આર.માધવન: સ્ટોરી તગડી જોઈએ, બસ!
- 'મને હવે પ્રસિદ્ધિમાં નહીં, અભિનયનો, ફિલ્મોનો ઉત્તમ વારસો છોડી જવામાં વધારે રસ છે.'
બોક્સ ઓફિસના આંકડાઓ, સ્ક્રીન ટાઈમ અને સ્ટારની કિંમતનું વળગણ ધરાવતા ઉદ્યોગમાં આર. માધવન એક દુર્લભ કલાકાર છે, એવો પરફોર્મર જેને વાર્તાઓમાં રસ છે, સ્ટારડમમાં નહીં. 'રહના હૈ તેરે દિલમેં'થી 'રોકેટરી: ધી નામ્બી ઈફેક્ટ' માંડીને લેટેસ્ટ 'કેસરી-ટુ' સુધીની તેની ફિલ્મોગ્રાફી અર્થસભર અને હૃદયસ્પર્શી સિનેમાની તેની પસંદગીનો પુરાવો છે.
માધવન જ્યારે કહે છે કે મને વિશાળ વાર્તાનો હિસ્સો બનવું છે ત્યારે તેની આંખમાં એવી ચમક આવી જાય છે. 'કેસરી-ટુ' કંઈ મામૂલી પીરિયડ ડ્રામા નથી. તે જલિયાંવાલાબાગ હત્યાકાંડના મામલે રાષ્ટ્રવાદી વકીલ સી. શંકરન નૈયર અને બ્રિટિશ રાજ વચ્ચે કાનૂની ર્-ઐતિહાસિક લડાઈની માર્મિક કોર્ટરૂમ કથા છે. એક તરફ અક્ષયકુમાર નૈયરનું પાત્ર ભજવે છે તો માધવન બ્રિટિશ રાજનો પ્રતિનિધિ મેકકિનલેનો રોલ નિભાવે છે. એ એન્ટિહીરો છે, પણ સમગ્ર વાર્તા માટે આ બહુ મહત્ત્વનું પાત્ર છે.
ઘણા કલાકાર સપોર્ટિંગ રોલ ભજવવામાં આનાકાની કરતા હોય છે, પણ માધવન માટે એવું નથી. માધવન આત્મવિશ્વાસથી કહે છે 'તમે જોજો, 'કેસરી-ટુ' આજથી વીસ-પચીસ-પચાસ વર્ષ પછી પણ રિલેવન્ટ રહેશે. 'રંગ દે બસંતી' અને 'થ્રી ઈડિયટ્સ' પણ એવી જ એક ફિલ્મો હતી જેમાં રોલ કેન્દ્રીય ન હોવા છતાં માધવને તે ખચકાટ પૂરી નિષ્ઠાથી નિભાવ્યા હતા.
ફિલ્મ ઉદ્યોગમાં દાયકાઓ પસાર કર્યા પછી તેને પ્રસિદ્ધિ કરતા અભિનયની વિરાસતમાં વધુ રસ છે. માધવન કહે છે, 'મેં સ્ટારડમને ગંભીરતાથી નથી લીધું, માટે જ ફિલ્મના પોસ્ટર પર મારા ફોટાની સાઈઝ કેટલી છે અથવા તો સ્ક્રીન પર મને કેટલો સમય મળે છે તેની પરવા નથી કરતો. મારે તો માત્ર અર્થસભર વાર્તાનો હિસ્સો બનવું છે.'
ફિલ્મ પ્રત્યે અક્ષયકુમારના અભિગમથી માધવન પ્રભાવિત છે. 'કેસરી-ટુ'ની રજૂઆતના બે અઠવાડિયા પહેલાં અક્ષયે સવારે ચાર કલાકે માધવનને ફોન કર્યો હતો, જેનું પરિણામ મહત્ત્વના અંતિમ દ્રશ્યના રિ-શૂટિંગમાં આવ્યું. માધવન કહે છે, 'અક્ષયને ખરેખર ચિંતા હતી. એ મારા પાત્રને પણ એટલું જ મહત્વ આપવા માગતો હતો.' માધવનને અભિવાદનની નહીં, પણ પ્રતિસાદની પ્રતીક્ષા રહે છે. તેઓ કહે છે, 'મેં બહુ ઓછી વાર જોયું છે કે દર્શકો છેલ્લા ક્રેડિટ દર્શાવાય ત્યાં સુધી બેઠા રહે. ફિલ્મનું નસીબ આ અંતિમ ક્રેડિટ વખતે નક્કી થાય છે.' વેલ સેઇડ, માધવન.