Get The App

રકુલ પ્રીત સિંહ : પાર્ટીમાં જતાં પહેલાં પેટ ભરીને જમી લેવાનું!

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
રકુલ પ્રીત સિંહ : પાર્ટીમાં જતાં પહેલાં પેટ ભરીને જમી લેવાનું! 1 - image

- 'હા, કોઈક પાર્ટીમાં ખાવાનું પણ રાખું. બીજે દિવસે તેને બેલેન્સ કરી નાખું. કહેવાનો અર્થ એ છે કે ખૂબ ખાધું હોય તેના પછીના દિવસે હું થોડી વધુ એક્સરસાઇઝ કરીને વધારાની કેલરી બાળી નાખું.'

દીવાળી આપણાં હૈયાંમાં દીવા પ્રગટાવતી હોય છે. વત્તાઓછા અંશે એકસમાન છતાં પોતીકી રીતે લોકો નોખી-અનોખી રીતે આ મહાપર્વ ઉજવતાં હોય છે. અભિનેત્રી રકુલ પ્રીત સિંહની ફિલ્મ 'દે દે પ્યાર દે- પાર્ટ ટુ' થોડા દિવસો પછી રિલીઝ થવાની છે તેનો ઉચાટ જરૂર છે, પણ તોય એણે દિવાળીનું પર્વ તો ભારે આનંદપૂર્વક ઊજવ્યું. 

રકુલ કહે છે, 'દિવાળી તો મારો ફેવરિટ ઉત્સવ છે. જે રીતે ભારતમાં ઘરેઘરની મહિલાઓ કરે છે તેમ હું પણ હમેશાં દિવાળીથી પહેલાં ઘરની સાફસફાઈ કરું છું અને ઘરમાં દીવડા પ્રગટાવું છું. હું નાની હતી ત્યારથી ઘરની બહાર નાની નાની રંગોળી બનાવતી આવી છું. ઘરનો ખૂણેખૂણા શણગારવાની અને સાંજે ઘરનું પ્રવેશદ્વાર ખુલ્લું રાખવાની પ્રથા આજે પણ મને એટલી જ પ્રિય છે.'

પોતાના બચપણની દિવાળી સંભારતા કહે છે, 'હું અને મારો ભાઈ અડોશપડોશમાં રહેતાં બાળકો સાથે મળીને ફટાકડાં ફોડતાં. મને અનાર અને રોકેટ સર્વાધિક પ્રિય હતાં.' મીઠાઈ અને અન્ય વાનગીઓ આરોગવાના આ ઉત્સવમાં રકુલને પાર્ટીઓમાં જવાનું નિમંત્રણ મળે ત્યારે તેના મગજમાં દ્વંદ્વ શરૂ થઈ જાય. આ સમય દરમિયાન સ્વાદ પર અંકુશ મૂકવાનું મુશ્કેલ લાગે, સાથે સાથે વજન વધી જવાની કે તબિયત બગડવાની ચિંતા પણ સતાવે. આવામાં કરવું શું? અભિનેત્રી કહે છે, 'આનો તોડ પણ મેં કાઢી લીધો છે. મોટા ભાગે પાર્ટીમાં જતાં પહેલાં જ હું જમી લઉં કે જેથી પેટ ભરેલું હોવાથી પાર્ટીમાં ખાવાની ઇચ્છા ન થાય. હા, કોઈક પાર્ટીમાં ખાવાનું પણ રાખું. જ્યારે કોઈ ઈવેન્ટમાં હું વિવિધ વાનગીઓનો આનંદ લઉં ત્યારે બીજે દિવસે હું તેને બેલેન્સ પણ કરી નાખું. કહેવાનો અર્થ એ છે કે બીજે દિવસે હું થોડો વધુ વ્યાયામ કરીને વધારાની કેલરી બાળી નાખું.

દિવાળીના પોતાના આયોજનો વિશે રકુલ કહે છે, 'સ્વાભાવિક રીતે જ તેની ઉજવણી દર વર્ષે જુદી જુદી હોય. આમ છતાં એક વાત હમેશાંથી ચાલી આવે છે કે આ ઉત્સવ દરમિયાન હું શહેરમાં હોઉં કે બહારગામ, મારા કુટુંબીજનો અને નિકટના મિત્રો મારી સાથે હોય જ. જો તમારા આપ્તજનો તમારી સાથે હોય તો જ આ મહાપર્વ ખાસ બને.'

હવે જોવાનું એ છે કે 'દે દે પ્યાર દે'ની સિક્વલ રકુલના કરીઅરમાં ખાસ બની શકે છે કે કેમ...