યાદ છે, બોલિવુડના તોસ્તાન બોડીબિલ્ડર - વિલન... શેટ્ટી ?
- 'બોમ્બે 405 માઇલ્સ' નામની ફિલ્મના એક સ્ટંટમાં પોતાના મદદનીશ મન્સુર નામના ફાઇટરનું મૃત્યુ થયું હતું. તે કરૂણ ઘટના માટે રોહિત શેટ્ટીના પિતાજીને બહુ પસ્તાવો થયો હતો. એમણે પોતાની જાતને જવાબદાર ગણી
હિન્દી ફિલ્મ જગતનો ગંજા શેટ્ટી પડદા પર આવે ત્યારે દર્શકોમાં ભયનું લખલખું ફરી વળતું. ઉંચો,પડછંદ, કદાવર દેહ(ઉંચાઇ : ૬ ફૂટ :૩ ઇંચ),મોટી - ડરામણી આંખો, ઘેરો અવાજ એટલે ગંજા શેટ્ટી. ગંજા શેટ્ટી એટલે બોલીવુડની ૬૦ -૭- ના દાયકાની ફિલ્મોના ખલનાયક અને ફાઇટ માસ્ટર. બીજી ઓળખાણ એટલે બોલીવુડની નવી પેઢીના સુપરહીટ નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીના પિતા. મૂળ નામ મુદ્દુ બાબુ શેટ્ટી.
આજની નવી પેઢીનાં દર્શકો મુદ્દુ બાબુ શેટ્ટીના નામ અને કામ બંનેથી કદાચ અજાણ હોય તે સ્વાભાવિક છે. આમ છતાં બોલીવુડના બીગનાં ચાહકો તેમની ફિલ્મ જુએ તો તેમાં મુદ્દુ બાબુ શેટ્ટી(હિન્દી ફિલ્મ જગતમાં એમ.બી.શેટ્ટી અથવા શેટ્ટી સર તરીકે જાણીતા હતા) જરૂર જોવા મળે.
બોલીવુડનાં ૬૦ -૭૦ ની પેઢીનાં સૂત્રોના કહેવા મુજબ મુદ્દુ બાબુ શેટ્ટી ખરેખર તો શેટ્ટીના નામથી જ વધુ જાણીતા હતા. એક કહો કે ૬- -૭૦ દા દાયકામાં તો શેટ્ટી સૌથી પ્રસિદ્ધ સ્ટંટમેન,ફાઇટ માસ્ટર,વિલન એમ ત્રણ ત્રણ ભૂમિકા ભજવતા હતા. લગભગ ૭૦૦ કરતાં વધુ ફિલ્મોમાં ખલનાયક,સ્ટંટમેન, ફાઇટમાસ્ટરની કામગીરી કરીને ભરપૂર પ્રસિદ્ધિ અને અમીરી વૈભવ મેળવનારા મુદ્દુ બાબુ શેટ્ટીના જીવનના અંતિમ દિવસો બહુ કરૂણ દશામાં રહ્યા હતા.
હિન્દી ફિલ્મ જગતના મોટાગજાના અભિનેતાઓ સાથે કામ કરીને માન- સન્માન મેળવનારા શેટ્ટી તેમના જીવનના છેલ્લા તબક્કે બોલીવુડથી બહુ દૂર દૂર જતા રહ્યા હતા. મુદ્દુ બાબુની ઉજળી કારકિર્દી દરમિયાન એક એવી ઘટના બની જેનાથી તેમનેબહુ ઘેરો આઘાત લાગ્યો હતો. તે આઘાતને ભૂલવા માટે શેટ્ટી કોણ જાણે કેમ શરાબના નશામાં એવા ડૂબી ગયા કે છેવટે શરાબે તેમની જિંદગી છીનવી લીધી.
મુદ્દુ બાબુ શેટ્ટીનો દીકરો અને આજે સિંઘમ,સિંઘમ રિટર્ન્સ,ચેન્નાઇ એક્સપ્રેસ, વગેરે સુપરહીટ ફિલ્મોના સુપરહીટ નિર્માતા -દિગ્દર્શક રોહિત શેટ્ટી કહે છે, મારા પિતાજી મુદ્દુ બાબુ શેટ્ટીનો જન્મ ૧૯૩૮માં મેંગલુરુમાં થયો હતો. મારા દાદા-દાદી બહુ સાધારણ પરિવારનાં હતાં. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે મારા પિતાજી બહુ ઓછું શિક્ષણ મેળવી શક્યા હતા. મેંગુલુરુમાં આછુંપાતળું કામ -નોકરી કર્યા બાદ પચાસના દાયકમાં મારા પિતાજી મુંબઇ આવ્યા.
મુંબઇમાં શરૂઆતના તબક્કે તેમણે કોટનગ્રીન વિસ્તારની એક ઉડુપી રેસ્ટોરાંમાં વેઇટર તરીકે કામ કર્યું. મારા પિતાજી ઉંચા,પડછંદ હોવાથી તેમણે મુંબઇમાં બોક્સિંગ શીખ્યા અને બોડી બિલ્ડિંગ પણ કર્યું. પિતાજીને મહેનતનું ફળ મળ્યું હોય તેમ તેમને હિન્દી ફિલ્મ જગતમાં પરિચય થયો. તેમણે શરૂઆતના સંઘર્ષના દિવસોમાં હિન્દી ફિલ્મ જગતના અચ્છા અભિનેતા પ્રેમનાથ અને પ્રદીપકુમારના બોડી ડબલની કામગીરી પણ કરી હતી.
સમય જતાં તેમને ૧૯૫૬માં તેમને હીર ફિલ્મમાં પહેલી જ વખત ફાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ મળ્યું અને શરૂ થઇ તેમની ફિલ્મ જગતની યાત્રા. બરાબર આ જ તબક્કે હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જાના અને ઓલ ટાઇમ ગ્રેટ ખલનાયક પ્રાણ કિશન સિકંદ એટલે કે પ્રાણ સાહેબ જાણીતું નામ બની ગયા હતા. સદનસીબે મારા પિતાજી વિશેની માહિતી પ્રાણ સાહેબને મળી. મુલાકાત થઇ અને પ્રાણ સાહેબના આગ્રહથી મારા પિતાજીને મુનીમજી( દેવ આનંદ, નલીની જયવંત,પ્રાણ-૧૯૫૫) ફિલ્મમાં સ્વતંત્ર ફાઇટ કોરિયોગ્રાફર તરીકે મોટી અને મહત્વની કામગીરી મળી.
બસ,ફિલ્મ મુનીમજીની સફળતા સાથે મુદ્દુ બાબુ શેટ્ટી હિન્દી ફિલ્મ જગતના ફક્ત શેટ્ટી ધ ફાઇટ માસ્ટર બની ગયા. જોકે મજેદાર બાબત તો એ પણ બની કે મુદ્દુ બાબુ શેટ્ટીનો કદાવર દેહ,ગોળ મોટી આંખો,ઘેરો અવાજ તેમના માટે કુદરતી આશીર્વાદરૂપ બની ગયાં. એટલે કે શેટ્ટીને ફાઇટ માસ્ટર સાથોસાથ વિલનનાં પાત્રો પણ મળવા લાગ્યાં.
એન ઇવનિંગ ઇન પેરીસ, કન્યાદીપ, હીરોં કા ચોર, એક ઔર એક ગ્યારહ, ગરમ ખૂન, કાલાપાની, બેરહમ,શાલીમાર,ગ્રેટ ગેમ્બલર, કાલીચરણ, સીતા ઔર ગીતા, ત્રિશુલ,દિવાર,ડોન વગેરે જેવી સફળ ફિલ્મોમાં વિલન સાથોસાથ ફાઇટ માસ્ટર અમે બે પ્રકારની ભૂમિકા ભજવી હતી. રોહિત શેટ્ટી બહુ મહત્વનાં સંસ્મરણો યાદ કરતાં કહે છે, મારા પિતાજીએ બોલીવુડના બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન જી સાથે દિવાર,ડોન,ત્રિશુલ વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું. મારા પિતાજી આ ત્રણેય સુપરહીટ ફિલ્મોમાં ફાઇટ માસ્ટર હતા. એક પ્રસંગે ખુદ અમિતજીએ કહ્યું હતું કે મારા માટે તો મુદ્દુ બાબુ શેટ્ટી સર હતા. હું મારી ફિલ્મોના સેટ પર હંમેશાં તેમને જાહેરમાં અને બધાં સાંભળે તેમ શેટ્ટી સર કહીને બોલાવતો. શેટ્ટી સર મારા ફાઇટ સીન વિશે મારી સાથે ચર્ચા કરીને બહુ સરળ અને આસાન બનાવી દેતા. ક્યારેય કોઇ ફાઇટ સીન માટે મારા પર દબાણ ન કરતા. ક્યારેક તો મને એમ પણ કહેતા કે આ ફાઇટ સીન તમે કરી શકો તો ઠીક છે. આમ છતાં તમને કોઇ તકલીફ કે સમસ્યા થાય તો જરાય મુંઝવણ ન અનુભવતા. આપણે ડુપ્લિકેટની વ્યવસ્થા કરી લઇશું. આમ શેટ્ટી સર ખરેખર બહુ સરળ અને સહયોગી હતા. મારા તેમની સાથેના સંબંધ બહુ હૂંફાળા રહ્યા હતા.
બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ મુદ્દુ બાબુ શેટ્ટીની કારકિર્દી અને જીવન બે હિસ્સામાં વહેંચાયેલાં હતાં. એક જમાનાના સુપરહીટ ફાઇટ માસ્ટર, વિલન, શેટ્ટી સરની કારકિર્દીમાં કોણ જાણે એવો કરૂણ વળાંક આવ્યો કે તેઓ નિરાશા અને હતાશાના વમળમાં એમ કહો કે ઘેરાઇ ગયા. પરિણામે આખો શેટ્ટી પરિવાર વેરણછેરણ થઇ ગયો. મુદ્દુ બાબુ શેટ્ટીએ બે લગ્ન કર્યાં હતાં. પહેલી પત્નીનું નામ વિનોદિની. આ લગ્નજીવનથી તેમને બે દીકરીઓ અને બે દીકરા હૃદય અને ઉદય છે. સમય જતાં તેમણે બીજાં લગ્ન રત્ના સાથે કર્યાં. બીજાં લગ્નથી એક પુત્ર રોહિત છે. જોકે રોહિત વધુ સફળ રહ્યો છે.