- 'હું ટ્રેન્ડને અનુસરી નથી, મેં માત્ર મારા મનની વાત માની છે.'
આંખોમાં સ્ટાર કલાકાર બનવાના શમણાં આંજીને હિન્દી ફિલ્મોદ્યોગમાં પ્રવેશતાં અનેક યુવકો અને યુવતીઓ ક્યારે અને ક્યાં ગુમ થઈ ગયાં હશે તેની કોઈને ખબર નહીં પડી હોય. પણ બહુ મોટી મહત્વકાંક્ષા રાખ્યા વિના અભિનય ક્ષેત્રે ડગ માંડનારા ઘણાં કલાકારો દશકો સુધી ટકી રહ્યાં છે. આવા જ કલાકારોમાંની એક છે અભિનેત્રી રાણી મુખર્જી.
રાણી મુખર્જીની બોલીવૂડમાં આવ્યે ૩૦ વર્ષ પૂરાં થયાં. તેણે હિન્દી ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કર્યું ત્યારે તે કોઈ મોટાં સપનાં લઈને નહોતી આવી. અદાકારા કહે છે કે અભિનયે જ મને ખોળી કાઢી. આ ત્રણ દશક દરમિયાન હું ઘણું શીખી છું. મને હમેશાં અડગ પાત્રો ગમ્યાં છે. ખાસ કરીને એવી મહિલાઓના કિરદાર જે કોઈપણ સંજોગોમાં ઘૂંટણિયા ટેકવવા તૈયાર ન થાય. તે પોતાની આવી ભૂમિકાઓ વિશે કહે છે કે ચાહે આવા કિરદાર દર્શાવતી ફિલ્મ 'નો વન કિલ્ડ જેસિકા' હોય કે 'મર્દાની' યા તો 'બન્ટી ઔર બબલી', મને આ પ્રકારની ફિલ્મો અને પાત્રોએ લોહચુંબકની જેમ પોતાની તરફ ખેંચ્યા છે.
રાણી માને છે કે ૧૯૯૦ના દશકનો અંત ભાગ અને ૨૦૦૦ના દશકનાં પ્રારંભિક વર્ષો તેના માટે અત્યંત મહત્ત્વનાં રહ્યાં. તે કહે છે કે '૯૦ના દશકનો અંતિમ હિસ્સો મારા માટે જાદુઈ નિવડયો. એ સમય દરમિયાન મેં કરેલી ફિલ્મોએ મારા ભાગ્યને બદલી નાખ્યું. તે વખતે જ મને અનુભૂતિ થઈ કે હિન્દી સિનેમા દર્શકોના દિલ પર કેટલી હદ સુધી રાજ કરે છે. તે વધુમાં કહે છે કે ૨૦૦૦ના દાયકાનાં પ્રારંભિક વર્ષોમાં મારો અવાજ બુલંદ બન્યો. તે વખતે રજૂ થયેલી 'સાથિયા' મારી કારકિર્દીમાં મહત્વનો વળાંક બની રહી. મેં ભાવનાઓમાં વહી જતી અધીરી મહિલાની ભૂમિકા ભજવી. હકીકતમાં હું પડદા પર પરફેક્ટ લાગવા નહોતી માગતી, બલ્કે પૂરેપૂરી ઈમાનદાર રહેવા ઇચ્છતી હતી. આવી વિચારસરણીને પગલે જ મેં 'હમ તુમ..' અને 'બ્લેક' જેવી ફિલ્મો કરી. આવા સિનેમામાં કામ કર્યા પછી મને લાગ્યું કે હા, હું ખરેખર એક અચ્છી અદાકારા છું.
રાણીએ પોતાની ત્રણ દશકની અભિનય યાત્રા દરમિયાન બ્રેક પણ લીધા છે. તે આ બાબતે કહે છે કે હું વચ્ચે વચ્ચે થોડા થોડા સમય માટે રોકાઈ, અને પરત પણ પોતાની શરતો પર ફરી. ઘણી વખત એવું પણ લાગતું કે હું ટ્રેન્ડની વિરૂધ્ધ જઈ રહી છું, પરંતુ મેં માત્ર મારા મનની વાત માની. મારા મતે લાંબા સમય સુધી ટકવા સમય સાથે ચાલવા કરતાં ઈમાનદાર હોવું વધુ મહત્વનું બની રહે છે.


