For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઝુબૈદામાં શુદ્ધ શાસ્ત્રીય રાગ આધારિત સંગીત પીરસીને રહેમાને કમાલ કરી

Updated: Mar 16th, 2023

ઝુબૈદામાં શુદ્ધ શાસ્ત્રીય રાગ આધારિત સંગીત પીરસીને રહેમાને કમાલ કરી


-  લતાજી સક્રિય હતાં છતાં લતા ઉપરાંત રહેમાને કદાચ (યસ, કદાચ) પાત્રાનુરૂપ ગીત બને એ માટે કવિતા કૃષ્ણમૂત, અલકા યાજ્ઞિાક અને રીચા શર્માના કંઠનો પણ ઉપયોગ કર્યો છે.

શ્યા મ બેનેગલ પેરેલલ સિનેમાના પ્રણેતાઓમાંના એેક. 'મમ્મો' અને 'સરદારી બેગમ' પછી ટ્રાયોલોજીની પરાકાા રૂપે એમણે 'ઝુબૈદા' ફિલ્મ બનાવી. આ ફિલ્મની કથા ઘણે અંશે સત્યકથાની નિકટ હતી. અંગ્રેજીભાષી પત્રકાર અને 'ફિલ્મફેર' મેગેઝિનનો સૂરજ જ્યારે પ્રખર તપતો હતો એ સમયગાળા દરમિયાન તેના તેઓ તંત્રી. ખાલિદ મુહમ્મદની માતાનું નામ ઝુબૈદા બેગમ. એક સમયે એ અભિનેત્રી હતાં. ખાલિદનો ઉછેર એની નાનીમાએ કરેલો. બાળપણથી ખાલિદને પોતાની માતા વિશે એક પ્રકારની ખાસ ઉત્સુકતા હતી. એ લાગણી સ્વાભાવિક હતી. એ પોતાની માતાની તલાશમાં હતો.  પહેલાં લગ્ન નિષ્ફળ નીવડયાં બાદ ઝુબૈદાએ બીજાં લગ્ન કરેલાં.  

બીજા પતિ રાજપરિવારના હતા અને પહેલેથી પરણેલા તેમજ બે બાળકના પિતા હતા. રાજકાજના કામે દિલ્હી જવા નીકળ્યા અને એમના વિમાનને અકસ્માત નડતાં પતિ-પત્ની બંને માર્યાં ગયાં. આમ, ખાલિદને માતા તો ન મળી, પરંતુ એની એક ફિલ્મની પ્રિન્ટ મળી ખરી. અહીં ફિલ્મનો ધી એન્ડ  આવે છે. 'ઝુબૈદા'ની સ્ક્રીપ્ટ ખાલિદે લખેલી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે બહુ મોટી ધાડ મારી નહોતી, પણ ખાલિદ અને શ્યામ બેનેગલને સારી ફિલ્મ બનાવ્યાનો સંતોષ હતો.

ફિલ્મમાં જોરદાર સ્ટારકાસ્ટ હતી. રેખા, કરિશ્મા કપૂર, મનોજ બાજપેયી, અમરીશ પુરી, શક્તિ કપૂર, સુરેખા સિક્રી, ફરીદા જલાલ, રજત કપૂર અને અન્યો. બોક્સ ઓફિસ પર ભલે ફિલ્મે ટંકશાળ ન સર્જી, પણ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.  ઝુબૈદાનો રોલ કરનારી કરિશ્મા કપૂરને શ્રે અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.

'ઝુબૈદા'નાં ગીતો જાવેદ અખ્તરનાં અને સંગીત એ. આર. રહેમાનનું હતું. ગીતો કથાને ઉપકારક બને એ રીતે જાવેદે લખ્યાં હતાં, તો રહેમાને પણ દરેક ગીતને યોગ્ય રીતે સ્વરાવલિથી સજાવ્યાં હતાં. લગભગ બધાં ગીતો શુદ્ધ શાીય રાગ આધારિત હતાં. અહીં દરેક ગીતની ઝલક મેળવીએ. લતાજી સક્રિય હતાં છતાં લતા ઉપરાંત રહેમાને કદાચ (યસ, કદાચ) પાત્રાનુરૂપ ગીત બને એ માટે કવિતા કૃષ્ણમૂત, અલકા યાજ્ઞિાક અને રીચા શર્માના કંઠનો પણ ઉપયોગ કર્યો છે.

ફિલ્મના ટાઇટલ્સમાં એક ગીત બેકગ્રાઉન્ડમાં સંભળાય છે. લતાજીએ ગાયેલા આ ગીતનું મુખડું હતું, 'સો ગયે હૈં, ખો ગયે હૈં, દિલ કે  અફસાને, કોઇ તો આતા ફિર સે કભી, ઇન કો જગાને...' ઉપશાીય સંગીતના જાણીતા રાગ કાફીથી ગીત ઉપડે છે અને પાછળથી ભૈરવીમાં ફેરવાઇ જાય છે. આ ગીત દ્વારા કથાની આછેરી ઝલક મળે છે.    

કવિતા કૃષ્ણમૂર્તિના ગીતથી ઉપાડ કરીએ તો 'ધીમે ધીમે ગાઉં, ધીરે ધીરે ગાઉં, હૌલે હૌલે ગાઉં...'ગીત ખમાજ રાગમાં અત્યંત સૌમ્ય લયમાં જમાવટ કરે છે. 

માતા બાળકને સુવડાવતી હોય એ રીતે ઉપડતું ગીત 'દૂર કહી એક આમ કી બગિયા, બગિયા મેં હૈં ઠંડી છાંવ, છાંવ મેં ઇક કચ્ચા રસ્તા, રસ્તે મેં હૈં પ્યાર સા ગાંવ....' રાગ પહાડીમાં છે. આ ગીતમાં પણ કહેરવો અત્યંત સૌમ્ય લયમાં વહે જાય છે. ગીતમાં ટચૂકડી કથા વર્ણવાતી હોય એવો ભાવ છે.

'મહકી મહકી હૈં રાહેં, બહકી બહકી હૈં નિગાહેં, હૈં ના...' એવા પ્રશ્નાર્થ સાથે ઉપડતા ગીતને અલકા યાજ્ઞિાક અને ઉદિત નારાયણે ગાયું છે. અહીં ઉપશાીય સંગીતમાં વધુ વપરાતા  રાગ કાફીથી ઉપડીને પછી ગીત ભૈરવીમાં પરિવતત થાય છે. અહીં ખટકદાર કહેરવો ગીતના શબ્દોને લાડ લડાવે છે.

આર. ડી. બર્મનના સંગીતની અસર હેઠળ રચી હોય એવી એક સૂરાવલિ 'મૈં અલબેલી, ઘુમું અકેલી, કોઇ પહેલી હું મૈં...'ગીતમાં છે. આ ગીતને સુખવિન્દર અને કવિતાનો કંઠ સાંપડયો છે. આ ગીત ઉસ્તાદ અમીર ખાનને પ્રિય એવા રાગ બસંત મુખારીમાં છે. સાંભળનારને ડોલાવે એવાં તર્જલય છે.

'સૈયાં છોડોમોરી બૈયાં, સૈયાં છોડો ન મોરી બૈયાં...' રીસામણાં-મનામણાં ટાઇપના આ ગીતમાં રહેમાને મધુવંતી અને પટદીપ  બે રાગ અજમાવ્યા છે. કહરેવા તાલમાં વજન અલગ રીતે સર્જીને લયને વધુ આકર્ષક બનાવ્યો છે.

છેલ્લું ગીત 'મેંહંદી હૈં રચનેવાલી, હાથોં મેં ગહરી લાલી, કહે સખિયાં અબ કલિયાં, હાથોં મેં ખિલનેવાલી હૈ...' શબ્દો પરથી સમજાય છે એમ આ એક લગ્નગીત છે. અલકા યાજ્ઞિાકના કંઠમાં રજૂ થતા આ ગીતમાં રહેમાને પ્રણયરંગી રાગ મારુબિહાગ અને પછીથી ખમાજ એમ બે રાગોનું સરસ સંયોજન કર્યું છે. આ ગીતનો કહેરવો પણ લચકદાર અને સાંભળનારને પગથી ઠેકો આપવા પ્રેરે એવો છે.   

મેલોડીના ચાહક સંગીત રસિકોને આ ફિલ્મનું સંગીત ગમી જાય એવું બન્યું હતું. ટીકા કરનારા એમ કહી શકે કે આ ફિલ્મનું સંગીત ક્લાસ માટે હતું, માસ માટે નહોતું. એ વાત ઘણે અંશે સાચી છે. અલબત્ત, 'મૈં અલબેલી...' અને 'મેહંદી હૈ રચનેવાલી...' ગીતો આજે પણ પોપ્યુલર છે. 

Gujarat