- 'હું 'શોલે'ની ક્યારેય રીમેક નહીં બનાવું. જો 50 વર્ષ પછી પણ આ ફિલ્મને સંભારવામાં આવતી હોય, તેના વિશે વાતો થતી હોય તો તેને નવેસરથી બનાવવાનો શો અર્થ છે?'
વર્ષ ૧૯૭૫માં રજૂ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'શોલે' આ વર્ષના આરંભમાં ૫૦ની થઈ. આમ છતાં તેની ફેસ વેલ્યુ અકબંધ છે. જે ફિલ્મ ૫૦મી વર્ષગાંઠ ઉજવી લીધી હોય તેના માટે જો એમ કહેવામાં આવે કે આવી મૂવી અત્યાર સુધી ક્યારેય નથી બની તે જ એનો સૌથી મોટો પુરસ્કાર ગણાય. અલબત્ત, ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં 'શોલે' તેની ટાઈમલેસ અપીલ અને સાંસ્કૃતિક પ્રભાવ માટે બેહિસાબ સરાહના પામી. આ સિનેમાના સર્જક રમેશ સિપ્પી કહે છે કે કોઈપણ ફિલ્મ બનાવવા પાછળ તન-મન-ધનથી ભોગ આપવો પડે છે. પણ જ્યારે દર્શકોને આ સિનેમા ગમી જાય, તેઓ તેની પ્રશંસા કરે તો સઘળું કર્યું-કરાવ્યું લેખે લાગે. ફિલ્મ બનાવવા પાછળનો મૂળ હેતૂ તો સરાહના મેળવવાનો જ હોય.
રમેશ સિપ્પી વધુમાં કહે છે કે 'શોલે'નું પ્રત્યેક પાત્ર તત્કાલીન સંસ્કૃતિના પ્રતિક સમાન છે. તે વખતે અને આજે પણ લોકો માને છે કે આ કલ્ટ ફિલ્મે હિન્દી સિનેમાનો ચહેરો જ બદલી નાખ્યો. પણ મેં જ્યારે આ ફિલ્મ બનાવી ત્યારે મને આવી કલ્પના સુધ્ધાં નહોતી. મારા મતે કોઈપણ સર્જક એમ વિચારીને ફિલ્મ બનાવવાનું શરૂ ન કરે કે તેના બધા ગીતો સરસ જ હોવા જોઈએ, તેના એક્શન દ્રશ્યો અભૂતપૂર્વ હોવા જોઈએ કે તેના રોમાંટિક દ્રશ્યો તદ્દન નોખા તરી આવવા જોઈએ. સર્જક તેના હાથમાં તેના પટકથા લેખકો પાસેથી મળેલી કહાણીને મજબૂત પાત્રો-કલાકારોના માધ્યમથી રજૂ કરે છે. મેં પણ તે વખતે એ જ કર્યું. હં્ ખુશનસીબ હતો કે મને આ સિનેમા માટે સલીમ-જાવેદ જેવા શ્રેષ્ઠ પટકથા લેખકો મળ્યાં. અમે ભેગાં થઈને એક શક્તિશાળી સ્ક્રીપ્ટ વિકસાવી શક્યાં. તેના સિવાય યોગ્ય કલાકારોની પસંદગી પણ એટલી જ મહત્વની ગણાય. અમને આ ફિલ્મ માટે આર. ડી. બર્મન જેવા ઉત્તમ સંગીતકાર, આનંદ બક્ષી જેવા શ્રેષ્ઠ ગીતકાર મળ્યાં. કુલ મળીને એમ કહી શકાય કે અમારી આખી ટીમ ઉત્તમોત્તમ હતી. અને પડદા પર તેનું પરિણામ દેખાયું.
જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કાળાતિત ફિલ્મ વિશે તે સમયના ટ્રેડ પંડિતોએ એમ કહ્યું હતું કે તેની પાછળ થયેલો ખર્ચ પણ વસૂલ નહીં થાય. અને તેમની વાતમાં તથ્ય પણ હતું. વાસ્તવમાં ફિલ્મ રજૂ થઈ તેના પ્રારંભિક તબક્કે તેને ધાર્યો પ્રતિસાદ નહોતો સાંપડયો. દિગ્દર્શક રમેશ સિપ્પી કહે છે કે 'શોલે' અત્યંત ખર્ચાળ ફિલ્મ હતી. આજથી ૫૦ વર્ષ પહેલા મોટાભાગની ફિલ્મો ૫૦થી ૬૦ લાખ રૂપિયાના બજેટમાં બની જતી. પરંતુ 'શોલે' બનાવવા પાછળ ત્રણ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. સ્વાભાવિક રીતે જ ટ્રેડ પંડિતોને એમ લાગ્યું હતું કે આટલી મોટી રકમની વસૂલ ક્યારેય ન થઈ શકે. આ સિનેમાને પણ ટીકાઓનો સામનો કરવો પડયો હતો. પરંતુ અમે છેવટે 'જે થશે તે જોયું જશે'ની નીતિ અપનાવી. સમય સ્વયં બોલતો હોય છે, અને બોલ્યો પણ ખરો. અમારી મહેનત અને લગન રંગ લાવી. સામાન્ય રીતે કોઈપણ સિનેમા બનાવતાં ૪૦થી ૫૦ દિવસ લાગે. જ્યારે 'શોલે'નું સર્જન ૩૦૦ દિવસ સુધી ચાલ્યું. ફિલ્મની સમગ્ર ટીમ આટલા લાંબા સમય સુધી તેના સર્જન પાછળ મચી પડી હતી.
દિગ્દર્શક તેના કલાકારો વિશે કહે છે કે હકીકતમાં 'શોલે'ના 'ઠાકુર'નો કિરદાર ધર્મેન્દ્ર અદા કરવા માગતા હતા. અને દિવંગત સંજીવ કુમાર 'ગબ્બર' બનવા ઇચ્છતા હતાં. તેઓ વધુમાં કહે છે કે અમે પાત્રો વચ્ચે પણ સરસ સંતુલન સાધ્યું. જેમ કે હેમા માલીનીએ અદા કરેલો 'બસંતી'નો રોલ તેમ જ ધર્મેન્દ્રએ ભજવેલું 'વીરૂ'નું પાત્ર બહુ બોલકણા હતાં. જ્યારે 'રાધા' તરીકે જયા બચ્ચન અને 'જય' તરીકે અમિતાભ બચ્ચન અત્યંત ઠરેલ અને શાંત હતાં. આ સઘળું સંતુલન પણ રંગ લાવ્યું. અલબત્ત, 'શોલે' જેવી ફિલ્મ બનાવવી ખાવાના ખેલ નથી. આ સમયાતીત સિનેમા બનાવવા પાછળ બે-ચાર ફિલ્મો જેટલો ખર્ચ, સમય, પરિશ્રમ લાગ્યાં હતાં.
રમેશ સિપ્પી માને છે કે 'શોલે' જેવી ફિલ્મ ફરી ક્યારેય ન બનાવી શકાય. તેઓ કહે છે કે હું ક્યારેય 'શોલે'ની રીમેક નહીં કરું. જો ૫૦ વર્ષ પછી પણ આ ફિલ્મને સંભારવામાં આવતી હોય, તેના વિશે વાતો થતી હોય તો તેને નવેસરથી બનાવવાનો શો અર્થ? આ સિનેમા કાલાતીત છે તેથી જ અર્ધશતક પછી પણ તેના વિશે વાતો થાય છે. હા, અન્ય કોઈ નવેસરથી તેનું સર્જન કરવા ઇચ્છતું હોય તો મને તેની સામે વાંધો નથી. પરંતુ હું તેનું પુન:સર્જન નહીં કરું.
દિગ્દર્શક આ બાબતે ફિલ્મ સર્જક રામ ગોપાલ વર્માનું ઉદાહરણ આપતાં કહે છે કે તેમણે બિલકુલ આવી જ ફિલ્મ 'રામ ગોપાલ વર્મા કી આગ' બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સદંતર નિષ્ફળ ગયા હતાં. તેમણે મારી પાસે આવીને તેની રીમેક બનાવવાની ઇચ્છા પ્રગટ કરી હતી તે વખતે જ મેં તેમને નમ્રતાથી આ પ્રયોગ ન કરવાનું સૂચવ્યું હતું. પરંતુ પ્રત્યેક સર્જકને પોતાની ઇચ્છા મુજબ કામ કરવાનો હક છે તેથી છેવટે મેં તેમને કહ્યું હતું કે આ ફિલ્મનું ફરીથી સર્જન કરવું એ માત્ર અને માત્ર તમારો પોતાનો નિર્ણય હશે.


