Get The App

બ્રાઝિલનો વામન પેરા સ્વિમર ગેબ્રિયલ અરાઉહો વિરાટ સિદ્ધિના શિખરે

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
બ્રાઝિલનો વામન પેરા સ્વિમર ગેબ્રિયલ  અરાઉહો વિરાટ સિદ્ધિના શિખરે 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ફોકોમેલિયા નામની બીમારી સાથે જન્મેલા હાથ વિનાના ગેબ્રિયલના પગ પણ અલ્પ- વિકસિત છે, છતાં તેણે પેરાલિમ્પિક સ્વિમિંગમાં પાંચ સુવર્ણ ચંદ્રક જીતવાની સાથે ઈતિહાસનું સર્જન કર્યું છે

પ ડકારો એ જિંદગીનો ભાગ છે અને દરેકની સામે તેની હાજરી હોય છે, પણ જેઓ તેનો હિંમતથી સામનો કરે છે તેઓ જ તેને પાર કરવાની આવડતને કેળવી શકે છે. પાણીનો પ્રવાહ જેમ ગમે તેટલી અડચણો અને વિઘ્નો છતાં પણ પોતાની રાહને શોધી જ કાઢે છે, તેવી રીતે જ્યારે પોતાની પરિસ્થિતિને પલટાવી દેવાની હામ હોય તેના માટે તો એવરેસ્ટનું શિખર પણ એક ટેકરીથી વિશેષ બની રહેતું નથી કારણ કે અખૂટ ધીરજ અને અથાક પરિશ્ચમ એ બંનેના સહારે કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવી સફળતાને હાંસલ કરી શકાય છે. જિંદગીએ આપેલા પડકારોની ફરિયાદ કરવાને બદલે તેટલો સમય અને ઉર્જાનો ઉપયોગ પડકારને પાર કરવામાં આવે તો દુનિયાને ચમત્કાર જ લાગે તેવી ઊંચાઈએ પહોંચી શકાય છે અને આવી જ ચમત્કારિક સફળતા બ્રાઝિલના પેરા સ્વિમર ગેબ્રિયલ અરાઉહોએ હાંસલ કરીને બતાવી છે. 

ફોકોમેલિયા નામની વિચિત્રતા સાથે જન્મેલા ગેબ્રિયલના હાથ તો વિકાસ જ પામ્યા નથી. જ્યારે તેના પગ પણ સાવ અલ્પ વિકસિત દશામાં છે. આ કારણે ૨૪ વર્ષના ગેબ્રિયલની ઊંચાઈ માંડ ચાર ફૂટ જેટલી જ છે. શારીરિક મર્યાદા અને જનસમાજમાં બરોબરી મેળવવાના સંઘર્ષની વચ્ચે પણ ગેબ્રિયલે ચહેરા પર સ્મિતની સાથે પોતાની પ્રતિભાના કદને વધુને વધુ વિસ્તાર આપવા તરફ ધ્યાન આપ્યું છે અને તેના જ કારણે આજે તે પેરાલિમ્પિક એટલે કે શારીરિક અક્ષમતા ધરાવતા ખેલાડીઓના મહાકુંભ એવા પેરાલિમ્પિકના સુપરસ્ટાર્સમાં સ્થાન ધરાવે છે. તેણે પેરિસમાં બે વર્ષ અગાઉ ૨૦૨૪માં યોજાયેલા પેરાલિમ્પિકમાં કુલ ત્રણ સ્પર્ધાઓમાં સુવર્ણ ચંદ્રક જીતીને આગવો ઈતિહાસ આલેેખી દીધો હતો. આ સિવાય તેના નામે ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં બે સુવર્ણ અને એક રજત ચંદ્રક તો પહેલેથી જ અંકિત છે જ.

પેરાલિમ્પિકમાં હાથ ન ધરાવતા તેમજ ધડ અને પગમાં પણ અત્યંત ગંભીર ક્ષતિ તેમજ મર્યાદિત હલન-ચલન ધરાવતા ખેલાડીઓને એસ-ટુ કેટેગરીમાં મુકવામાં આવે છે અને ગેબ્રિયલે આ જ કેટેગરીમાં પોતાની કુશળતાને સાબિત કરતાં વિશ્વના તેના જેવા જ અન્ય હરિફોને સ્પર્ધામાં ક્યાંય પાછળ રાખી દીધા છે. પેરાલિમ્પિક ઉપરાંત બ્રાઝિલીયન સ્વિમરે નવ વર્લ્ડ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપના સુવર્ણચંદ્રકો પોતાના નામે કર્યા છે. જ્યારે પેરા પાનઅમેરિકન ગેમ્સમાં તેણે પ્રભાવશાળી દેખાવ થકી પાંચ સુવર્ણ ચંદ્રકો પર કબજો જમાવવામાં સફળતા મેળવી છે.  જે તેની પ્રતિભાના વિરાટ કદના પ્રતિબિંબ સમાન છે. બધા કરતાં આગળ નીકળી જવાની અદમ્ય ઈચ્છાશક્તિ અને પોતાની આગવી ઓળખને સ્થાપિત કરવાના જઝ્બાએ ગેબ્રિયલના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે અને આ જ કારણે વૈશ્વિક સ્તરે તે રોકેટમેન તરીકેની ઓળખ ધરાવે છે. 

સ્વિમિંગ પૂલમાં પડયા બાદ ગેબ્રિયલની ઝડપ અસાધારણ રીતે વધી જાય છે. તેની ડોલ્ફીન શૈલીની તરવાની કુશળતા એ જ તેને દુનિયાભરમાં ઓળખ અને સફળતા બંને અપાવ્યા છે. જાણે તેનો જન્મ જમીન પર ચાલવાના બદલે પાણીમાં તરવા જ થયો હોય તેવો અહેસાસ તેને જોનારને થયા વિના રહેતો નથી. બ્રાઝિલના સાન્તા લુઝિયામાં ગેબ્રિયલનો જન્મ થયો હતો. તેની માતા ઈનઈદા મેગ્દાને તો પહેલેથી ખબર હતી જ કે તેનું સંતાન જન્મથી જ શારીરિક રીતે પૂર્ણ નહીં હોય. તેને અગાઉથી જ તબીબોએ આ અંગેની ચેતવણી આપી હતી. જોકે મેગ્દાએ તેના સંતાનની સ્થિતિ વિશે જાણ્યા બાદ આ પ્રકારના બાળકોને ઉછેરવા વિશે વિવિધ પ્રકારનું માર્ગદર્શન મેળવી લીધું હતુ. 

મેગ્દાને કેટલાક નિષ્ણાતોએ સલાહ આપી હતી કે, આ પ્રકારના બાળકોને સ્વિમિંગમાં મુકવામાં આવે તો તેમની નિયમિત કસરત મળી રહે, તેની સાથે તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય. આ જ કારણે નાનકડા ગેબ્રિયલને મેગ્દાએ સ્વીમિંગમાં મૂકવાનું નક્કી કર્યું. મેગ્દાએ તેેને એકલા હાથે ઉછેર્યો. નાનકડા ગેબ્રિયલ અને મેગ્દા માટે સ્વિમિંગ પુલની મુલાકાત આસાન નહતી. ગેબ્રિયલના બંને હાથ વિકાસ પામ્યા જ નહતા અને પગ પણ ખુબ જ નાનકડા હતા અને આ કારણેે મોટાભાગના બાળકો તેનાથી દૂર ભાગતા. ઘણા વાલીઓ તેેની અને મેગ્દા તરફ દયાભાવથી જોઈ રહેતા અને સહાનુભૂતિ પણ દર્શાવતા. 

ગેબ્રિયલ માટે આ સ્થિતિ અત્યંત કપરી હતી. તેને સમજાતું નહતુ કે, બધા કેમ તેનાથી દૂર ભાગે છે અને તેનો ઉપહાસ કરે છે. જોકે, તેની માતા મેગ્દાએ તેને આ મુશ્કેલ સ્થિતિમાં સંભાળ્યો અને તેને માત્ર કોચની સૂચનાઓ તરફ જ ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી. મેગ્દા નહતી ઈચ્છતી કે તેના સંતાનનો ઉછેર વિકલાંગોની જેમ વિશિષ્ટ પ્રકારેે થાય અને આ કારણે તે અન્ય સામાન્ય બાળકોની વચ્ચે જ તેને રાખતી. ધીરે ધીરે ગેબ્રિયલે સ્વિમિંગ શીખી લીધુ અને પૂલમાં ડાઈવ લગાવ્યા બાદ તે એટલી કુશળતાથી તરતો કે અન્ય તાલીમાર્થીઓ અને તેમના માતા-પિતા પણ આશ્ચર્યથી અવાક્ બની જતા.

સ્વિમિંગપૂલથી લઈને શાળામાં ગેબ્રિયલને બધા ઓળખતા હતા. તેના સ્વિમિંગ વિશે પણ શાળાના તમામ શિક્ષકોને જાણકારી હતી. તે ૧૩ વર્ષનો હતો, ત્યારે એક શાળાકીય સ્પર્ધામાં તેને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો. શાળાના શિક્ષક  ગેબ્રિયલની કુશળતાથી પરિચિત હતા એટલે તેમણે તેને પૂછયા વિના જ તેનું નામ સ્પર્ધા માટે મોકલી આપ્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે ગેબ્રિયલે પાંચ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી લીધા હતા. આ આકસ્મિક સફળતાના કારણે ગેબ્રિયલનો ઉત્સાહ બેવડાયો. તેના પરિવારને પણ લાગ્યું કે, ગેબ્રિયલ માટે સ્વિમિંગ પૂલમાં તરવાની કુશળતા જિંદગીના નવા આયામનો દરવાજો ઉઘાડી શકે છે. આ માટે તેમણે ગેબ્રિયલને  કોચ ફાબિયો પરેેરા એન્ટોનેસની પાસે વધુ તાલીમમાં મૂક્યો.

એન્ટોનેસે તેમના આ વિશિષ્ટ તાલીમાર્થી માટે ખાસ સમય ફાળવ્યો. તેને શારીરિક મર્યાદામાં રહીને મજબુત બનાવવાની સાથે નવી ટેકનિક પણ શીખવી, જેના કારણે ગેબ્રિયલની પ્રતિભામાં વધુ નિખાર જોવા મળ્યો. બ્રાઝિલની સ્થાનિક સ્પર્ધાઓમાં સફળતા મેળવ્યા બાદ તેને કોરોનાના કારણે ૨૦૨૧માં યોજાયેલા ટોકિયો પેરાલિમ્પિક માટેની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું હતુ. તેણે જાપાનની રાજધાનીમાં યોજાયેલા પેરાલિમ્પિકમાં બે સુવર્ણ અને એક રજત ચંદ્રક માત્ર ૧૯ વર્ષની વયે જીતવાની સાથે વિશ્વભરમાં ઓળખ ઉભી કરી.

ઓલિમ્પિકમાં ચેમ્પિયન બન્યા બાદ તેણે વર્લ્ડ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ અને પાન અમેરિકન પેરા સ્વિમિંગમાં સફળતા મેળવતા ઈતિહાસમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું. આ પછી તેણે પેરિસમાં ગોલ્ડન હેટ્રિક સર્જવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. પેરાલિમ્પિકનો ગોલ્ડન સ્વિમર દુનિયાભરમાં ખુદની મિસાલ થકીને અનેક બાળકો અને યુવાનોને પ્રેરણા પુરી પાડી રહ્યો છે. હાથ ન હોવાથી તે પગના અંગૂઠા વડે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અને સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સની સંખ્યા ઘણી મોટી છે. 

અસાધારણ સાહસ દાખવતા ગેબ્રિયલે દુનિયા તેમજ પોતાની મર્યાદાઓ સામે સંઘર્ષ કરીને વૈશ્વિક સ્તરે મેળવેલી સિદ્ધિઓને તાજેતરમાં જ  યોજાયેલા રમત વિશ્વના ઓસ્કાર એવોર્ડ ગણાતા લોરિયસ એવોર્ડમાં નવાજવામાં આવી હતી. ટેનિસ લેજન્ડ યોકોવિચ અને સ્કીયર એમિલીયા ગ્યુએ હોસ્ટ કરેલા લૉરિયસ એવોર્ડ સમારંભમાં ગેબ્રિયલને વર્ષના શ્રેષ્ઠ પેરા એથ્લીટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

ગેબ્રિયલ કહે છે કે, દરેક દિવસ નવા પડકારને લઈને આવે છે અને તે પડકારોને સામનો કરતાં કરતાં જ હું વધુને વધુ મજબુત બની રહ્યો છું. પડકારો જ મારી ક્ષમતાને વધુ વિસ્તારવાની પ્રેરણા પુરી પાડે છે.