Get The App

રાણા દગ્ગુબતીને ચીલો ચાતરીને ચાલવાનું જ ગમે

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
રાણા દગ્ગુબતીને ચીલો ચાતરીને ચાલવાનું જ ગમે 1 - image

- 'મેં એવી ઘણી ફિલ્મો કરી છે જેને અન્ય કોઈ અભિનેતા હાથ લગાવવા પણ તૈયાર નહોતા. કલાકાર હોવાની આ જ મજા છે. તમે એક ભવમાં અનેક ભવ જીવી શકો'

૭૦એમએમના પડદે ધૂમ મચાવનાર ફિલ્મ 'બાહુબલિ'નો 'ભલ્લાદેવ' હોય કે ઓટીટીનો ફિકસર 'રાણા નાયડુ' - અભિનેતા રાણા દગ્ગુબતીને પડકારજનક કિરદાર અદા કરવાનું વધુ ફાવે છે. આ કલાકાર અભિનય ઉપરાંત ફિલ્મ સર્જનની નાનામાં નાની વાત પણ બહુ સારી રીતે સમજે છે. હાલના તબક્કે આ અદાકાર 'રાણા નાયડુ'ની બીજી સીઝનના પોતાના અભિનય માટે પ્રશંસા પામી રહ્યો છે.

રાણા દગ્ગુબાટીએ 'લીડર' જેવી ફિલ્મથી ડેબ્યુ કર્યું. તેણે 'બેબી'માં સપોર્ટિંગ એક્ટર તરીકે સરસ કામ કર્યું. તે 'બાહુબલિ'માં વિલન તરીકે પણ એટલો જ જામ્યો. અને 'રાણા નાયડુ'માં એન્ટિ હીરો તરીકે પણ અભિનેતાએ કમાલ કરી બતાવી. તેની પાત્રોની પસંદગી જોતાં એવો પ્રશ્ન થવો સહજ છે કે તે કઈ બાબત ધ્યાનમાં લઈને પોતાના ભાગે આવનારું કામ પસંદ કરતો હશે? આના જવાબમાં અભિનેતા કહે છે કે હું ફિલ્મોદ્યોગમાં આવ્યો ત્યારથી એમ જ વિચારતો આવ્યો છું કે જો મને એવી ફિલ્મ જોવી ગમે જેવી મેં અગાઉ ક્યારેય ન જોઈ હોય, તો મને કિરદાર પણ એવા જ અદા કરવા જોઈએ જે અગાઉ ક્યારેય ન ભજવાયા હોય કે બાગ્યે જ રજૂ થયા હોય. અને આ વિચારને હું આજ સુધી બરાબર વળગી રહ્યો છું. 

હું મારી પહેલી ફિલ્મ 'લીડર'ની જ વાત કરું તો તે વખતે ગીત અને મારામારી સિવાયની ફિલ્મની કલ્પના પણ નહોતી થતી. કોઈ કલાકારે આવી ફિલ્મ નહોતી કરી. પરંતુ મેં કરી, અને તે મેઇનસ્ટ્રીમ મૂવી બની ગઈ. મેં એવી ઘણી ફિલ્મો કરી છે જેને અન્ય કોઈ અભિનેતા હાથ લગાવવા પણ તૈયાર નહોતા. મારા મતે કલાકાર થવાની મઝા જ આ છે. તમે એક ભવમાં અનેક ભવ જીવી શકો.

છેલ્લા કેટલાક સમયથી પડદા પર એન્ટિ-હીરોના પાત્રોને ગ્લેમરાઈઝ કરવા બાબતે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અને રાણા દગ્ગુબાટીની સીરિઝ 'રાણા નાયડુ'માં તેણે પણ એન્ટિ-હીરોનું પાત્ર જ ભજવ્યું છે. પરંતુ રાણા આવી કોઈ વાત નથી માનતો. અભિનેતા કહે છે કે ફિલ્મો એટલે આપણા સમાજનું દર્પણ. આપણા સમાજમાં જે થઈ રહ્યું છે તે જ પડદા પર મનોરંજનનો વઘાર કરીને પીરસવામાં આવે છે. વળી સાચા-ખોટા, સારા-નરસાંની વ્યાખ્યા વ્યક્તિ, વ્યવસાય અને સમયને અનુલક્ષીને નિશ્ચિત કરવામાં આવે છે.

'રાણા નાયડુ' જે અટપટા કામ કરે છે તે તેના પરિવાર માટે કરે છે. અને તેનું કારણ હોય છે તેના નાનપણમાં કુટુંબનો અભાવ. પછીથી તેના માટે એકમાત્ર કુટુંબ જ તેના માટે સર્વસ્વ રહે છે.

એ વાત સર્વવિદિત છે કે 'બાહુબલિ' પછી પેન-ઇન્ડિયા ફિલ્મોનો આરંભ થયો છે. રાણા આ બાબતે બહુ ખુશ છે. તે કહે છે કે હવે મને એમ લાગે છે કે આપણે ભારતીય ઇન્ડસ્ટ્રી તરીકે નામના મેળવી રહ્યા છીએ. આપણે એક જ ફિલ્મોદ્યોગ બનવાથી થોડા જ કદમ દૂર છીએ. થોડા સમય પહેલા સુધી આપણે ત્યાં ભારતીય એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રી જેવું કાંઈ નહોતું. કન્નડ ફિલ્મના ટોચના ફિલ્મ સર્જકોને પણ દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગની બહાર ભાગ્યે જ કોઈ ઓળખતું. જોકે આજે પણ આસામી કે ઉડિયા જેવી ભાષા બોલનારા - સમજનારાઓનો વર્ગ બહુ મોટો છે. પરંતુ તેમનો ફિલ્મોદ્યોગ પ્રમાણમાં ઘણો નાનો છે. તેમને વિસ્તાર - પ્રચાર - પ્રસાર કરવાની પણ તાતી જરૂર છે.

સત્ય વચન.