- 'ઉર્મિલા એક બિન્દાસ એટિટયુડ લઈ આવી. મિલીનું પાત્ર કોઈને ઇમ્પ્રેસ કરવા માગતી નથી. એ પોતે જે છે એવી જ રીતે વર્તે છે. આ સહજ ભાવ દર્શકોને અપીલ કરી ગયો.'
ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા (આરજીવી) વરસોના વનવાસ બાદ ફરી મેદાનમાં આવી ગયા છે. એના બે કારણો છે. એક તો એ કે આરજીવી મનોજ બાજપેયી 'પોલીસ સ્ટેશન મેં ભૂત' નામની હોરર-કોમેડી મૂવી બનાવી રહ્યા છે અને બીજુ, એમની ૩૦ વરસ પહેલાની આઇકનિક ફિલ્મ 'રંગીલા' ૧૦ ઓક્ટોબરે ભારતભરના થિયેટરોમાં રી-રિલિઝ થવાની છે. રંગીલા ફોર કેમાં રી-રિલિઝ થવાની છે. એને કારણે દર્શકો અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી રંગીલાને સ્ક્રીન પર વધુ શાર્પનેસ અને ડિટેલમાં માણી શકશે.
મોટાભાગના ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મની રી-રિલિઝ માટે એની સ્ટાર કાસ્ટ પાસે પ્રમોશન કરાવે છે, પણ રામુ (આરજીવી) નોખી માટીના માનવી છે. એમણે રંગીલાના પ્રમોશનની જવાબદારી જાતે ઉપાડી લઈ મીડિયા સાથે ઇન્ટરએક્શન ગોઠવ્યું. ફિલ્મના ત્રણ મુખ્ય પાત્રો- મિલી (ઉર્મિલા માતોંડકર), મુન્ના (આમિર ખાન) અને રાજ કમલ (જેકી શ્રોફ) આજેય લોકોની સ્મૃતિમાં સંઘરાયેલા છે. મીડિયાના મોટાભાગની પૃચ્છા રંગીલાના કેરેક્ટર્સ અને એના એકટર્સ (એમાંય ખાસ કરીને ઉર્મિલા)ની આસપાસ ઘૂમતી રહી. ત્રણ દશક પહેલા રંગીલા રિલિઝ થઈ ત્યારે રામુજી અને ઉર્મિલા વચ્ચેનો અફેયર એક હોટ ટોપિક હતો. એ યાદ કરીને પત્રકારોએ પહેલા જ સવાલમાં પૂછી નાખ્યું, 'સર, તમે ઉર્મિલા સાથે કેટલીક યાદગાર ફિલ્મો બનાવી છે. શું તમે એને તમારી પ્રેરણા-મૂર્તિ માનો છો?' આરજીવીએ જે રીતે આવા અંગત પ્રશ્નનો લાંબો વિગતવાર જવાબ આપ્યો એ ઘણું બધું કહી જાય છે, 'તમે લાંબા સમયથી સાથે કામ કરતા હો અને ખાસ કરીને કોઈ ફિલ્મ આટલી બધી સફળ થાય ત્યારે તમે મેકર તરીકે એ જ એક્ટરને નેકસ્ટ ફિલ્મમાં રિપિટ કરવા પ્રેરાવ. ઉર્મિલા એક્ટર તરીકે અનેક પ્રકારના એક્સપ્રેશન્સ આપી શકે છે, જે મેં એને હાય રામા ગીતમાં જોયા બાદ જાણ્યું. એ જ કારણસર મેં એને જુદા જુદા જોનરની ફિલ્મોમાં કાસ્ટ કરી. પછી એ હોરર ફિલ્મ ભૂત હોય, ગેંગસ્ટર ફિલ્મ સત્યા હોય કે દૌડ જેવી રમુજી ફિલ્મ હોય. મારી એક તેલુગુ ફિલ્મ દ્રોહીમાં ઉર્મિલાનું એક સોંગ જોઈ રંગીલા બનાવવા પ્રેરાયો હતો. રંગીલાના મૂળમાં ઉર્મિલાની સેન્સ્યુલિટી (કામુકતા) અને એની બ્યુટીને પડદા પર ઉજાગર કરવાની લાલસા હતી. રંગીલા પહેલા એણે ક્યારેય કોઈ ફિલ્મમાં અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો પહેર્યા નહોતા. મેં એને એટલે જ કહ્યું હતું કે તું તારા દેહને સુંદર માનતી હો તો આ વિષયમાં તારે બહુ વિચાર ન કરવો જોઈએ. મિલીના પાત્રમાં ઉર્મિલા એક બિન્દાસ એટીટયુડ લઈ આવી. મિલીને કોઈને ઇમ્પ્રેસ કરવા નથી. એ બસ પોતે જે છે એવી જ રીતે વર્તે છે. આ રીતનો સહજ ભાવ દર્શકોને અપીલ કરી ગયો. પર્સનલી, મારા માટે રંગીલાનું સૌથી યાદગાર પાસુ કેમેરામાંથી ઉર્મિલાને નિહાળવાનું હતું.'
મીડિયાએ બીજો સવાલ કર્યો, 'રંગીલામાં મુન્નાના એ એસી ઇધર ઘુમા, કાંદા કાટકે લા જેવા સંવાદો લોકો આજેય યાદ કરે છે. ફિલ્મમાં બીજા પણ સ્પેશિયલ સીન્સ છે. તમારા મતે ફિલ્મને આવી શાશ્વત અપીલ મળવા પાછળનું કારણ શું છે?' આરજીબી એનો નિખાલસ જવાબ આપે છે, 'એનો મોટો શ્રેય ફિલ્મના રાઈટર્સ નીરજ વોરા અને સંજય છેલને જાય છે. ફિલ્મને એના ચિરસ્મરણીય પાત્રો જ યાદગાર બનાવે છે કારણ કે ભલે ગમે એટલો સમય વીતી જાય માનવીય લાગણીઓ તો એ જ રહેવાની. મુન્ના, મિલી અને કમલ આજેય આપણાં મગજમાં જડાયેલા છે. સમયનું વહેણ એમને ઝાંખા નથી પાડી શક્યું. રંગીલાની સ્ટોરી એના મેકિંગના ૩૦ વરસ પહેલા અને આજે ૩૦ વરસ બાદ પણ બધાને અપીલ કરે છે.'
પછીના પ્રશ્નમાં મેકરને પૂછાય છે કે રંગીલાની સ્ટોરીની ખાસ વાત શું છે? આરજીવી એનો સચોટ ઉત્તર આપે છે, 'તમે કદાચ નોંધ્યું હશે કે ફિલ્મ એક એવી લવસ્ટોરી છે, જેમાં કોઈની વચ્ચે કોઈ કજિયો નથી. કોઈ ખલનાયક નથી. મિલી, મુન્ના અને કમલ ત્રણેય સરસ સજ્જન વ્યક્તિઓ છે. કોઈ ખરાબ માણસ નથી. પરંતુ સંજોગે એમની વચ્ચે ઘર્ષણ ઊભુ કરે છે. મને સૌથી વધુ ગમતી વાત એ છે કે રંગીલા એક એવી દુખદ વાર્તા છે જેમાં તમને મુન્ના માટે લાગી આવે છે, પરંતુ તમે બીજી વ્યક્તિ (કમલ)ને પણ ધિક્કારતા નથી.'
સમાપનમાં પૂછાયેલો સવાલ થોડો ઔપચારિક લાગે એવો છે, 'રામુજી શું કોઈએ એવું ધાર્યું હતું કે રંગીલાને આટલી બધી સકસેસ મળશે?' આરજીવી એકદમ ડ્રામેટિક સ્ટાઈલમાં જવાબ આપે છે, 'એ અરસામાં આમિર અને ઉર્મિલાની ફિલ્મો ચાલતી નહોતી. હું પણ સાઉથમાંથી આવતો હતો એટલે કોઈને આ ફિલ્મ પાસેથી શું અપેક્ષા રાખવી એની ખબર નહોતી. રંગીલાના ગીતો પણ એ વખતના પ્રચલિત સોંગ્સ જેવા નહોતા. મ્યુઝિકનું ફોર્મ જ સાવ નવું હતું. સદ્ભાગ્યે ફિલ્મની રિલિઝ નજીક આવી ત્યારે જ એના સોંગ્સ પોપ્યુલર થઈ ગયા.'


