ફરી એકવાર નેટફલિક્સની આગામી વેબ સિરિઝ ફેમિલિ બિઝનેસમાં જોવા મળશે. હંસલ મહેતા જેવા નામી નિર્દેશકની આ સિરિઝમાં કામ મળવાથી ખુશ રિયા પોતાના જીવનના ચડાવઉતારની વાતો માંડીને કરે છે.
રિયા કહે છે હું એ જ છોકરી છું જે સત્તર વર્ષે એક્ટ્રેસ બનવાના ખ્વાબ લઇને મુંબઇ આવી હતી. મારી કારકિર્દીની શરૂઆત એમટીવી પર થઇ હતી. બાદમાં મને તેલુગુ ફિલ્મ ટયુનિગા ટયુનિગા મળી અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. એ પછી તો હિન્દી ફિલ્મો મેરે ડેડ કી મારૂતિ, સોનાલી કેબલ, બેન્ક ચોર, હાફ ગર્લફ્રેન્ડ અને જલેબી પણ કરી. મારી છેલ્લી ફિલ્મ અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની સાથે ચહેરે હતી. ૨૦૨૧માં આવેલી આ ફિલ્મ મારી છેલ્લી ફિલ્મ બની રહી. જુન ૨૦૨૦માં સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ રજૂ થયેલી રિયાની આ પહેલી ફિલ્મ હતી જે આખરી પણ બની રહી. નોંધપાત્ર બાબત એ છે કે ચહેરેનું શૂટિંગ ૨૦૧૯માં થયુ હતું. એ પછી ૨૦૨૦માં જુન મહિનામાં સુશાંતસિંહ રાજપૂતનું મોત થયું. અને રિયાની જિંદગીમાં વિવાદના વંટોળ ફૂંકાયા. કેફી દ્રવ્યોની હેરાફેરીથી માંડી સુશાંતના મોત માટે તે જવાબદાર હોવા સુધીના રિયા પર આક્ષેપો થયા હતા. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ૨૦૨૦માં રિયાની ધરપકડ કરી હતી અને તેને જામીન મળ્યા તે પૂર્વે તેને ૨૮ દિવસ જેલની કોટડીમાં ગાળવા પડયા હતા.
એ પછી લાંબી કાનુની પ્રક્રિયાને અંતે માર્ચ ૨૦૨૫માં સીબીઆઇ કોર્ટે રિયાને તમામ આરોપોમાંથી મુક્ત કરી. રિયા કહે છે પણ આ દરમ્યાન સાત વર્ષ સુધી કોઇ મારી સાથે કામ કરવા તૈયાર નહોતું. મારા માટે આ પીડાભર્યો સમય હતો. રાજપૂતના મૃત્યુ બાદ રિયાએ એક્ટિંગ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. રિયા એ સમયને યાદ કરતાં કહે છે, એક્ટિંગ છોડી દેવાનો વિચાર ડરામણો હતો. એક દાયકા સુધી સંઘર્ષ કરીને હું માંડ માંડ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશી રહી હતી. મારા અભિનેત્રી બનવાના સપનાંને છોડી દેવા માટે મારે થેરેપી લેવી પડી હતી. રિયા કહે છે, મારે એ દિશામાં વિચારવાનું જ બંધ કરી દેવું પડયુ હતું. કારણ કે મને એક્ટિંગ કરવાની કોઇ તક જ મળતી નહોતી. રિયા કહે છે મેં આ સમયગાળામાં ઘણાં પ્રોજેક્ટ નકારી કાઢ્યા હતા અને ઘણાં વર્ષ સુધી હું આ ઝાકઝમાળથી દૂર રહી.
પોતાના પુનરાગમન માટે હંસલ મહેતાને શ્રેય આપતાં રિયા કહે છે, હંસલ સર અને લેખકે મને પૂછ્યું કે તને એક્ટિંગ કરતાં કઇ બાબત અટકાવે છે? મેં તેમને જણાવ્યું કે મેં એક્ટિંગ છોડી દીધી છે. ત્યારે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તો તો તારે એક્ટિંગ કરવી જ જોઇએ. તું સારી એક્ટિંગ કરે કે ખરાબ તે બીજા નંબરની વાત છે. રિયા કહે છે એક્ટિંગ છોડવાનો નિર્ણય મેં ક-મને કર્યો હતો. અને મને આનંદ છે કે મેં હંસલ મહેતાને હા પાડી. કેમ કે સેટ પર એકદમ અલગ જ જિંદગી હોય છે.
પોતાના મુશ્કેલ સમયમાં સાથ આપનારી સહેલીઓની વાત કરતાં રિયા લાગણીશીલ બની જાય છે. તે કહે છે, મારી સહેલીઓએ સાચી દોસ્તી કોને કહેવાય તે મને દેખાડયું. કોઇ કારણ વિના મારો સાથ આપ્યો એટલું જ નહીં ઘણાંએ તેમની રોજીરોટી પણ જોખમમાં મુકી મને સાથ આપ્યો હતો. આમ, આ સમયગાળામાં મને માણસની સારી અને ખરાબ એમ બંને બાજુનો પરિચય થયો હતો. ખાસ કરીને સિંગર-એક્ટર શિબાની દાંડેકરે મને જાહેરમાં ટેકો આપવાની હિંમત કરી તે મારા માટે બહેન બની રહી છે. મને બાદમાં ખબર પડી કે મને જાહેરમાં ટેકો આપવા બદલ તેણે બ્રાન્ડ ગુમાવવી પડી હતી. મારા જીવનમાં આવી મહિલાઓ હોવા બદલ હું ગર્વ અનુભવું છું. જે એકમેકને ટેકો આપી જીવનમાં આગળ વધવામાં સહાય કરે છે.
ભૂતકાળમાં ઇન્ટરનેટ ટ્રોલ્સના અનુભવ વિશે પૂછતાં રિયા કહે છે, હુું મારા જીવનના એવા તબક્કે પહોંચી ચૂકી છું કે હવે મારી પર તેની કોઇ ઉંડી અસર થતી નથી. સોશ્યલ મિડિયા એ વાસ્તવિક જીવન નથી. તે નક્કી ન કરી શકે કે કોણ તમને પ્રેમ કરે છે. પ્રેમની વાત નીકળતાં તેને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રેમની વાત આવે ત્યારે હવે તને કેવું લાગે છે ત્યારે રિયાએ જણાવ્યું કે હું મારો પ્રેમ ફરી પામવાના મામલે મુક્ત મન ધરાવું છું. થેરેપીએ મારું જીવન બચાવ્યું છે. મારી જિંદગી મને ગમે ત્યાં લઇ જાય પણ હું હતાશ નહીં બનું. હું હજી પ્રેમમાં માનું છું. તે સુંદર અને સૌથી આવેગભરી લાગણી છે. પ્રેમથી તો દુનિયા ચાલે છે. વેલ સેઇડ, રિયા!


