Get The App

રવિ દુબે: પાકિસ્તાની સીરિયલો ચડિયાતી એવું હું ભૂલેચુકેય માનતો નથી

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
રવિ દુબે: પાકિસ્તાની સીરિયલો ચડિયાતી એવું હું ભૂલેચુકેય માનતો નથી 1 - image

- 'ભારતના ઈતિહાસના મૂળિયાં ઊંડાં અને મજબૂત છે. આપણી પાસે વાર્તાઓનો સમૃધ્ધ વારસો છે. તેમાંથી જોઈએ એટલાં પાત્રો મળી રહે તેમ છે...'

બોલીવૂડમાં હમણાંથી નવો ટ્રેન્ડ શરૂ થયો છે. નાના એક્ટર્સ પણ પ્રોડયુસર બની રહ્યા છે. ટીવી સીરિયલોથી લાઈમલાઈટમાં આવનાર એક્ટર રવિ દુબે અને એની એક્ટર પત્ની સર્ગુન મહેતાનો આ ક્લબમાં ઉમેરો થયો છે. રવિ માટે ૨૦૨૫ ઇવેન્ટફુલ વરસ બની રહ્યું છે. નીતેશ તિવારીની અબજોના ખર્ચે બે ભાગમાં બની રહેલી રામાયણમાં લક્ષ્મણનો રોલ મેળવી દુબે સમાચારોમાં ચમક્યો હતો. એ ઉપરાંત એક્ટર પ્રોડયુસર તરીકે પોતાના પ્રોજેક્ટ્સમાં પણ બિઝી છે. પ્રોડયુસરની ચેયરમાં ગોઠવાયેલો ૪૧ વરસનો એક્ટર પોતાના નવા સાહસ વિશે વાત કરતા કહે છે, 'અમે બંને હાલ કામમાં ગળાડુબ છીએ. 

પ્રોજેક્ટ્સ બાબતમાં અમે અંત:સ્ફુરણાથી દોરવાઈને નિર્ણયો લેવાનું રાખ્યું છે. આશા છે કે એમાં અમે સફળ થઈશું. તમને જો તમારી સ્ટોરીઝ અને દર્શકોની પસંદ વચ્ચે બેલેન્સ જાળવતા આવડે તો એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રગતિની ઘણી સંભાવનાઓ રહેલી છે.'

અલબત્ત, ટીવી સીરિયલોમાં નામ અને દામ કમાનાર રવિ એવી સામાન્ય માન્યતાનું ખંડન કરે છે કે હિન્દી ટીવી શોઝની પડતીનો કાળ ચાલી રહ્યો છે. 'એક સમયે લોકોએ સિનેમા માટે પણ આવું વિચાર્યું હતું. ફિલ્મો ડચકા ખાઈ રહી છે એવું લોકો માનતા, એવું જ અત્યારે ટીવી અને ઓટીટી માટે પણ મનાય છે. એટલે હું ટેલિવિઝન માટે 'નિષ્ફળ' શબ્દ વાપરવા નથી ઇચ્છતો. હકીકતમાં આપણે ટીવી શોઝ માટે નવેસરથી સ્ટ્રેટજિસ બનાવવાની જરૂર છે. કહાનિયોં કો સહી જગહ પર ખતમ કરેંગે તો જ દર્શકોમાં ઉત્સુકતા જળવાઈ રહેશે. સીરિયલોને વધુ પડતી ખેંચવાનું બંધ થવું જોઈએ,' એવો ઓપિનિયન દુબેજી દર્શાવે છે.

તાજેતરમાં પોતાના નવા સી-ફેસિંગ ઘરમાં શિફ્ટ થયેલો એક્ટર ઇન્ટરનેશનલ શોઝ સાથે આપણી સીરિયલોની સરખામણી કરવાની તક ઝડપી લેતા કહે છે, 'ભારત પાસે ડીપ સ્ટોરીઝનો ખજાનો છે. મેં કદી સપનામાં પણ એવું માન્યું નથી કે પાકિસ્તાની ડ્રામાઝ આપણા કન્ટેન્ટ કરતા ચડિયાતા છે. ભારતના ઈતિહાસના મૂળીયા ઊંડા અને મજબુત છે. આપણી પાસે વાર્તાઓનો સમૃધ્ધ વારસો છે, જેમાંથી જોઈએ એટલા પાત્રો મળી રહે. એટલે આપણએ સ્ટોરીઝ અને સ્ક્રીનપ્લેઝની કમી ક્યાંથી અનુભવીએ?'

ભારતીય ટેલિવિઝન પાસે ગ્લોબલ સ્ટાન્ડડર્સ સાથે ગર્વથી કદમ મિલાવવાની ક્ષમતા છે એવું એક સોને દસ ટકા માનતો રવિ પોતાના મતના સમર્થનમાં કહે છે, 'ડેઈલી સોપ્સની વાત આવે ત્યારે આપણે ઇન્ટરનેશનલ કન્ટેન્ટની તોલે ન આવી શકીએ એવું કહેવું ખોટું છે. આપણે ૮૦ અને ૯૦ ના દશકના આપણા ટીવી શોઝને કઈ રીતે ભૂલી શકીએ? 

હમ લોગ, સ્વાભિમાન, રામાયણ અને મહાભારત જેવા અતિ સુંદર સ્ટોરીઝ ધરાવતા દિગ્ગજ શોઝ આપણએ ત્યાં બન્યા છે. આવા બિગ શોઝની આપણે એ સમયે પ્રથા પાડી હતી.'