રણદીપ હુડા : પત્નીએ મને કોચલામાંથી બહાર કાઢ્યો
બહુમુખી પ્રતિભાના સ્વામી ગણાતા અભિનેતા રણદીપ હુડાએ વર્ષ ૨૦૨૩માં ઈશાન ભારતની ખૂબસુરત અદાકારા લીન લેશરામ સાથે લગ્ન કર્યાં ત્યાર પછી તેનું સમગ્ર વ્યક્તિત્વ, વિચારો, જીવન જીવવાની રીત બદલાઈ ગયાં છે. અલબત્ત, સકારાત્મક રીતે. અભિનેતા સ્વયં આ વાત કબૂલ કરતાં કહે છે કે લીન સાથે વિવાહ કર્યા પછી તેના વ્યક્તિગત જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. હવે તે દુનિયા સાથે અલગ રીતે જોડાઈ રહ્યો છે.
રણદીપ કહે છે, 'અગાઉ હું દુનિયાથી કપાઈને રહેતો. લોકો સાથે ભળવામાં મને મુશ્કેલી થતી, પરંતુ લીન મારી અને દુનિયા વચ્ચે એક સેતૂ બની છે. તેણે મને મુખ્ય ધારામાં લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. હવે હું મિલનસાર બન્યો છું. મારો સ્વભાવ શાંત થઈ ગયો છે. લીન આધ્યાત્મિક વ્યક્તિ છે. તેના શાંત સ્વભાવને કારણે મારું જીવન પણ શાંત બન્યું છે. તેણે મારી દિનચર્યા એવી રીતે ગોઠવી આપી છે કે મારું જીવન નિયમિત બન્યું છે. હું રાત્રે વહેલો સુઈ જાઉં છું અને દિવસ દરમિયાન મારું કામ વ્યવસ્થિત રીતે કરું છું.'
થોડા સમય અગાઉ રજૂ થયેલી 'જાટ'માં નકારાત્મક ભૂમિકા ભજવનાર રણદીપે ગયા વર્ષે જ પોતાની ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું દિગ્દર્શન કર્યું હતું. અને તે વધુ ફિલ્મોનું દિગ્દર્શન કરવા માગે છે. રણદીપ કહે છે, 'ભવિષ્યમાં મને વધુ ફિલ્મોનું દિગ્દર્શન કરવું છે. જોકે હાલના તબક્કે હું બે પ્રોજેક્ટ લખી રહ્યો છું. તેમાંથી એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ છે અને બીજી એક્શન મૂવી.'
રણદીપે ભલે દિગ્દર્શન અને લેખન ક્ષેત્રે પોતાનો હાથ અજમાવ્યો છે. આમ છતાં તેનો પહેલો પ્રેમ અભિનય છે. એ કહે છે, 'અભિનય હમેશાંથી મારો પહેલો પ્રેમ રહ્યો છે. પણ હવે જ્યારે હું અભિનય કરતો હોઉં છું ત્યારે મને દિગ્દર્શકની જવાબદારી અને તાકાતની અનુભૂતિ થઈ.
'જાટ'નું શૂટિંગ કરતી વખતે મને એમ પણ લાગ્યું કે મારી પાસે કેટલો બધો ફાજલ સમય છે. 'સાવરકર'નું દિગ્દર્શન કર્યા પછી મેં 'જાટ'માં કેમેરાનો સામનો કર્યો ત્યારે મને આ વાત ખટકવા લાગી. હું મારી વેનિટી વાનમાં બેચેન થઈ જતો. મને એમ લાગતું જાણે હું નવરો પડી ગયો છું.'
આટલું કહીને એ ઉમેરે છે, 'અલબત્ત, મને એ વાતની રાહત પણ હતી કે ફિલ્મના સર્જન સાથે આવતી સમસ્યાઓ અને પડકાર અન્ય કોઈ સંભાળી રહ્યું છે. સાચું પૂછો તો દિગ્દર્શક તરીકે કામ કર્યા પછી કેમેરા પાછળ કામ કરનારાઓ પ્રત્યે મારા માન-સન્માન અનેકગણાં વધી ગયાં છે.'