- દિલીપ કુમારે પત્ની સાયરા બાનુ સાથે ઘણાં વરસો પહેલા પેશાવરની પોતાના બાપદાદાની ધરોહરની મુલાકાત લીધી હતી. અખબારોમાં એમની એ મુલાકાત બહુ ચમકી હતી...
હિન્દી સિનેમાની જુની પેઢીને એક યા બીજી રીતે પાકિસ્તાન સાથે સંબંધ રહ્યો છે. બોલિવુડના ઘણાં એકટર્સ, પ્રોડયુસર્સ, ડિરેકટર્સ અને રાઇટર્સ ભાગલા વખતે પાકિસ્તાનથી હિજરત કરીને ભારત આવ્યા હતા. બી.આર. ચોપરા, દેવાનંદ અને એમના ભાઈઓ, પ્રાણ, સુનીલ દત્ત, મનોજ કુમાર, રાજેન્દ્ર કુમાર, દિલીપ કુમાર અને રાજ કપૂર... ઘણાં નામ છે, પરંતુ નવાઈની વાત એ છે કે રાજ કપૂર અને દિલીપ કુમારના વડવાઓના પેશાવરમાં આવેલા મકાન જ સૌથી વધુ ન્યુસમાં રહેતા આવ્યા છે.લેટેસ્ટ ન્યુસ એવા છે કે બંને લેજન્ડરી એકટર્સના પાકિસ્તાનના નોર્થવેસ્ટ ખૈબર પખતુનવાલા પ્રાંતના પાટનગર પેશાવરમાં બાપદાદાના મકાન સાવ જીર્ણશીર્ણ અવસ્થામાં છે અને ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે છે. હેરિટેજ નિષ્ણાતો અને સ્થાનિક નાગરિકોના જણાવવા મુજબ કોઈ પણ પ્રકારના મેઈનટેનન્સ અને રિપેરીંગ વિના વરસાદથી ખંડેર જેવી બની ગયેલી બંને ઈમારતો તાજેતરમાં પાકિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે સાવ નબળી પડી ગઈ છે.
અત્રે નોંધવુ ઘટે કે ૨૦૧૬માં પાકિસ્તાનની સરકારે બંને ઈમારતોને નેશનલ હેરિટેજ (રાષ્ટ્રની ધરોહર) ઘોષિત કરી હતી. સરકારે એટલાથી સંતોષ માની લીધો છે પણ એમના સંરક્ષણ માટે કોઈ પગલાં નથી લીધા. ચોમાસુ બેસવાને હવે ગણતરીના અઠવાડિયા જ બાકી છે ત્યારે હેરિટેજ પ્રેમીઓ અને નિષ્ણાતોએ ટ્રેજેડી કિંગ અને શોમેનના બાપદાદાના ઉપેક્ષિત મકાનો બાબતમાં સરકારનું ધ્યાન દોરી ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે તુરત પગલાં લેવાની માગણી કરી છે.
પેશાવર ક્વિસા ખ્વાની બાઝાર વિસ્તારના ઢાકી નાલબંદીમાં ઊભેલી એક સદીથી વધુ જુની કપૂર હવેલી એક સમયે સ્થાપત્યનો બેનમુન નમુનો ગણાતી હતી. એકધારા ભારે વરસાદને કારણે હવેલીના સ્ટ્રક્ચરને પહેલેથી ઘણું નુકસાન થયું હતું. એમાં ત્રીજી એપ્રિલના ભૂકંપ એના પાયા હચમચાવી નાખ્યા છે. જ્યારે દિલીપ કુમારના વડવાઓનું મકાન મોહલ્લા ખુદાદાદ એરિયામાં આવેલું છે. એક જમાનામાં એક્ટરના પરિવારથી ધમધમતી આ ઈમારત આજે સાવ ખંડેર જેવી અવસ્થામાં છે. બિલ્ડિંગના ઘણાં ઓરડાની સીલિંગ પડી ગઈ છે અને દર ચોમાસે એની એક પછી એક દિવાલ ધરાશાયી થઈ રહી છે.
દિલીપ કુમારે પત્ની સાયરા બાનુ સાથે ઘણાં વરસો પહેલા પેશાવરની પોતાના બાપદાદાની ધરોહરની મુલાકાત લીધી હતી. અખબારોમાં એમની એ મુલાકાત બહુ ચમકી હતી, પરંતુ એક્ટરે બિલ્ડિંગની જાળવણી માટે કાંઈ વિચાર્યું કે કર્યું હોવાનો એમાં ક્યાંય ઉલ્લેખ નહોતો. એવું જ વલણ બોલિવુડના ફર્સ્ટ ફેમિલી કપૂર પરિવારનું પણ રહ્યું છે. એમણે કપૂર હવેલી જાળવવામાં કોઈ રસ નથી દાખવ્યો. આ જાજરમાન હવેલી પૃથ્વીરાજ કપૂરના પિતા દીવાન બશેશ્વરનાથ કપૂરે ૧૯૧૮ અને ૧૯૨૨ વચ્ચે બનાવી હતી. રાજ કપૂર અને એમના કાકા ત્રિલોક કપૂરનો જન્મ આ જ મકાનમાં થયો હતો.


