Get The App

રાશિ ખન્નાનું પ્રોફેશનલિઝમ બીજાઓએ અનુસરવા જેવું છે

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
રાશિ ખન્નાનું પ્રોફેશનલિઝમ બીજાઓએ અનુસરવા જેવું છે 1 - image

મોટાભાગના સ્ટાર કિડ્સ બોલિવુડમાં ફાંફા મારી રહ્યા છે ત્યારે આઉટસાઇડર્સ ટેલેન્ટ અને મહેનતના જોરે પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. 'સૈયારા' ફેમ અનિત પડ્ડાનો દાખલો તાજો છે. એવી જ એક આઉટસાઇડર પંજાબી કુડી છે રાશિ ખન્ના. સાઉથની ફિલ્મોમાં જમાવટ કર્યા બાદ રાશિએ 'ફર્ઝી', 'યોદ્ધા' અને 'રુદ્ર' જેવી હિન્દી ફિલ્મો અને વેબ સીરિઝમાં પોતાનું કૌવત દાખવ્યું છે. હાલમાં એની ફરહાન અખતર સાથેની વોર ફિલ્મ '૧૨૦ બહાદુર' રિલિઝ થઈ છે. એ નિમિત્તે એકટ્રેસે પસંદગીના મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યા હતા.

એક ઇન્ટરવ્યુમાં રાશિને પહેલો જ અઘરો કહી શકાય એવો સવાલ પૂછાયો, 'તમે અજય દેવગન, શાહિદ કપૂર, ફરહાન અખતર, પવન કલ્યાણ અને ધનુષ જેવા મોટા એકટર્સ સાથે કામ કર્યું છે. એ દરમિયાન ક્યારેય નર્વસનેસ અનુભવી છે? કોની સાથે તમારું સારું બોન્ડિંગ બન્યું?' દિલ્હીમાં ઉછરેલી એકટ્રેસ પૂરા કોન્ફિડન્સ સાથે જવાબ આપે છે, 'ખરું કહું તો કોઈની સામે કદી નર્વસ નથી થઈ. કદાચ એટલા માટે કે હું ફિલ્મી પરિવારમાંથી નથી આવતી એટલે મોટા સ્ટાર્સથી ક્યારેય અંજાઈ નથી. હા, પવન કલ્યાણ સર સાથે થોડી નર્વસ હતી કારણ કે એમનો ગજબનો ઓરા છે. બાકી, શાહિદ કપૂર સાથે ફર્ઝીના શુટિંગ દરમિયાન મેં એમને કહ્યું હતું કે મારી ઘણી કોલેજ ફ્રેન્ડસને તમારા પર ક્રશ હતો અને તમારા મેરેજ થયા ત્યારે એ બધાના દિલ તૂટી ગયા હતા. સેટ પર વાતચીત થાય પણ ખાસ બોન્ડિંગ કોઈની સાથે નથી થયું. આમેય હું સેટ પર કામ કરવા જાઉં છું, ફ્રેન્ડ્સ બનાવવા નથી જતી. સેટ પર બધા સાથે મારી પ્રોફેશનલ વાતચીત જ થાય છે. મારા મિત્રો ઇન્ડસ્ટ્રીની બહારના છે.'

મીડિયામાંથી બીજો પ્રશ્ન પણ એવો પૂછાયો કે ખન્ના (૩૫) થોડી ઉશ્કેરાઈ જાય,  'મેમ, ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવાય છે કે એક્ટરે અહીં કોન્ટેક્ટસ બનાવવું અને પાર્ટી-સોશ્યલ મીડિયા પર હાજરી પુરાતા રહેવી જરૂરી છે. પરંતુ તમે તો આ રુલ ફોલો નથી કરતા. કેમ?' એક્ટર મુઠી વાળીને ઉત્તર આપે છે, 'નો વે, બિલકુલ નહીં, મને આટલા વરસોમાં સમજાઈ ગયું છે કે મારે શું કરવું છે. તમારા કસબ, તમારા હુન્નર પર તમારી પકડ હોય તો જ તમે અહિંયા ટકી શકો. બાકી બધુ તો એક પ્રકારનો ભ્રમ છે અને મારે એ ભ્રમમાં લપેટાવું નથી. હા, એક્ટર તરીકે તમે બધે દેખાતા રહો તો તમને અમુક બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ મળી જાય, પરંતુ ફિલ્મો તો જ મળે જો તમારી પાસે ક્રાફ્ટ (કસબ) હોય. કોન્ટેક્ટસથી પિકચર્સ મળે છે એવું મને નથી લાગતું. હું સ્વભાવે અંતર્મુખી છું એટલે લોકો સાથે હળીમળી નથી શકતી. એટલે મારું કામ બહુ સારી રીતે કરું છું અને એ જ મારે મન મહત્ત્વનું છે.'

પછી રાશિને એની લેટેસ્ટ મૂવી સંબંધમાં પૃચ્છા થાય છે, '૧૨૦ બહાદુર'માં તમે બહુ સુંદર દેખાવ છો, પણ તમારો રોલ નાનો છે. તમારા માટે સ્ક્રીન સ્પેસ કેટલી મહત્ત્વની છે? એ સંદર્ભમાં ખુલાસો આપતા એકટ્રેસ કહે છે, 'અમારા ડાયરેક્ટર રેજી સર (રજનીશ ઘાઈ)એ મારી સાથે પહેલી મીટિંગ કરી ત્યારે જ કહી દીધું હતું કે તારો રોલ લાંબો નથી, પણ એની ઇમ્પેક્ટ ખાસ્સી છે. મેં એમને કહ્યું મારા માટે સ્ક્રીન સ્પેસ અગત્યની નથી, પણ ઇમ્પેક્ટ હોવી જોઈએ. રોલ સારી રીતે લોકોને યાદ રહી જાય એવો લખાયેલો હોવા જોઈએ. એટલે મેં એ ફિલ્મ સ્વીકારી. બીજું, આ ફિલ્મમાં જે સ્ટોરી છે એ વિશે લોકોને બહુ જાણ નથી. એટલે મને થયું કે આવી સ્ટોરીઝ દર્શકો સુધી પહોંચાડવી જરૂરી છે, જેથી એમને જાણ થાય કે આપણાં જવાનો દેશવાસીઓને સુરક્ષિત રાખવા કેવા કેવા બલિદાન આપે છે.'

સમાપનમાં પૂછાયેલો સવાલ પણ ઇન્ટેસ્ટિંગ છે, તમે '૧૨૦ બહાદુર'માં રાજસ્થાની મહિલાનો રોલ કર્યો છે. તમે કોઈક બંગાળી પાત્ર કર્યું છે તો અમુક પંજાબી કુડીના રોલ પણ કર્યા છે. આટલી બધી ભાષાઓ શીખવી શું ખરેખર મુશ્કેલ હોય છે? રાશિનો જવાબ એકદમ સટીક છે, 'એ સહેલું તો જરાય નથી હોતું. બહુ મહેનત કરવી પડે છે. એટલા માટે કે તમે શબ્દોનો ખોટો ઉચ્ચાર કરો તો દર્શકો તરત એ પકડી પાડે. અમારે એકટર્સે દરેક ભાષા શીખવા વર્કશોપ કરવી પડે છે. આ ફિલ્મમાં મારા રાજસ્થાની ડિક્શન કોચ હતા. શોમાં બંગાળી બની ત્યારે એના ડિરેક્ટર બંગાળી હતા એટલે એમની મદદ લીધી. હું જન્મે પંજાબી છું, પણ દિલ્હીમાં હિન્દી ભાષીઓ વચ્ચે રહી છું એટલે પંજાબી બોલવું મારા માટે લોઢાના ચણાં ચાવવા જેવું હતું. એટલે એ માટે ઘણી વર્કશોપ કરી અને મારા પાપાએ પણ ઘણી હેલ્પ કરી. એમની પંજાબી બહુ સારી છે.'