- 'મોડર્ન ડે રિલેશનશીપ્સ વધુ પડતું ગૂંચવણભર્યા હોય એવું મને તો લાગતું નથી. જો બંને વ્યક્તિ સંબંધ પ્રત્યે પૂરેપૂરા સમર્પિત હોય, ગંભીર હોય તો એમના માટે માર્ગ સરળ બની રહે છે.'
આજકાલ 'સૈયારા' સુપરડુપર સકસેસ માણી રહેલા ડિરેક્ટર મોહિત સુરીએ પોતાની કરીઅરની શરૂઆતમાં 'આશિકી-૨' નામની ફિલ્મ આપી હતી. આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરના લીડ રોલ ધરાવતી આ મૂવી પણ સુપરહિટ હતી. 'આશિકી-૨' બાદ એનો લીડ એક્ટર આદિત્ય ધારત તો ડઝનબંધ ફિલ્મો સાઈન કરી શક્યો હોત, પણ એણે એવું ન કર્યું. એણે ૧૬ વરસની પોતાની કરીઅરમાં પસંદગીની ફિલ્મો જ કરી છે. આદિત્ય કદી બોલીવૂડની રેટ-રેસમાં પડયો નથી. આદિત્યની એક બીજી પણ ખાસિયત છે. એણે મોટાભાગે એવાં જ પાત્રો ભજવવાનું પસંદ કર્યા છે જે અટપટા, જટિલ સંબંધોની વાત કરતી સ્ટોરીના કેન્દ્રમાં હોય. 'યે જવાની હૈ દીવાની' અને થોડા અરસા પહેલાં રિલીઝ થયેલી 'મેટ્રો... ઈન દિનોં' આ વાતની સાક્ષી પુરે છે.
આદિત્ય રોય કપૂર વિશે કદાચ એટલે જ એવી છાપ પડી ગઈ છે કે આધુનિક જમાનાની રિલેશનશીપ્સમાં એ ઓથોરિટી છે! એટલે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એક્ટરને આજના સમયના સંબંધો વિશે બોલવાનો આગ્રહ કરાયો.
સોશિયલ મીડિયાથી વાતની શરૂઆત કરતા એક્ટર કહે છે, 'કબુલ કે સોશિયલ મીડિયા આપણને એકબીજા સાથે જોડે છે, પણ આ રીતે બંધાયેલા સંબંધો ખરેખર મિનિંગફુલ (અર્થપૂર્ણ) છે ખરા? આપણે બધા એકબીજાને આખો દિવસ ઇન્ટરનેટ પર મીમ્સ, રીલ્સ અને પિકચર્સ મોકલ્યા કરીએ છીએ. મેસેજીસ અને ફોટાની આપલે કરી આપણે એવું માનીએ છીએ કે આપણે એકબીજા સાથે ટચમાં છીએ, જોડાયેલા છીએ. પરંતુ હકીકતમાં આ રીતે સંબંધો બંધાતા નથી. રિલેશનશીપ્સ ટકાવી રાખવા તમારે એકબીજા સાથે વાતચીત કરવી પડે અને સાથે સમય ગાળવો પડે. માત્ર મેસેજીસ કરીને લોકો બહુ આસાનીથી એવો ભ્રમ કેળવી લે છે કે આપણે એકબીજા સાથે વાત કરતા રહીએ છીએ. પરંતુ એ તમારો ભ્રમ છે. માણસ પોતાના પ્રોફેશનમાં ગમે તેટલી ભાગદોડ કરતો હોય, પણ એણે મૈત્રી જાળવવી હોય તો મિત્રો સાથે વ્યક્તિગત સંપર્કમાં રહેવું જોઈએ. હું મારા ક્લોઝ ફ્રેન્ડ્સ આ રીતે જ જોડાયેલો રહું છું.'
આદિત્યને બ્રેકઅપ્સનો પણ બહોળો અનુભવ છે. એને પૂછાય છે કે આજે છોકરા-છોકરી વચ્ચે ડેટિંગનાં પરિમાણો બદલાઈ રહ્યાં છે ત્યારે શું તમને લાગે છે કે પ્રેમીઓ વચ્ચેના સંબંધો પહેલા કરતા વધુ જટિલ બની ગયા છે? એનો જવાબ નકારમાં આપતા આદિત્ય કહે છે, 'મોડર્ન ડે રિલેશનશીપ્સમાં કશુંય કોમ્પ્લેક્સ હોય એવું મને લાગતું નથી. જો બંને વ્યક્તિ સંબંધ પ્રત્યે પુરેપુરા સમર્પિત હોય, સીરિયસ હોય તો એમના માટે માર્ગ સરળ બની રહે છે. સમય જતા એમની રિલેશનશીપ બદલાતી નથી. બધો આધાર સંવાદ અને એકબીજા સાથે સારો એવો સમય ગાળવા પર છે.'


