- 'આલિયા મારા ગુપ્ત ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો કરે તો બધાને ખબર પડી જાય કે તે અકાઉન્ટ મારું છે. સોશિયલ મીડિયા વિશે મને એક દાયકાથી સવાલો કરવામાં આવે છે...'
છેલ્લાં કેટલાક વર્ષથી બોલિવુડ સહિત સઘળા મહાનુભવો માટે સોશિયલ મીડિયા, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર હોવું લગભગ ફરજિયાત બની ગયું છે તોય આશ્ચર્યજનક રીતે કેટલીક સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયાથી દૂર રહે છે. અભિનેતા રણબીર કપૂર આવી સેલિબ્રિટીઓમાંથી એક છે. જોકે મઝાની વાત એ છે કે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ખાનગી અકાઉન્ટ રાખ્યું છે અને તેના માધ્યમથી રણબીર આ સોશિયલ સાઈટ પર નજર રાખે છે.
રણબીરે અગાઉ પણ આ વાત કહી હતી. અને તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ફરીથી તેનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે હું અધિકૃત રીતે ઈન્સ્ટાગ્રામ પર નથી. પરંતુ મારું એક ફિન્સ્ટા (ફેક ઈન્સ્ટાગ્રામ) અકાઉન્ટ છે. તેણે વધુમાં કહ્યું હતું કે દુનિયાના કેટલાય અદ્ભુત લોકો કેટલાંય પ્રેરણાદાયક કાર્યો કરતાં હોય છે. સ્વાભાવિક રીતે જ તમે તેમને ફોલો કરવા ઈચ્છો, પરંતુ એક કલાકાર તરીકે મારી પાસે અભિવ્યક્તિનું ફિલ્મો જેવું સબળ માધ્યમ છે. મારા માટે આ એક જ માધ્યમ પૂરતું છે. તેથી મને અધિકૃત રીતે ઈન્સ્ટાગ્રામ પર આવવાની જરૂર નથી લાગતી.
રણબીરની વાત સાથે જોડાતાં પત્ની આલિયા ભટ્ટે કહ્યું હતું કે રણબીરના આ અકાઉન્ટ પર માત્ર બે રીલ છે. એ બંને રીલમાં રણબીરને તેમની ત્રણ વર્ષની પુત્રી રાહા સાથે રમતો દેખાય છે. એટલે સુધી કે હું પણ મારા પતિના આ ફિન્સ્ટાને ફોલો નથી કરી શકતી.
આલિયાની આ વાતનું કારણ સમજાવતાં રણબીરે કહ્યું હતું કે જો આલિયા મારા આ અકાઉન્ટને ફોલો કરે તો બધાને ખબર પડી જાય કે આ અકાઉન્ટ મારું છે.
અહીં એ વાતની નોંધ લેવી રહી કે રણબીરને સારી રીતે ધ્યાનમાં છે કે સોશિયલ મીડિયા શી રીતે ઓપરેટ થાય છે, તેનો પ્રભાવ શો છે. લોકો તેને વારંવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ સંબંધે પ્રશ્નોપૂછે છે, અને તે હમેશાં તેમને જુદાં જુદાં જવાબ આપે છે. આ બાબતે રણબીરે કહે છે કે જરૂરી નથી કે હું દર વખતે સાચો જવાબ જ આપું, પરંતુ જો હું હમેશાં એકસરખો જવાબ આપું તો તે કંટાળાજનક બની જાય. મને છેલ્લા એક દશકથી આ એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે તેથી અવારનવાર તેનો ઉત્તર બદલવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.
રણબીરની આગામી ફિલ્મ 'રામાયણ'ની સૌ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રણબીર પોતે પણ!


