રવિના ટંડન : દક્ષિણ ભારતીય ફિલ્મોનાં મૂળ તેની સંસ્કૃતિ સાથે જોડાયેલાં હોય છે
અભિનેત્રી રવિના ટંડન લગભગ દોઢ દશકે તમિળ ફિલ્મોમાં પરત ફરી રહી હોવાથી તેનો ઉત્સાહ સમાતો નથી. તે વિજય એન્ટની સાથે 'લૉયર'માં કામ કરવાની તૈયારી કરી રહી છે. અદાકારા કહે છે કે ખાસ્સા ૨૪ વર્ષ પછી હું ફરીથી તમિળ ફિલ્મ કરવાની હોવાથી એક તરફ મારું ઉર ઉત્સાહથી છલકાઈ રહ્યું છે તો બીજી તરફ મને ગભરામણ પણ થઈ રહી છે. હું જાણું છું કે મને નવેસરથી તમિળ બોલવાનો મહાવરો કેળવવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 'સાધુ' (૧૯૯૪) અને 'આલવન્ધાન' (૨૦૦૧) પછી રવિનાની આ ત્રીજી તમિળ ફિલ્મ હશે. અદાકારાએ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ ૨૦૨૨માં તેની છેલ્લી દક્ષિણ ભારતીય ફિલ્મ 'કેજીએફ : ચેપ્ટર-૨'આવી હતી.
રવિના કહે છે કે મને દક્ષિણ ભારતીય ફિલ્મો હમેશાંથી રસપ્રદ લાગી છે. તેથી મેં પહેલેથી, એટલે કે છેક ૧૯૯૨થી અહીં કામ કર્યું છે. એવું નથી કે હું હમણાં તમિળ ફિલ્મ કરવાની છું એટલા માટે આ વાત કરી રહી છું. જો તમે મારા ૯૦ના દશકના ઇન્ટરવ્યુ જોશો તો તેમાં પણ તમને મારી આ વાત દેખાશે. વાસ્તવમાં દક્ષિણ ભારતની ફિલ્મો તેમની સંસ્કૃતિ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હોય છે. ત્યાંના ફિલ્મ સર્જકો પશ્ચિમી ફિલ્મોદ્યોગની નકલ કરવાનો પ્રયાસ નથી કરતાં. અને જ્યારે કોઈ પોતાના મૂળિયાં સાથે જડાયેલું હોય ત્યારે તેમને કોઈ ઉખેડી ન શકે. તેમની લગભગ બધી જ ફિલ્મો સફળ થાય છે તેનું મુખ્ય કારણ આ જ છે.
બાવન વર્ષીય અદાકારા વધુમાં કહે છે કે દક્ષિણ ભારતીય ફિલ્મોના સર્જકો એવી કહાણીઓ જ રજૂ કરવાનું પસંદ કરે છે જે તેમના મોટા દર્શક વર્ગને પસંદ પડે.
આશ્ચર્યની વાત એ છે કે આટલાં વર્ષ પછી પણ રવિના સમય સાથે તાદાત્મ્ય સાધીને મહત્વના પાત્રો મેળવવા જેટલી સમર્થ રહી છે. અદાકારા પણ આ વાતને સમર્થન આપતાં કહે છે આજની તારીખમાં પણ પ્રસ્તૂત રહેવા મેં કોઈ ખાસ પ્રયાસો નથી કર્યાં. જો તમે તમારા પાત્રો યોગ્ય રીતે પસંદ કરવાની આવડત કેળવો અને વ્યક્તિ તરીકે વિકસતા રહો, સમયના વહેણ સાથે વહેતાં રહો તો કોઈપણ વખતે પ્રસ્તૂત રહી શકો. રવિના વધુમાં કહે છે કે કેટલાંક લોકો સમયની સાથે આગળ વધવાને બદલે સમયના એક જ તબક્કામાં જકડાઈને બેસી રહે છે. જ્યારે એક માનવી તરીકે પ્રકૃતિના પરિવર્તનના નિયમને અનુસરવું જોઈએ. જો તમે આટલું કરી શકો તો તમારી પસંદગીમાં આપોઆપ બદલાવ આવશે.