બોલિવુડને નેપોટીઝમ માટે વખોડનાર પુનીત વશિષ્ઠની બીજી ઈનિંગ્સ પણ પ્રભાવશાળી
'સ્ટાઈલ', ફાઈટ ક્લબ અને 'ઓલ ધી બેસ્ટ' જેવી બોલીવૂડ ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવવા માટે વિખ્યાત થયેલા પુનીત વશિષ્ઠ સકારાત્મક્તા અને વિવિધતા દ્વારા તેની કારકિર્દીના બીજા તબક્કામાં પ્રવેશી ચુક્યો છે. ટીવી સીરીઝ 'શિવ શક્તિ: તપ, ત્યાગ, તાંડવ' અને 'લક્ષ્મી નારાયણ'માં નારદ મુનિના પાત્ર ભજવનાર પુનીતે તેના પરિવર્તિત વ્યક્તિત્વ વિશેના મંતવ્યો શેર કર્યા હતા.
ઉદ્યોગમાં પોતાની બીજી ઈનિંગ વિશે માહિતી આપતા પુનીતે તેને મળેલી તકો બદલ ફિલ્મ ઉદ્યોગ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. અગાઉ રફ અને ટફ રોલમાં ટાઈપકાસ્ટ થયેલા પુનીતને હવે દંત કથા સમા નારદ મુનિ સહિતના વિવિધ પાત્રો ભજવવામાં અનેરો આનંદ મળી રહ્યો છે. તેની કારકિર્દીના આ નવા પથને તેના ચાહકોએ પણ ઉમળકાભેર આવકાર્યો છે.
ભૂતકાળમાં ઉદ્યોગને નેપોટિઝમનો અડ્ડો કહેનાર પુનીતે પોતાના નિવેદનોથી વિવાદ સર્જાયો હોવાનું કબૂલ કરીને સ્પષ્ટતા કરી હતી કે તે હવે વધુ પરિપકવ અને સકારાત્મક થયો છે. એનું શ્રેય તેણે આત્મમંથન, માતાના આશીર્વાદ અને નવા કેળવાયેલા શાંત અભિગમ અને અન્યો માટેના આદરની લાગણીને આપ્યું છે. નારદ મુનિના પાત્રનું તેનું ચિત્રણ તેના વ્યક્તિગત હિતો, ખાસ કરીને બ્રહ્મચર્ય અને સંગીત પ્રત્યે તેની ધગશ સાથે સુસંગત થાય છે.
પુનીત પ્રત્યેક તકમાં તેની વિવિધતા પ્રદર્શિત કરવાનું ચૂકતો નથી, પછી ભલે તે કોઈ રાક્ષસ, ગેન્ગસ્ટર અથવા પોલીસનું પાત્ર હોય.
પૌરાણિક પ્રોજેક્ટો ફરતે સર્જાયેલા વિવાદ વિશે ચર્ચા કરતા પુનીત ટીવી અને ફિલ્મના પ્રદર્શન વચ્ચે રહેલા તફાવતને સ્પષ્ટ કરે છે. પુનીત કહે છે કે ફિલ્મોમાં કેટલાક ઐતિહાસીક તથ્યથી દૂર જઈને વિવાદ સર્જવાનો પ્રયાસ કરે છે જ્યારે ટીવીમાં પ્રમાણિક્તા, પરંપરા અને શ્રદ્ધાનો આદર કરવામાં આવે છે. ટીવીની અધિકૃતતાને દર્શકો પણ પસંદ કરી રહ્યા છે.
ટીવી પર ધ્યાન કેન્દ્રિત કરવાના પોતાના નિર્ણય સાથે પુનીતે ફિલ્મ ઉદ્યોગમાં પ્રચલિત નેપોટીઝમ વિશે પણ પોતાના વિચાર વ્યક્ત કરતા વિવાદ થયો હતો. બોલીવૂડમાં સફળતા મેળવવા છતાં તેને ટીવી ક્ષેત્રમાં વધુ સંતોષ મળી રહ્યો છે જ્યાં તેના પરફોર્મન્સનું મૂલ્યાંકન થાય છે. પૂનીતના મતે ટીવીના શો લાંબો સમય સુધી યાદ રહે છે જેનાથી વિપરીત ફિલ્મોનું ભાવિ ટૂંક સમય માટે હોય છે.
પુનીત શાહ રૂખ ખાનની 'જોશ', આમિર ખાનની 'ફના', 'હેપી ન્યુ યર' અને અન્ય સહિત અનેક હિટ બોલીવૂડ ફિલ્મોનો હિસ્સો રહ્યો છે, પણ હવે તે ટીવી ક્ષેત્રમાં પાછો ફરી રહ્યો છે અને પુનીત માને છે કે આ પગલુ તેના માટે ઉત્તમ જ છે. એના માટે તે મુખ્ય કારણ બોલીવૂડમાં પ્રચલિત નેપોટીઝમને માને છે. પુનીત કહે છે કે ફિલ્મી દુનિયા નેપોટિસ્ટિક માફિયા ઝોન છે. આથી જ મને ટીવીમાં સંતોષ મળે છે. મેં જેટલી પણ બોલીવૂડ ફિલ્મો કરી છે, મને તેમાંથી રંજ જ મળ્યો છે કારણ કે મોટાભાગના સમયે મારા રોલ કાપી નાખવામાં આવ્યા હતા. ફિલ્મોમાં મેં જ્યારે પણ સારુ કામ કર્યું હતું ત્યારે સર્જકોએ મારી કદર કરવાના સ્થાને આવા દ્રશ્યોને એડિટ કરી નાખ્યા હતા.
ટીવી ક્ષેત્રની ભારોભાર પ્રશંસા કરતા પુનીતે સાતત્ય અને પ્રતિબદ્ધતાને વધુ મહત્વ આપવા પર ભાર મુક્યો છે. પુનીત કબૂલ કરે છે કે ટીવીના દૈનિક શો પર કામનું દબાણ વધુ હોય છે પણ આખરે આ જ શોમાં સંતોષ વધુ મળે છે. પુનીત માટે ટીવી પડકાર અને સંતોષ બંને ઓફર કરે છે, માટે જ તેના પ્રત્યે તે આટલો પ્રતિબદ્ધ છે.