Get The App

રવીન્દ્ર જૈન: અચેતન આંખો, જીવતું સંગીત .

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
રવીન્દ્ર જૈન: અચેતન આંખો, જીવતું સંગીત      . 1 - image


- સિને મેજિક- અજિત પોપટ

- રાજ કપૂરે એકવાર રવીન્દ્ર જેનને પૂછી લીધેલું કે તમને ખરાબ ન લાગે તો એક વાત પૂછું? તમારી પાસે ચર્મચક્ષુ (દ્રષ્ટિ) નથી તો તમે પણ તમે આટલાં સરસ કલ્પનો ગીતોમાં કેવી રીતે ઉમેરી શકો છો? 

- દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે...'  'લે જાયેંગે... લે જાયેંગે...

ધારો કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સામેની હોટ સીટ પર તમે બેઠાં છો. 'કૌન બનેગા કરોડપતિ?' પ્રોગ્રામમાં સવાલ-જવાબ થઇ રહ્યા છે. અમિતાભ કહે છે, 'અગલા સવાલ હૈ, યહ ગીત કિસ ફિલ્મ કા હૈ? આપ સુનિયે. કમ્પ્યુટરજી, ગીત બજાયા જાય...' અને સ્પીકર પર ગીત ગૂંજી ઊઠે છે- 'લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે...' ગીત તો ખૂબ જાણીતું છે, તમે વિચારો છો અને કદાચ યસ, કદાચ જ બોલી ઊઠો છો, ફિલ્મનું નામ છે, 'દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે...' મરકતાં મરકતાં અમિતાભ બચ્ચન એના ઘુંટાયેલા કંઠે હળવેથી કહે છે, 'આપ કા જવાબ ગલત હૈ...'

ખરેખર, આ ગીત અને યશ ચોપરાએ બનાવેલી 'દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે' ફિલ્મ ઘણીવાર રસિકોના મનમાં ગૂંચવણ સર્જે છે, મૂંઝવી દે છે. હકીકત એ છે કે આ ગીત અને યશ ચોપરાની ફિલ્મને એકબીજાની સાથે કશી લેવાદેવા નથી. જે સંગીતકારનાં થોડાંક ગીતોનો આસ્વાદ હવે કરવાનો છે એમણે આ ગીત રચ્યું અને સ્વરબદ્ધ કર્યું. ગીત જબરદસ્ત હિટ નીવડયું. આ સંગીતકારની વાત કરીએ એ પહેલાં એક આડવાત.

સંગીતકાર જયદેવની વાત કરતી વખતે કહેલું કે અમિતાભ બચ્ચનનું એંગ્રી યંગ મેન નામનું વાવાઝોડું ફૂંકાયું ત્યારે બોલિવુડમાં એક પ્રકારનો સન્નાટો છવાઇ ગયેલો. એમ સમજો કે અર્થપૂર્ણ ગીતો અને મધુર સંગીત બેક સીટ પર આવી ગયેલાં. છતાં, જયદેવ સહિત કેટલાક સંગીતકારોએ મેલોડી (મધુરતા અને સોમ્ય સૂરાવલિ) ત્યજી નહોતી. ફિલ્મ 'આલાપ'માં પણ જયદેવ સાથે અમિતાભ બચ્ચન અને રેખા હતાં. છતાં ફિલ્મ ચાલી નહીં. 

કંઇક એવો જ અનુભવ રાજશ્રીની ફિલ્મ 'સૌદાગર'ને થયેલો. 'સૌદાગર'નો હીરો પણ અમિતાભ બચ્ચન હતા. ૧૯૭૩ના મેની ૧૧મીએ પ્રકાશ મહેરાની 'ઝંઝીર' ફિલ્મ રજૂ થઇ. એ જ વર્ષના સપ્ટેંબરની ૧૪મીએ રાજશ્રીની 'સૌદાગર' રજૂ થઇ. જોકે ફિલ્મની કથા પ્રતીતિજનક નહોતી ફિલ્મ ફ્લોપ નીવડી. પણ એનાં ગીતો ગૂંજ્યાં અને ગાજ્યાં. એટલે કે હિટ નીવડયાં. એક દિવ્યાંગ ગીતકાર સંગીતકારની આ પહેલી ફિલ્મ હતી. હવે તમને ચોક્કસ યાદ આવી ગયું હશે. યસ, આપણે ગાયક-ગીતકાર-સંગીતકાર રવીન્દ્ર જૈનની વાત કરવાના છીએ. એમનાં થોડાંક ગીતો માણવાના છીએ. કિશોરકુમારે ગાયેલું 'લે જાયેંગે... લે જાયેંગે... દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે...' ગીત ફિલ્મ 'ચોર મચાયે શોર' (૧૯૭૪)નું છે, જે રવીન્દ્ર જૈને કંપોઝ કર્યું હતું. 

મૂળ રાજસ્થાનના પરંતુ વ્યવસાય અર્થે સંસ્કૃતના પ્રકાંડ પંડિત ઇન્દ્રમણી જૈન ઉત્તર પ્રદેશના અલીગઢમાં વસી ગયા હતા. આ એ સમયગાળો હતો જ્યારે બ્રિટિશ રાજનો ભારતમાં સૂર્યાસ્ત થવાનાં દિવસો ગણાતા હતા. ૧૯૪૪ના ફેબુ્રઆરીની ૨૮મીએ જન્મેલા રવીન્દ્રનો સાત ભાઇબહેનોમાં ત્રીજો નંબર. 

રવીન્દ્ર જન્મ્યા એ દિવસે નવજાત બાળકની આંખો ઊઘડી નહીં. કદાચ પાંપણો ચોંટેલી હતી. ચોવીસ કલાક સુધી આંખો ન ખૂલી ત્યારે ડોક્ટરોએ જૈન પરિવારની રજા લઇને નાનકડી સર્જરી દ્વારા આંખો ઊઘાડી ખરી, પરંતુ એ આંખોમાં દ્રષ્ટિ નહોતી, તેજ નહોતું. ઇશ્વરની ઇચ્છા સમજીને જૈન દંપતીએ બાળકને છાતીએ લગાડયું. પ્રજ્ઞાાચક્ષુ બાળક જન્મે ત્યારે તરત માતાપિતા નક્કી કરી લેતાં હોય છે કે આ બાળકને સંગીતની તાલીમ આપવી એટલે એ પોતાનો નિર્વાહ કરી શકે. રવીન્દ્ર માટે પણ એવો નિર્ણય માતાપિતાએ કર્યો. પંડિતજીની શાખ એ વિસ્તારમાં એટલી પ્રભાવશાળી હતી કે એક નહીં, ત્રણ ત્રણ સંગીત શિક્ષકો રવીન્દ્રને સંગીત શીખવવા આવતા.

જોકે અહી એક વાતની નોંધ ખાસ લેવી જોઇએ. ગાયકો અને સંગીતકારોમાં પ્રજ્ઞાાચક્ષુ ઘણા હોય છે, પરંતુ જન્મ્યા પછી અંધકાર અને માત્ર અંધકાર સિવાય કશું નહીં જોનારા બહુ ઓછા પ્રજ્ઞાાચક્ષુઓ ઉચ્ચ પ્રકારના ગીતકાર કે કવિ નીવડે છે. રવીન્દ્ર એવા ઉચ્ચ પ્રકારના ગીતકાર પણ સાબિત થયા. એનો યશ એમની માતા કિરણ જૈનને ઘટે છે. કિરણદેવી રોજ નિયમિત રીતે રવીન્દ્રને રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, સપ્તશતી ચંડીપાઠ, શિવપુરાણ વગેરે ગ્રંથોમાંથી થોડુંક વાંચી સંભળાવતી. સૂરદાસ, મીરાં, કબીર, તુલસીદાસનાં ભજનો સંભળાવતી. 

આ સંસ્કારો રવીન્દ્ર પર એટલા ઊંડા પડયા કે એમણે રચેલાં ગીતો સાંભળો ત્યારે કલ્પના પણ ન કરી શકો કે આ ગીતના રચનાર પ્રજ્ઞાાચક્ષુ છે. અન્યો તો ઠીક, ખુદ ગ્રેટેસ્ટ શો મેન રાજ કપૂર પણ રવીન્દ્ર જૈનની આ પ્રતિભાથી ઘાયલ થયેલા. રાજ કપૂર રવીન્દ્રને પંડિતજી કહેતા. એકવાર રાજે પૂછી લીધેલું કે તમને ખરાબ ન લાગે તો એક વાત પૂછું? જરૂર પૂછો, રવીન્દ્રે જવાબ આપ્યો. રાજ કપૂરે પૂછયું, પંડિતજી, તમારી પાસે ચર્મચક્ષુ (દ્રષ્ટિ) નથી તો તમે આટલાં સરસ કલ્પનો ગીતોમાં કેવી રીતે ઉમેરી શકો છો? 

રવીન્દ્ર મલક્યા. પછી કહ્યું કે એનો યશ મારી માતાને ઘટે છે. એમણે મને આપણાં સંતોએ રચેલાં ભજનો અને પ્રાચીન પુરાણોની કથાઓ સંભળાવેલી. મારી આંગળી પકડીને બગીચામાં લઇ જતી. ફૂલોની સુગંધ પરથી એનો પરિચય કરાવતી. એની ખૂબીઓ કહેતી. આમ મારું સામાન્ય જ્ઞાાન પણ સમૃદ્ધ થતું ગયું. એ સરસ ભજન ગાતી અને મને પણ ગવડાવતી. આ બધા સંસ્કારોએ મને ઘડયો છે, મારે ગીત રચવા માટે સભાન પ્રયત્ન કરવો પડતો નથી.

રાજ કપૂરે રવીન્દ્ર જૈન પાસે 'રામ તેરી  ગંગા મૈલી' અને 'હીના' જેવી ફિલ્મોનાં ગીત સંગીત મેળવ્યાં. જોકે એ વાત આપણે પછીથી આવશે.

હાલ  રવીન્દ્રની વાત આગળ  ચલાવીએ. અલીગઢમાં સંગીતની પ્રાથમિક તાલીમ લીધા પછી પંડિત ઇન્દ્રમણી જૈને રવીન્દ્રને કલકત્તા મોકલ્યા. એ દિવસોમાં શાીય સંગીતના ધુરંધરો પંડિત રવિશંકર, ઉસ્તાદ અમીર ખાન, પંડિત જસરાજ, વાયોલિનવાદક પંડિત વી. જી. જોગ, સિતારવાદક ઉસ્તાદ વિલાયત ખાન વગેરે કલકત્તામાં હતા. ત્યાં અવારનવાર શાીય સંગીતની બેઠકો થતી. 

ઉપરાંત ત્યાં તિમિર બરન, પંકજ મલિક વગેરે ગાયક સંગીતકારો પણ હતા. રવીન્દ્રને કલકત્તાનું રોકાણ ખૂબ ફળ્યું. બંગાળી લોકસંગીત અને રવીન્દ્ર સંગીત માણવાની તેમજ ખપ પૂરતું શીખી લેવાની પણ તક મળી. 

Tags :