- 'મેં આર્યનને કહ્યું, આ સિરીઝમાં મારા માટે કાંઈ જ નથી. આર્યને મને ધરપત આપતા કહેલું, મને તારામાં સંપૂર્ણ ભરોસો છે. આ પાત્ર તારા માટે બહુ મહત્ત્વનું બની રહેવાનું છે. એની હું તને ગેરંટી આપું છું...'
- એક સારો દમદાર રોલ કે એકાદ હિટ પ્રોજેક્ટ એક્ટરનું ભાગ્ય પલટી નાખે છે. રાતોરાત બોલિવુડમાં એની ડિમાંડ નીકળે છે અને ઇન્ડસ્ટ્રીમાં એનો રુતબો બદલાઈ જાય છે. રિયાલિટી ડાન્સ શોના કોન્ટેસ્ટંટમાંથી શો-હોસ્ટ અને શો-હોસ્ટમાંથી એક્ટર બનેલા રાઘવ જુયાલનો દાખલો તાજો છે. આર્યનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ વેબ સીરીઝ 'બેડ્સ ઓફ બોલિવુડ' બાદ રાઘવની કરીઅર વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનની ગતિથી દોડવા લાગી છે. એને મેકર્સ લીડ રોલમાં સાઇન કરી રહ્યા છે અને બિગ બજેટ ફિલ્મોના કાસ્ટિંગમાં એનું નામ ચર્ચાતું થઈ ગયું છે. 'બેડ્સ ઓફ બોલિવુડ'ના પ્રોડયુસર શાહરુખ ખાને પણ જુયાલને પોતાના એક બિગ પ્રોજેક્ટમાં સ્ટ્રોંગ રોલ આપ્યો છે. ટૂંકમાં પોતાની યુનિક ડાન્સિંગ સ્ટાઈલ અને ચાર્મ માટે જાણીતા રાઘવે આર્યનના શોમાં હીરો આસમાન સિંહ (લક્ષ્ય લાલવાની)ના જિગરી દોસ્ત પરવેઝના રોલથી બધાને ઇમ્પ્રેસ કર્યા છે, આંજી દીધા છે.
પરવેઝની ભૂમિકા સ્વીકારતા રાઘવે શરૂમાં ખચકાટ અનુભવ્યો હતો. પોતાના એ અવઢવ શેર કરતા યંગ એક્ટર મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં કહે છે, 'મેં પહેલીવાર 'બેડ્સ ઓફ બોલિવુડ'ની સ્ક્રીપ્ટ વાંચી ત્યારે મને એમાં બહુ વિશ્વાસ નહોતો બેઠો. મને એ વાંચીને થયું કે સ્ટોરીમાં મારા પાત્રનું ખાસ કશું મહત્ત્વ નથી. સ્ક્રીપ્ટમાં બીજા બધાના ફેમિલી બેકગ્રાઉન્ડ્સ પર ફોકસ હતું જ્યારે મારા કેરેક્ટરના ભાગે માત્ર વચ્ચે વચ્ચે જોક્સ મારવાનું જ આવે છે. એટલે મેં આર્યનને કહ્યું, આય ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. આ સિરીઝમાં મારા માટે કાંઈ જ નથી. આર્યને મને ધરપત આપતા કહેલું, મને તારામાં સંપૂર્ણ ભરોસો છે. આ પાત્ર તારા માટે બહુ મહત્ત્વનું બની રહેવાનું છે. એની હું તને ગેરંટી આપું છું. મેં એના શબ્દમાં વિશ્વાસ મૂક્યો અને રોલ કરવાનું નક્કી કર્યું. મારે આર્યનના ડેબ્યુના સાક્ષી બનવું હતું. આમેય મને ખાન પરિવાર પ્રત્યે વિશેષ લાગણી છે. અને વેબ સીરીઝ સ્ટ્રીમ થયા બાદ ધમાલ બોલી ગઈ. એમાં આર્યને કહ્યું એવું જ પાત્ર બની રહ્યું.'
રાઘવે પોતાની સકસેસ સ્ટોરી આગળ વધારતા કહ્યું, 'શો માટે મેં ખૂબ મહેનત કરી હતી અને લોકોએ મારી મહેનતને બિરદાવી. આ સીરિઝ મારફત મને લોકોનો મને ખૂબ પ્રેમ મળ્યો. એમણે મારી ટેલેન્ટ ઓળખી એ બદલ હું મારી જાતને લકી ગણું છું. પબ્લિક જ નહિ, ડિરેક્ટરો અને પ્રોડયુસરો પણ શો જોવાનો આનંદ લઈ રહ્યા છે. બધા મને લીડ રોલમાં સાઇન કરી રહ્યા છે. આ શોને કારણે જ શાહરુખસરે મને એમના નેકસ્ટ પ્રોજેક્ટમાં બહુ અગત્યનો રોલ આપ્યો છે. મેરી તો નિકલ પડી, ભૈયા.'
કિંગ ખાનની દરિયાદિલી અને એમની વિનમ્રતાનો એક પ્રસંગ શેર કરતા રાઘવ સમાપનમાં કહે છે, 'શાહરુખ ખાન કરતા મોટો સ્ટાર કોણ હોઈ શકે? કોઈ નહિ. મને યાદ છે કે મેં એમની સાથે કેમેરા સામે એક સીન કર્યો. બધાએ મને તાળીઓથી વધાવી લીધો. ત્યારે શાહરુખ સર તરત મારી પાસે આવ્યા અને મને ગળે લગાડયો. મારું કપાળ ચુમ્યું અને મને કહ્યું, બેટા તે ખરેખર સીન સરસ રીતે ભજવ્યો. આ એક સાચા સુપરસ્ટારની ખૂબી છે, ગુણ છે. આટલા મોટા એક્ટર પણ જરાય અસુરક્ષાની લાગણી નહીં અને બીજાને બિરદાવવા જેટલી દરિયાદિલી! હું બહુ નસીબદાર છું કે મને ઇન્ડસ્ટ્રીમાં આવી અદભુત વ્યક્તિઓ મળી છે, જેમણે મને સમજ્યો છે અને મારી ટેલેન્ટને ઓળખી છે.'


