For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજેન્દ્ર કુમાર: યાદ ન જાયે બીતે દિનોં કી...

Updated: May 25th, 2023

Article Content Image

- સીમિત અભિનયક્ષમતા હોવા છતાં રાજેન્દ્ર કુમારે જે ફિલ્મોમાં કામ કર્યું તેમાંની મોટા ભાગની સિલ્વર જ્યુબિલી હિટ થઈ. લોકોએ તેમને સિલ્વર જ્યુબિલી સ્ટાર તરીકે ઓળખવાનું શરુ કર્યું. 

કં ગન' ફિલ્મમાં નરગિસ-દિલીપ સાથે એક્સ્ટ્રાના નાનકડા રોલ માટે એક નવા ચહેરાની જરૂર દિગ્દર્શક કેદાર શર્માને પડી. તેમનો એક મદદનીશ એક યુવાનને લઈ આવ્યો. રોલ સાવ નાનકડો હતો એટલે કેદાર શર્માને લાગ્યું કે આનાથી કામ ચાલી જશે પરંતુ સંવાદોની બે લાઈન બોલવા માટે યુવાને જેવું મોઢું ખોલ્યું કે કેદાર શર્માના મગજનો પારો સાતમા આસમાને પહોેંચી ગયો.

'અરે! યે તુમ કિસ કો પકડ લાયે હો? યે તો મેરી તરહ જનાને આવાઝ મેં બોલતા હૈ!'

યુવાનના સદ્ભાગ્યે દિગ્દર્શકને તાત્કાલિક જરૂર હતી તેથી 'જોગન'માંથી એ ફેંકાઈ ન ગયો. પાછળથી આ જ અવાજે તેમના નસીબનું પાંદડું ફેરવી નાખ્યું. જે જે ફિલ્મોમાં આ કલાકાર કામ કરતા ગયા તે ફિલ્મ સિલ્વર જ્યુબિલી ઉજવતી ગઈ. લોકો તેમને રાજેન્દ્રકુમારએ બદલે સિલ્વર જ્યુબિલી સ્ટાર તરીકે ઓળખાતા. આ કલાકારની ખોટ ફિલ્મ ઉદ્યોગમાં ક્યારેય પૂરાશે નહીં.

ફિલ્મ ઉદ્યોગમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજેન્દ્રકુમારે જેટલી સિલ્વર જ્યુબિલી ફિલ્મો આપી છે એટલી  કોઈએ આપી નથી.

રાજેન્દ્રકુમારની લોકપ્રિયતાનું રહસ્ય તેમણે પોતે કરેલો સંઘર્ષ છે. રાજેન્દ્રકુમારને  તેમના પિતા ધારાશાસ્ત્રી બનાવવા માગતા હતા. અને લાહોરની કોમર્સ કોલેજમાં બીજા વર્ષમાં તેઓ ભણતા હતા ત્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા તેથી તેમનું કુટુંબ મુંબઈ આવી ગયું. તે વખતે તેમની પાસે ગીતકાર રાજેન્દ્રકૃષ્ણાના નામે એક કાગળ હતો. એ જમાનામાં આવી ચિઠ્ઠીઓ જ કોઈ જુવાન માટે અભિનયના સર્ટિફિકેટ  સમાન હતી. તે વખતે અભિનયની તાલીમ માટે કોઈ સંસ્થા નહોતી.

લાહોરથી આવ્યા પછી મુંબઈમાં ફિલ્મ લાઈનમાં ઝંપલાવવું બહુ કઠિન હતું. એ વખતે મુંબઈની હોટેલની એક રૂમમાં દિગ્દર્શક લેખ ટંડન સાથે તેઓ રહેતા હતા. મુશ્કેલીઓ ઘણી આવતી પરંતુ તેમના પિતાની હિંમત મોટું નૈતિક બળ બની રહેતી, મુંબઈમાં ખૂબ  મુશ્કેલી પછી રાજેન્દ્રકુમાર નિર્દેશક એસ.એસ.રવૈલના આસિસ્ટન્ટનું કામ મેળવી શક્યા. તે સમયે 'જોગન'ના એક દ્રશ્યમાં તેમને દિલીપકુમારના 'ડબલ' 'ડુપ્લીકેટ' નું કામ આપવામાં આવ્યું હતું. જ્યારે દિલીપસા'બ સેટ પર ન હોય ત્યારે રાજેન્દ્રકુમારને તેમની જગ્યા પર ઊભો રાખી ડાયરેક્ટર રિહર્સલ કરાવી લેતા હતા. જો કે રાજેન્દ્રકુમાર તો અભિનેતા બનવાના સ્વપ્નમાં રાચતા હતા  અને પ્રથમ તક દેવન્દ્ર ગોયલે પોતાની ફિલ્મ 'વચન'માં આપી. તેમની આ પહેલી જ ફિલ્મે રજતજયંતી ઊજવી ત્યાર પછી રાજેન્દ્રકુમારને ચમકાવવાનું  શ્રેય વી.શાંતારામને ફાળે જાય છે. વી.શાંતારામે પોતાની ફિલ્મ 'તૂફાન ઔર દિયા'માં નવો ચહેરો લેવાનું નક્કી કર્યું હતું. અને આમ ચમકવાની અણધારી તક રાજેન્દ્રકુમારને મળી ગઈ. આ ફિલ્મની અભૂતપૂર્વ સફળતાને લીધે રાજેન્દ્રકુમારની કારકિર્દીને અજબ વળાંક મળ્યો. હીરો તરીકે તેઓ ચમકી શક્યા અને ટોપ સ્ટાર બની ગયા. ૧૯૬૦ના દાયકામાં આ એક જ હીરો એવા હતા કે જેની છ-છ ફિલ્મો એ રજતજયંતિ ઊજવી હતી અને કેટલીક ફિલ્મોએ સુવર્ણજયંતિ પણ ઉજવી હતી ત્યાર પછી  આ કલાકારે મહેનત કરવામાં પાછું વાળીને જોયું નહોતું. તે જમાનામાં ફિલ્મ ઉદ્યોગના ઈતિહાસમાં રાજેન્દ્રકુમાર જેટલી સિલ્વર જ્યુબિલીઓની યશકલગીઓ ભાગ્યે જ બીજા કોઈ કલાકારે મેળવી હશે. તેમને માટે '૬૦નો દાયકો સુવર્ણ દાયકો હતો.

તે જમાનામાં રાજેન્દ્રકુમાર સામે આક્ષેપ મુકાતો હતો કે તેઓ દિલીપસા'બની નકલ કરે છે. વાસ્તવમાં તેઓ નકલ નહોતા કરતા પણ દિલીપસા'બ બની જેમ દર્દને સમજીને પાત્રમાં ઓતપ્રોત થઈ જતા હતા. આને કારણે જ તેઓ એક અચ્છા અદાકાર ગણાતા હતા. જોકે ખરો બ્રેક તો તેમને ૧૯૫૭માં મહેબૂબની ફિલ્મ 'મધર ઈન્ડિયા'થી મળ્યો. રાજેન્દ્રકુમાર, નરગિસ અને સુનીલ દત્તને ચમકાવતી આ ફિલ્મે તેમનું કિસ્મત જ બદલી નાખ્યું. ત્યાર પછી 'ગૂંજ ઊઠી શહેનાઈ', 'કાનૂન', 'દિલ એક મંદિર', 'મેરે મહેબૂબ', 'સંગમ', 'આરઝૂ', 'સૂરજ', 'સાથી', 'ગોરા કાલા', 'ગીત', 'આયી મિલન કી બેલા', 'સાજન બિના સુહાગન' અને મનહર રસ કપૂર દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'મહેંદી રંગ લાગ્યો' એ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. ગુજરાતી ફિલ્મ 'મહેંદી રંગ લાગ્યો' માટે તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો. લગભગ ૧૫૯ ફિલ્મોમાં ભૂમિકા કરનાર રાજેન્દ્રકુમારને તેમની કારકિર્દી દરમિયાન 'બલરાજ સહાની એવોર્ડ પણ મળ્યો હતો. આ અદાકારે 'લવ સ્ટોરી' ફિલ્મથી નિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું.

આ વ્યક્તિમાં એક વિશિષ્ટ ખાસિયત એ હતી કે, જે નિર્માતા સાથે તેમણે કામ કર્યું તે બધા સાથે કુટુંબના એક સભ્ય તરીકેનોે ગાઢ સંબંધ બંધાયો હતો. આ સરળ સ્વભાવના કલાકારે પોતાનામાં આડંબર કે અભિમાનને સ્થાન આપ્યું નહોતું. જેવું માનતા તેવું સ્પષ્ટ કહી દેવામાં પણ તેઓ પાછળ રહેતા નહીં. તેઓ ખુલ્લા દિલના આદમી હતા, આ ઉપરાંત  તેમનામાં એક ગુણ હતો. તે નવા કલાકારોને હરહંમેશ પ્રોત્સાહન અને સહયોગ આપવા તત્પર રહેતા. 'ધ ટ્રેન'માં રાજેશ ખન્નાને, 'જવાની દીવાની'માં રણધીર કપૂરને તેમણે જ સાથ-સહકાર આપ્યો હતો. તેમણે 'અંદાજ'  સિરિયલમાં પણ કામ કર્યુ ંહતું. અગાઉના જમાનાની ફિલ્મી હસ્તીઓ મોટો ભાગે ગ્રેજ્યુએટ કે ડબલ ગ્રેજ્યુએટ જેટલોે અભ્યાસ કરતી હતી.  રાજેન્દ્રકુમાર પોતાના પિતાની ઈચ્છા પ્રમાણે ધારાશાસ્ત્રી તો ન બન્યા પરંતુ તેમને ભાષાઓનું ઊંડું જ્ઞાાન હતું. ભાષા પર ગજબનું પ્રભુત્વ હતું. અંગ્રેજી, પંજાબી, ઊર્દુ, હિન્દી પર તો પ્રભુત્વ ખરું જ, પરંતુ ગુજરાતી ભાષાનું જ્ઞાાન પણ હતું.

અનેક ફિલ્મોની રજતજયંતિ ઊજવીને લોકોની ચાહના મેળવનાર રાજેન્દ્રકુમારે નાના પડદે કેટલીક સિરિયલ કરી હતી. જેમાં 'વંશ', 'મેરે અપને' અને 'પૈસા'માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

રાજેન્દ્રકુમાર એક અનોખી માટીના માનવી હતા. તેમણે પોતાના સારા દિવસોમાં બધાને યાદ કર્યા હતા. નિર્માતા એચ.એસ.રવૈલના સહયોગથી પોતે ફિલ્મ ઉદ્યોગમાં પદાર્પણ કર્યું તે વાતને એણએ ક્યારેય વીસરવા દીધી નહોતી. શરૂઆતમાં તેમણે એક મહેરબાની કરી તેના ફળસ્વરૂપે 'મેરે મહેબૂબ' માં કામ કરીને તે બદલો ચૂકવી આપ્યો. એચ.એસ.રવૈલ જ નહીં. પરંતુ જે ઓમપ્રકાશ, મોહનકુમાર, ઓ.પી.રાલ્હન, મહેશ કૌલ અને શ્યામ બહલ જેવા કેટલાય નિર્માતાઓને આગળ લાવવામાં રાજેન્દ્રકુમારે મદદ કરી હતી. આવા ઈન્સાનની આપણને સદાય ખોટ સાલશે.  

Gujarat