Get The App

રાધિકા મદનઃ જેન્ડર સમાનતાના આગ્રહમાં વેરભાવના નહિ, સંતુલનની હિમાયતી

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
રાધિકા મદનઃ જેન્ડર સમાનતાના આગ્રહમાં વેરભાવના નહિ, સંતુલનની હિમાયતી 1 - image

- રાધિકા પોતાને કલા સાથે પ્રમાણિક રહીને પ્રતિભા સાબિત કરવાની તીવ્ર ઈચ્છાથી પ્રેરાયેલી વ્યક્તિ તરીકે ઓળખાવે છે. તેના માટે અભિનય માત્ર દ્રશ્યોમાં પરફોર્મ કરવા પૂરતુ મર્યાદિત નથી પણ પાત્રના ભાવનાત્મક સત્યની શોધમાં રહેલું છે. 

ઉત્સાહિત, સહજતા અને નિખાલસ રાધિકા મદન કાયમ તેની પેઢીની સૌથી તાજગીભરી કલાકાર તરીકે ઊભરી આવી છે. સ્ક્રીન પર ભાવનાત્મક સ્તરના પાત્ર ભજવતી હોય કે પછી પડદાની બહાર પોતાના બેબાક વિચારો રજૂ કરતી હોય, રાધિકાની પ્રમાણિકતા તેને તાત્કાલિક દર્શકો સાથે જોડી દે છે. તેની ફરતે કોઈ સ્ટારને છાજે તેવી આભા ઊભી કરવામાં નથી આવી, પણ તેના સ્થાને તેની આસપાસ ઉષ્મા, રમૂજ, સંવેદનશીલતા અને એક કલાકાર તરીકે વિકસવાની જોરદાર તલપ વર્તાય છે.

છેલ્લા થોડા વર્ષો દરમ્યાન રાધિકાએ એવી કારકિર્દી ઘડી છે જેના મૂળ માત્ર ગ્લેમરમાં નહિ પણ નિષ્ઠામાં જડાયેલા છે. ટેલીવીઝનથી લઈને ફિલ્મો અને ઓટીટી સુધી રાધિકાએ સતત ભાવનાત્મક ઊંડાણ અને વ્યક્તિત્વ ધરાવતા હોય તેવા પાત્રો ભજવ્યા છે. તેના પરફોર્મન્સ જીવંત લાગે છે કારણ કે તે પ્રત્યેક પાત્રમાં પૂર્ણપણે ઓતપ્રોત થઈ જાય છે. આ પ્રતિબદ્ધતા 'સુબેદાર'માં તેના શ્યામા તરીકેના રોલમાં પણ દેખાઈ  આવે છે.

રાધિકાના મતે આ પાત્ર તેની અંગત ઊર્જા સાથે ગાઢ રીતે મેળ ખાય છે. રાધિકા પોતાને કલા સાથે પ્રમાણિક રહીને પ્રતિભા સાબિત કરવાની તીવ્ર ઈચ્છાથી પ્રેરાયેલી વ્યક્તિ તરીકે ઓળખાવે છે. તેના માટે અભિનય માત્ર દ્રશ્યોમાં પરફોર્મ કરવા પૂરતુ મર્યાદિત નથી પણ પાત્રના ભાવનાત્મક સત્યની શોધમાં રહેલું છે. રાધિકાના શબ્દોમાં કહીએ તો તે પોતાના પ્રત્યેક પાત્રમાં લોહી, પસીનો અને આંસુઓ રેડી દે છે. રાધિકાની આ અવિરત સમર્પિતતામાં શ્યામાની હેતુ અને પ્રતિબદ્ધતાની લાગણી પ્રતિબિંબિત થાય છે જેના કારણે આ રોલ તેના માટે અંગત રીતે મહત્વનો બન્યો હતો.

રાધિકાને આકર્ષક બનાવનારી બાબત છે પોતાના કમ્ફર્ટ ઝોનમાં સ્થાયી થવાનો તેનો ઈન્કાર. તેનામાં એક સતત જિજ્ઞાસા જાગતી રહે છે, સતત વિકસવાની અને પોતાને પડકારતા રહેવાની તેની તત્પરતા દેખાય છે. માન્યતા અને પ્રસિદ્ધિ મળ્યા પછી પણ તે પોતાના કાર્ય પ્રત્યે કોઈને પોતાને સાબિત કરવા  હોય તેવો અભિગમ અપનાવે છે. નમ્રતા અને મહત્વાકાંક્ષાનું આ મિશ્રણ તેના પરફોર્મન્સમાં  નવી ઊર્જા ભરી દે છે.

'સુબેદાર'માં અનિલ કપુર સાથે કામ કરવાના પોતાના અનુભવને યાદ કરતા રાધિકા આ દિગ્ગજ કલાકારની ખરા અર્થમાં પ્રશંસા કરે છે. રાધિકા અનિલ  કપૂરને એક અસાધારણ કલાકાર હોવા ઉપરાંત એક ઉદારદિલ વ્યક્તિ પણ ગણાવે છે. રાધિકાના મતે અનિલ કપૂર પોતાના સહકલાકારોને સહજ રીતે સમજી જાય છે અને તેમના માટે અનુકૂળ વાતાવરણ સર્જે છે, તેમને સુધારણા કરવા અવકાશ આપે છે અને દ્રશ્યો દરમ્યાન પોતાના વિચારપ્રેરક મંતવ્યોથી તેમને ટેકો પણ આપે છે.

જો કે રાધિકાને સૌથી પ્રભાવિત કરે છે અનિલ કપૂરની કલા પ્રત્યે અતૂટ સમર્પિતતા. અનિલ કપૂર પોતાના બોડી ડબલ પર મદાર રાખવાની બદલે પોતાના દ્રશ્યો પોતે જ પરફોર્મ કરે છે પછી ભલે તેમાં કોઈ જોખમ હોય. રાધિકા માટે આ સમર્પિતતામાં તેની વ્યાવસાયિકતા ઉપરાંત અભિનયની કલા પ્રત્યે તેનો આદર નજરે પડે છે. 

સિનેમા ઉપરાંત રાધિકા મનોરંજન ઉદ્યોગમાં જેન્ડર સમાનતા ફરતે ચર્ચામાં પણ મહત્વનો અવાજ બની ગઈ છે. તાજેતરના તેની કેટલીક મુલાકાતોમાં રાધિકાએ નારીવાદ, વળતર સમાનતા અને મુખ્યપ્રવાહના સિનેમામાં મહિલાઓના બહેતર પ્રતિનિધિત્વ વિશે નિખાલસતાથી વાત કરી છે. છતાં પોતાના વ્યક્તિત્વની જેમજ રાધિકાના મંતવ્યોમાં પણ ઉગ્રતા નથી હોતી અને તે સંતુલન તેમજ વાજબીપણમાં જડાયેલા હોય છે.

રાધિકા માટે નારીવાદ મૂળભૂત રીતે સમાન તક વિશે છે. તેની માન્યતા મુજબ મુખ્ય લક્ષ્યાંક એક અસંતુલનના સ્થાને બીજુ  અસંતુલન ન હોવું જોઈએ.રાધિકાની દ્રષ્ટિએ મહિલા સશક્તિકરણથી માત્ર ઐતિહાસીક અન્યાય માટે વળતર તરીકે પુરુષોની અવગણના ન થવી જોઈએ. રાધિકાના તર્ક મુજબ આમ કરવાથી ભૂતકાળની ભૂલોનું બીજા સ્વરૂપે પુનરાવર્તન થશે. તેના સ્થાને રાધિકા એવા સમાજની ભલામણ કરે છે જ્યાં તકો વાજબી રીતે વહેંચાયેલી હોય અને બંને જેન્ડરો સાથે સમાન વર્તન કરવામાં આવે.

નારીવાદ વિશે રાધિકાનું અર્થઘટન અલગ જ તરી આવે છે કારણ કે તેમાં માત્ર દેખાડાની શબ્દબાજી નકારવામાં આવી છે અને તેના સ્થાને વ્યવહારુ સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. રાધિકા કોઈપણ ખચકાટ વિના સંતુલિત પચાસ-પચાસના અભિગમને સમર્થન આપે છે જેમાં લાયકાત, ન્યાય અને આદર વ્યાવસાયિક અવકાશોનો પાયો હોય. આ અભિગમ ફિલ્મ ઉદ્યોગના જેન્ડર વળતર તફાવત વિશેના નિરીક્ષણો સુધી પણ વિસ્તરે છે.

 આ વિચારો સાથે જ રાધિકા પરિવર્તન વિશે આશાવાદી પણ છે. તેણે 'સીતા ઔર ગીતા' જેવી મહિલા કલાકારોની આગેવાની હેઠળની મનોરંજક ફિલ્મોની ભવ્ય વાપસીની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી. રાધિકા માને છે કે દર્શકો મહિલા આધારીત મોટા બજેટની ફિલ્મો જોવા તૈયાર છે, મહત્વનું છે કે રાધિકાએ ફિલ્મોમાં માત્ર દેખાડાના પાત્રો ભજવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેને ફિલ્મોમાં સજાવટની વસ્તુ તરીકે નથી ટકી રહેવું. સ્વાવલંબન, સ્વતંત્ર મિજાજની મહિલાઓના પાત્ર ભજવવા મળ્યા તેના માટે  રાધિકા પોતાને ભાગ્યશાળી માને છે.

ઈમેજ મેનેજમેન્ટ અને મુત્સદીગીરી પર ચાલતા ઉદ્યોગમાં રાધિકા મદનની પ્રમાણિકતા તાજગીભરી છે. તેની વાતોમાં આત્મવિશ્વાસ, કામમાં ધગશ અને કલામાં ભાવનાત્મક પારદર્શિતા નજરે પડે છે. અભિનય, સમાનતા અથવા મહત્વાકાંક્ષા વિશેની ચર્ચા કરતી વખતે રાધિકા મૌલિકતા સાથે સમાધાન ન કરનારી વ્યક્તિ તરીકે ઊભરી આવે છે. કદાચિત આ જ બાબત તેને સૌથી ઉત્કૃષ્ટ પરફોર્મર બનાવવા ઉપરાંત તેને સમકાલીન હિન્દી સિનેમામાં સૌથી સુસંગત વ્યક્તિ તરીકે રજૂ કરે છે.