- 'જો તમે લાંબા સમયથી કોઈ જગ્યાએ રહેતા હો તો સ્થાનિક ભાષા અને સંસ્કૃતિને સમજવી અને તેનું સન્માન કરવું જરૂરી છે. મને એવા લોકો પસંદ નથી જેમને સ્થાનિક સંસ્કૃતિને અનુકૂળ થવાની જરૂર લાગતી નથી.'
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદમાં અભિનેત્રી રેણુકા શહાણેએ પણ ઝુકાવ્યું છે અને પોતાના સ્પષ્ટ વિચારો યોગ્ય રીતે જણાવી દીધા છે. આ ભાષાની ચર્ચા પર ભાર મુકતા લોકોને સ્થાનિક ભાષાઓ અને સંસ્કૃતિઓનું સન્માન કરવા અને ભાષાકીય ગૌરવના નામે કોઈપણ પ્રકારની આક્રમકતાને કડક વિરોધ કરવા વિનંતી કરી છે.
મહારાષ્ટ્રની આ ૫૮ વર્ષીય અભિનેત્રીએ રાજ્યમાં હિન્દી અને મરાઠી ભાષા બોલતા લોકો વચ્ચે પોતાના અભિપ્રાય અને વિચાર પ્રસ્તુત કરતાં કહે છે, 'જો તમે લાંબા સમયથી કોઈ જગ્યાએ રહેતા હો તો સ્થાનિક ભાષા અને સંસ્કૃતિને સમજવી અને તેનું સન્માન કરવું જરૂરી છે. અને આ સારું પણ છે. મને એવા લોકો પસંદ નથી જે સ્થાનિક ભાષા અને સંસ્કૃતિને અનુકૂળ થવાની જરૂર નથી અનુભવતા.' એક પોડકાસ્ટમાં રેણુકાએ જણાવ્યું હતું કે, 'હું કોઈપણ હિંસાની વિરુદ્ધ છંુ. મને એ હકીકત પસંદ નથી કે લોકો ભાષાના મામલે અસંસ્કારી વર્તન કરી શકે છે. એવી જગ્યાએ જવું જ્યાં મરાઠી બોલાતી નથી, અને બે-ત્રણ લોકોને થપ્પડ મારવાથી ભાષાને કોઈ પણ રીતે મદદ મળશે નહીં. આપણે એવા માર્ગ શોધવા પડશે જેનાથી લોકો ભાષાને અનુકૂળ રીતે સ્વીકારે. ભાષા કંઈ એવી વસ્તુ-બાબત નથી જેને દબાણ કરીને બાંધવી જોઈએ.
રેણુકા શહાણેના પતિ આશુતોષ રાણાએ તાજેતરમાં આ મુદ્દા અંગે વિસ્તૃત રીતે વાત કરી ને પોતાના વિચાર જણાવ્યા છે. તેઓ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેમણે કહ્યું હતું, 'ભાષા સંવાદ કી વિષય હોતી હૈ, વિવાદ કા નહીં. ભારત સંવાદ મેં વિશ્વાસ રખતા હૈ, વિવાદમેં નહીં.'
રેણુકા અને આશુતોષની ટિપ્પણીઓ મહારાષ્ટ્રમાં ભાષાની આઇડેન્ટિટીને કારણે પેદા થયેલા તણાવના સંદર્ભમાં બિલકુલ પ્રસ્તુત છે. રાજ્ય સરકારે શાળામાં હિન્દીને ફરજિયાત ત્રીજા ભાષા બનાવવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી તેને પાછો ખેંચી લીધો હતો. આ પછી ભાષાના મુદ્દા અગે ફરી ચર્ચા શરૂ થઈ. ત્યારથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે કથિત રીતે જોડાયેલી વ્યક્તિઓએ મરાઠી ન બોલવા બદલ લોકો સાથે અથડાયા છે. તેવા અનેક બનાવ નોંધાયા છે.


