રાહુલ બોઝ: 32 વરસની કરીઅરમાં કદી આઇડિયોલોજી નડી નથી
ગોવિંદ નિહલાનીથી લઈ અનુભવ સિંહા સુધીના ફિલ્મમેકર્સ પર તેઓ વામપંથી વિચારધારા (લેફટિસ્ટ આઇડિયોલોજી)ના સમર્થક હોવાની શંકા સેવાતી આવી છે. તેઓ રાજકીય પૂર્વગ્રહથી પીડાતા હોવાના ખાસ કરીને મિડીયામાં આક્ષેપો થાય છે. આવી માન્યતા સાવ અકારણ પણ નથી. એની પાછલનું કારણ ડિરેક્ટર્સની પોતાની ફિલ્મો માટે વિષયોની પસંદગી છે. એમની ફિલ્મોમાં અવારનવાર સમાજના વંચિત વર્ગનું રાજકારણીઓ અને સ્થાપિત હિતો દ્વારા થતું શોષણ દર્શાવાય છે. જોકે, સિલેક્ટેડ અને મીનિંગફુલ મૂવીઝ કરવા માટે જાણીતા વર્સેટાઇલ એક્ટર રાહુલ બોસ બોલીવૂડમાં અમુક ખાસ પોલિટિકલ આઇડિયોલોજી (રાજકીય વિચારધારા) પ્રત્યે વળગણ પ્રવર્તતું હોવાનું માનતા નથી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાબેરી વિચારધારા પ્રત્યે અમુક લોકો પક્ષપાત રાખે છે, એવી માન્યતાને એક્ટરે સદંતર નકારી કાઢી છે.
હમણાં ન્યૂસ એજન્સી એએનઆઇને આપેલા એક ઇન્ટરવ્યુમાં બોસબાબુએ પોતાના ત્રણ દશકથી વધુ લાંબા એક્ટિંગ કરીઅર વિશે ખુલા દિલથી વાતો કરી છે, પોતાના અંગત અનુભવો શેયર કર્યા છે. ફિલ્મોની પટકથામાં વામપંથી વિચારધારા વણી લેવા બદલ બોલીવૂડના મેકર્સની મિડીયામાં થતી આલોચનાનો ઉલ્લેખ થતા એક્ટર એના પ્રતિસાદમાં મક્કમપણે કહે છે, 'આવા રિપોર્ટ્સ નર્યું જુઠાણું હોય છે. મારું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આર્ટ-સેન્ટ્રિક રહી છે. હિન્દી સિનેમામાં કલાને જ પ્રાધાન્ય અપાય છે. મારા ૩૨ વરસના કરીઅરમાં કોઈએ કદી મારી સાથે લેફટવિંગ આઇડિયોલોજી પણ અથવા તો બીજી કોઈ વિશે વાત કરી નથી. નેવર. હું તમને ખાતરીપૂર્વક આવું કહી શકું છું. અહીં બધા પોતાના કામથી મતલબ રાખે છે. આઇડિયોલોજીનો ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઇસ્યુ જ નથી. પોતાની વાત કરું તો મને કાસ્ટિંગ વખતે અથવા તો સ્ક્રિપ્ટના નરેશન દરમિયાન આજ સુધી કોઈએ મારી આઇડિયોલોજી વિશે પૂછ્યું નથી.'
રાહુલ બોસની બહોળી ફિલ્મોગ્રાફીમાં કમલ હાસન સાથેૈની ફિલ્મ 'વિશ્વરૂપ', દેશપ્રેમ પર આધારિત મૂવી 'શૌર્ય' અને કરીના કપૂર સાથેની ઓફ્ફ બિટ ફિલ્મ 'ચમેલી'નો સમાવેશ છે. તેઓ બંગાળી સિનેમાં પણ એક ઉત્તમ કલાકાર તરીકે જાણીતા છે. એમની 'અનુરાનન' અને 'અંતહિન' જેવી બંગાળી મૂવીઝને દર્શકો અને સમીક્ષકો બન્નેએ વખાણી છે.
અનિલ કપૂર અને પ્રિયંકા ચોપરા સાથે ઝોયા અખતરની ફિલ્મ 'દિલ ધડકને દો' કરનાર વર્સેટાઇલ એક્ટર એક પ્રશ્નના જવાબમાં કહે છે, 'બોલીવૂડમાં આર્ટિસ્ટને બે જ ચોઇસ અપાય છે. તમે અમારી ફિલ્મ કરો અથવા ના કરો. ફિલ્મમેકિંગના નિર્ણયોમાં રાજકીય વિચારધારા ભાગ ભજવે છે એવી જે ચર્ચા હાલ ચાલી રહી છે એ મારા માટે એક સરપ્રાઇઝ છે. મારી આખી ફિલ્મની કરીઅરમાં મે કદી આવી પરિસ્થિતિનો સામનો નથી કર્યો. મેં તો પરેશ રાવળ, નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી જેવા વેટરન એક્ટર્સ સાથે કામ કર્યું છે. બાવીસ વરસના છોકરડાઓ સાથે પણ ફિલ્મ કરી છે. મને તો કદી આવું લાગ્યું નથી. મારી આઇડિયોલોજી જાણવાની ચેષ્ટા હજુ સુધી કોઈએ કરી નથી.'
મેથડ એક્ટિંગ માટે જાણીતા એક્ટર સંવાદના સમાપનમાં વાતનો સાર રજૂ કરતા કહે છે, 'ફિલ્મ મેકર્સ મૂવીની સ્ક્રિપ્ટમાં પોલિટિકલ આઇડિયોલોજીને હાઇલાઇટ કરવાને બદલે ફિલ્મના દરેક સીનને કઈ રીતે ઇફેક્ટિવ બનાવાય એના પર ફોકસ કરતા હોય છે.'