ગોવિંદા અને સની દેઉલ જેવા અમુક એકટર્સે લોકસભામાં ચૂંટાયા બાદ ઈન્ડસ્ટ્રીના હિતમાં ભાગ્યે જ કોઈ કામ કર્યું છે. એમણે સંસદમાં કેટલા દિવસ હાજરી આપી હશે એ પણ એક પ્રશ્ન છે. પરંતુ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાંથી ૨૦૨૪માં લોકસભામાં ચૂંટાયેલો એક્ટર રવિ કિશન નોખી માટીનો માણસ છે. એણે હમણાં ટીવી ઇન્ડસ્ટ્રીને નેશનલ એવોર્ડ કેટેગરીમાં સામેલ કરવા સરકારમાં પૂરું જોર લગાવવાની ઘોષણા કરી છે. અત્રે નોંધવું ઘટે કે ટીવી પ્રોડયુસર બિનેફેર કોહલીએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માટે નેશનલ એવોર્ડ્સ શરૂ કરવાની માગણી કરી ત્યારથી ઘણા લોકો એ ડિમાંડના સમર્થનમાં આગળ આવ્યા છે. એક્ટર-પોલિટિશ્યન રવિ કિશને પણ એને ટેકો આપી કહ્યું છે કે હું આ સૂચન સરકાર સમક્ષ રજુ કરીશ.
'હું નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ટીવી શોઝ માટે એક કેટેગરી ઊભી કરવા માહિતી અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખીશ. મારું એવું માનવું છે કે નેશનલ એવોર્ડ્સ અપાતા થશે તો ટીવી શોઝના કોન્ટેન્ટની ક્વોલિટી અને એકટર્સના પરફોર્મન્સ બંને નવી ઊંચાઈ સર કરશે. પ્રાદેશિક ભાષાની સિરીયલ્સને પણ નેશનલ એવોર્ડ્સ આપી શકાય,' એમ ભોજપુરી અને હિન્દી ફિલ્મોના વર્સેટાઈલ એકટરે મીડિયાને કહ્યું છે. અહીં નોંધવું જોઈએ કે રવિ કિશને ફિલ્મો અને વેબ-સીરિઝ ઉપરાંત ટીવી સીરિયલો પણ કરી છે.
આ વિષયમાં ઊંડા ઉતરતા ૫૬ વરસનો 'લાપતા લેડીઝ'નો આ એક્ટર કહે છે કે ટીવી એવોર્ડ્સની નવાજેશ માટે એક જુદો સમારંભ યોજી શકાય અથવા તો એ ફિલ્મોના નેશનલ એવોર્ડ્સની સાથે અપાય. આપણાં દેશમાં ટીવી માટે ઘણાં એવોર્ડ્સ અપાય છે, પરંતુ નેશનલ એવોર્ડને કારણે એ જુદી જ પ્રતિષ્ઠા મળે છે.
રવિ કિશને પહેલીવાર ઇન્ડસ્ટ્રીના હિતમાં પોલિસી ઘડવાની વાત નથી કરી. આ પહેલા એણે પોતાના પ્રોફેશનમાં દાયકાઓ ગાળ્યા બાદ એક્ટર્સને પાછલી જિંદગીમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ સંદર્ભમાં લોકસભામાં એક ખાનગી ખરડો રજુ કર્યો હતો.
ફિક્શન રોલ્સથી લઈ રિયાલિટી શોઝ સુધીના જુદા જુદા ટીવી ફોર્મેટસમાં ૩૫ વરસનો અનુભવ ધરાવતો કલાકાર સમાપનમાં એવું વચન આપે છે કે 'હું ઇન્ડસ્ટ્રી વિશેના મુદ્દા પાર્લામેન્ટમાં ઉઠાવતો રહીશ અને એમના ઉકેલ માટે બનતું બધુ કરી છુટીશ.'


