Get The App

રાશિ ખન્ના વાત માંડે છે બોલિવુડ અને સાઉથના મજેદાર અનુભવોની

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
રાશિ ખન્ના વાત માંડે છે બોલિવુડ અને સાઉથના મજેદાર અનુભવોની 1 - image

- 'મારા જીવનમાં કે કરીઅકમાં ક્યારેય કોઇ જ જાતનું આયોજન નથી કર્યું. મેં મારી જાતને કહ્યું, જીવનમાં જે કાંઇ કુદરતી રીતે બને છે તેનો સ્વીકાર કરી લે. નસીબને શરણે થઇ જા.' 

રા શિ ખન્ના. હિન્દી ફિલ્મો   સહિત તમિળ, તેલુગુ, મલયાલમ ફિલ્મોનો પણ જાણીતો અને માનીતો  ચહેરો.  રાશિ ખન્ના એવી અભિનેત્રી છે જેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત હિન્દી ફિલ્મ મદ્રાસ કેફે  (૨૦૧૩)થી કરી. જોકે બીજી હિન્દી ફિલ્મોમાં કામ કરવાને બદલે રાશિ ખન્નાએ તમિળ, તેલુગુ, મલયાલમ ફિલ્મોમાં કામ  કરવાનું  પસંદ કર્યું. 

    રાશિ ખન્ના કહે છે, જુઓ, મેં   મારા જીવનમાં કે અભિનય કારકિર્દીમાં ક્યારેય કોઇ જ જાતનું આયોજન નથી કર્યું.  ખરું કહું તો એક  તબક્કે મારા અંતરમાં  જે જે ઇચ્છા હતી કે મારે જે કાંઇ જોઇતું હતું તે ન મળ્યું. કે મારી પેલી ઇચ્છા પણ ફળીભૂત ન થઇ. મેં  બસ, ત્યારબાદ મારી જાતને કહ્યું, જીવનમાં જે કાંઇ કુદરતી રીતે બને છે તેનો સ્વીકાર કરો. ભાગ્ય કે  નસીબ જે કાંઇ હોય તેને શરણે થઇ જાવ. મદ્રાસ કેફે ફિલ્મ બાદ મને બોલીવુડમાંથી સારો આવકાર મળશે એવી આશા હતી. જોકે તે ન બન્યું. આમ છતાં મારા માટે બીજી બારી ખુલ્લી ગઇ હતી. મારા આશ્ચર્ય વચ્ચે  મને તમિળ ફિલ્મોમાં ઉજળી  તક મળી. સાથોસાથ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ તક મળી. ખરું કહું તો  મેં કાંઇ એક ફિલ્મ જગતમાંથી બીજા  ફિલ્મ ઉદ્યોગમાં જવાનું આયોજન કર્યું જ નહોતું. હું એક અભિનેત્રી છું.કલાકાર છું. એટલે મારા માટે તો ફિલ્મની કથા-પટકથા જ સૌથી મહત્વની છે. ભલે પછી તે કથા -પટકથા કોઇપણ ભાષાની ફિલ્મની હોય. 

   વળી,  મારી સામે જે કાંઇ ઓફર આવે છે તેનાં મહત્વનાં પાસાંની માહિતી મેળવું છું.  હું  મારા પાત્રને યોગ્ય ન્યાય આપી શકીશ કે નહીં તેનો બરાબર વિચાર કર્યા બાદ તે ફિલ્મ સ્વીકારું છે. હિન્દી અને તમિળ કે તેલુગુ ફિલ્મોની વાર્તા અને ભૂમિકાઓ વચ્ચે ઘણો તફાવત છે. ઉદાહરણરૂપે   મારાં હિન્દી ફિલ્મોનાં પાત્રો નારી પ્રધાન રહ્યાં છે જ્યારે તમિળ અને તેલુગુ ફિલ્મોની ભૂમિકાઓમાં વિવિધતા રહી છે. અમુક પાત્રો મુખ્ય છે તો કેટલીક ભૂમિકાઓ સહાયક પણ છે. મારે  એક કલાકાર તરીકે તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવવા તૈયાર રહેવું જોઇએ. હું તો ફિલ્મના સેટ પર જે કાંઇ ગતિવિધિ થતી હોય તેમાંથી પણ ઉપયોગી બાબત શીખું છું.  આમ  પણ મને નવી, સર્જનાત્મક,  વિશિષ્ટ, ઉપયોગી બાબતો જાણવા-શીખવાનું ગમે છે.  મને શરૂઆતના તબક્કે તમિળ, તેલુગુ, મલયાલમ ભાષા બોલવામાં અને સમજવામાં    ખરેખર બહુ જ તકલીફ થઇ હતી. એમ કહો કે પડકારરૂપ હતું.  જોકે મારા મતે તો દરેક માનવીમાં એક કે બીજી પ્રતિભા હોય છે. જરૂર છે તે પ્રતિભાને પારખવાની.  મેં  તેલુગુ ભાષા શીખવાનું શરૂ કર્યું ત્યારે મારાં સહ કલાકારો જબરી મજાક-મશ્કરી કરતાં. જોકે   સમય જતાં તેઓએ મને ઘણો સહકાર પણ આપ્યો. હું   ત્યારબાદ તમિળ અને મલયાલમ ભાષા પણ શીખી. મારા અનુભવ મુજબ મલયાલમ ભાષા સૌથી કઠીન છે.  હું  તલાખોં મેં એક  ફિલ્મમાં  બંગાળી મહિલા બની છું, જ્યારે ૧૨૦ બહાદુર ફિલ્મમાં રાજસ્થાની મહિલા બની છું. મેં  નવી ફિલ્મમાં   પંજાબીની ભૂમિકા પણ ભજવી છે.કહેવાનો અર્થ એ છે કે હું ભારતની વિવિધ ભાષાની ફિલ્મોમાં કામ કરીને જુદી જુદી ભાષા અને બોલીના પાઠ શીખવા ઇચ્છું  છું. મારી અભિનય પ્રતિભાનું ગગન વિશાળ બનાવવા ઇચ્છું છું. 

 ઘણાં નવાં  કલાકારો બોલીવુડમાં આવે છે. એકાદ - બે ફિલ્મોમાં ચમકીને પછી કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઇ જાય છે  ? હું બહુ નમ્રપણે માનું છું કે ફિલ્મ જગતમાં પ્રવેશ કરવો અને પોતાની પ્રતિભાથી લાંબા સમય સુધી ટકી રહેવું , બંને જુદી બાબત છે. અખબારોમાં અને મેગેઝીનોમાં  વારંવાર ચમકવું અને એક પ્રતિભાશાળી -કુશળ અભિનેતા કે અભિનેત્રી તરીકે આદર -સન્માન પ્રાપ્ત કરવાં, પણ સાવ જ અલગ બાબત છે. 

 ઉદાહરણરૂપે મહાન અભિનેતા અશોક કુમાર, મોતીલાલ, પૃથ્વી રાજ કપૂર, રાજ કપૂર,  દિલીપ  કુમાર, નૂતન, મીના કુમારી, મધુબાલા, વૈજયંતીમાલા, સંજીવ કુમાર વગેરે આવાં અભિનય પ્રતિભાથી આદર-સન્માન પ્રાપ્ત કરનારાં કલાકારો છે.  

તમિળ, તેલુગુ, મલયાલમ ફિલ્મોમાં વધુ યોગદાન આપનારી  રાશિ ખન્ના પોતાની નિષ્ઠા, મહેનત વિશે ખુલ્લા દિલે વાત કરતાં કહે છે,  મેં સાબરમતી રિપોર્ટ (હિન્દી) અને તેલુસુ કદા(તમિળ) ફિલ્મો માટે ઘણી મહેનત કરી હતી. તેલુસુ કદા તમિળ શબ્દનો અર્થ છે   :  તને ખબર છે ને ? : એવો થાય છે. હું આ બંને ફિલ્મના શૂટિંગ માટે  દરરોજ એકથી બીજા સેટ પર જતી. બંને ફિલ્મની કથા-પટકથા, વાતાવરણ, પાત્રો બધું સાવ જ જુદાં છે. જોકે મેં  બંને ફિલ્મમાં મારાં પાત્રોને સમજવા અને તેને દર્શકો સુધી પહોંચાડવા પાયારૂપ કહી શકાય તેવી ઘણી મહેનત કરી છે. 

હું  તમિળ, તેલુગુ, મલયાલમ ફિલ્મોના આલા દરજ્જાના અભિનેતાઓ રવિ તેજા, જુનિયર એન. ટી. આર., મોહનલાલ, પવન કલ્યાણ વગેરે પાસેથી અભિનયના પાઠ    શીખી છું. આ બધા કલાકારો અભિનયની હરતીફરતી પાઠશાળા છે. સાથોસાથ ઉત્તમ -ઉમદા માનવી પણ છે.