- ઇન્વેસ્ટમેન્ટ બેન્કરમાંથી ફિલ્મ નિર્માતા બનેલા દિનેશ વીજનની મડ્ડોક ફિલ્મ્સ કંપનીએ સ્ત્રી,સ્ત્રી -2, ભેડિયા, મુંઝ્યા જેવી સુપરહીટ હોરર કોમેડી, હિન્દી મિડિયમ, અંગ્રેજી મિડિયમ,મીમી જેવી પ્રયોગશીલ, સ્કાયફોર્સ જેવી હવાઇદળ પર આધારિત, છાવા જેવી ઐતિહાસિક ફિલ્મોનું નિર્માણ કર્યું છે
હિન્દી ફિલ્મ જગતમાં સુપર સ્ટાર શબ્દનો અવારનવાર ઉપયોગ થાય છે. જોકે ખરા અર્થમાં તો સુપર સ્ટારનું ઘડતર તો આલા દરજ્જાના નિર્માતા અને દિગ્દર્શક કરે છે. હિન્દી ફિલ્મ જગતના મહાન સર્જક રાજ કપૂર, બીમલ રોય, બી.આર.ચોપરા, સત્યજિત રે, ગુરુ દત્ત, ઋષિકેશ મુખરજી,શ્યામ બેનેગલ, ગોવિંદ નીહલાની, યશ ચોપરા ,ગુલઝાર, વગેરેએ અમર,યાદગાર, હૃદય સ્પર્શી ફિલ્મોની ભેટ આપી છે. આ બધા ફિલ્મ સર્જકોની ફિલ્મમાં કામ કરવા બધાં કલાકારો ભારે ઉત્સુક રહેતાં. પોતાને નસીબદાર ગણતાં.
બીજીબાજુ છેલ્લાં થોડાક સમયથી બોલીવુડમાં દિનેશ વીજન નામના સુપરહીટ નિર્માતા--દિગ્દર્શકનું નામ અને કામ બંને ચમકી રહ્યું છે. એમ કહો કે દોડી રહ્યું છે. દિનેશ વીજનની નવી ફિલ્મમાં કામ કરવા આજના બોલીવુડનાં કલાકારો ઉત્સુક હોય છે. બોલીવુડના આજના સૌથી સફળ અને દર્શકોમાં બેહદ લોકપ્રિય સ્ટાર્સ વીકી કૌશલ,ક્રિતી સેનન, રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર વગેરેએ દિનેશ વીજનના મડ્ડોક ફિલ્મ્સના બેનરમાં કામ કરીને ભરપૂર લોકપ્રિયતા અને એવોર્ડનું માન-સન્માન મેળવ્યાં છે.
આજના નવા, આધુનિક જમાનાના પ્રવાહમાં દર્શકોની પસંદગી બદલાઇ હોય તે સ્વાભાવિક છે. ખાસ કરીને નવા જમાનાની યુવા પેઢીને રોમેન્ટિક, મ્યુઝિકલ,ડાન્સિંગ, નેચરલ બ્યુટી, હાર્ટટચિંગ ફિલ્મો વધુ પસંદ હોય તે સ્વાભાવિક છે. વળી, હોરર કોમેડી હોય તો ઓર મજા આવે.
સ્ત્રી,સ્ત્રી -૨, ભેડિયા, મુંઝ્યા, વગેરે ફિલ્મોમાં આ બધાં તત્વો ભરપૂર છે. વળી આ બધી ફિલ્મો સુપરહીટ પણ થઇ છે. ઉપરાંત, છાવા, મીમી, હિન્દી મિડિયમ,અંગ્રેજી મિડિયમ જેવી પ્રયોગશીલ અને ચિંતન શીલ : મનનશીલ ફિલ્મો પણ રજૂ થઇ છે. સ્કાયફોર્સ અને સેક્ટર- ૩૬ જેવી મલ્ટિસ્ટાર ફિલ્મો પણ ખરી.
મુંબઇમાં જન્મેલા અને ભણેલા દિનેશ વીજન કહે છે, મેં અત્યારસુધીમાં ૩૫ ફિલ્મોનું સર્જન કર્યું છે. અમારી ફિલ્મ કંપની મડ્ડોક ફિલ્મ્સનું એક જ સૂત્ર છે, ઉત્તમ વાર્તા. એટલે કે ફિલ્મની કથા રસપ્રદ,વિચારશીલ, નવીનતમ, પ્રયોગશીલ,ગમતીલી હશે તો પછી તે દર્શકોનાં મન- હૃદય સુધી જરૂર પહોંચશે. દર્શકોનાં મગજમાં રૂપાની ઘંટડી વાગવી જોઇએ. સાથોસાથ અમે સમાજને આજના સમયનું અને ખાસ કરીને ભારતીય નારીના માનસનું પ્રતિબિંબ પાડે તેવી સંવેદનશીલ ફિલ્મો પણ રજૂ કરીએ છીએ. હા, આજની નવી પેઢીને ગમે તેવી હોરર કોમેડી પણ ખરી.
અમે મડ્ડોક ફિલ્મ્સના બેનરમાં સ્ત્રી(૨૦૧૮) ફિલ્મથી હોરર કોમેડીનો પહેલો પ્રયોગ કર્યો. તે વખતે ફિમનું બજેટ ૨૦ -૨ કરોડ હતું. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી,નોરા ફતેહી, વગેરે કલાકારો સાથેની સ્ત્રી ફિલ્મમાં ચંદેરી નામના નાનકડા ગામનાં લોકોમાં એક સ્ત્રીના આત્માનો જબરો ખોફ હોય છે. તે સ્ત્રીનો આત્મા રાતે ગામનાં લોકો પર હુમલો કરતી હોય તેવી ડરામણી ઘટનાઓ બને છે, પરિણામે ગામનો એક યુવાન તેના મિત્રો સાથે તે રહસ્ય જાણવા - ઉકેલવા પ્રયાસ કરે છે. બસ, આ જ પ્રયાસ સાથે શરૂ થાય છે હોરર કોમેડી.
બન્યું એવું કે સ્ત્રી ફિલ્મની આ હોરર કોમેડી કથાને દર્શકોનો બહોળો આવકાર મળ્યો. ફિમ સુપરહીટ થઇ અને ૧૨૪ કરોડનો મોટો નફો પણ થયો હોવાના અખબારી અહેવાલ પણ પ્રસિદ્ધ થયા હતા.
દિનેશ વીજન બહુ ઉત્સાહથી કહે છે, અમે સ્ત્રીના સફળ પ્રયોગના આધારે વધુ એક હોરર કોમેડી ફિલ્મ ભેડિયા (૨૦૨૨) , સ્ત્રી -૨ (૨૦૨૪), મુંઝ્યા (૨૦૨૪) પણ બનાવી. ત્રણેય ફિલ્મોને દર્શકોનો સુપરહીટ ઉમળકો મળ્યો. ખાસ કરીને સ્ત્રી -૨ ફિલ્મે તો બોક્સ ઓફિસ છલકાવી દીધી. અમારો હેતુ દર્શકોને પેટ અને મગજ બંને ભરાય તેટલું મનોરંજન અને કંઇક નવો આઇડિયા મળે તેવો રહ્યો છે.
અમે સ્ત્રી ફિલ્મમાં મધ્ય પ્રદેશના ચંદેરી ગામને, ભેડિયા ફિલ્મમાં અરુણાચલ પ્રદેશને,મુંઝ્યા ફિલ્મમાં મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશને રજૂ કર્યો છે. અરે, અમારી ફિલ્મ કંપનીએ દર્શકો સમક્ષ અંગ્રેજી મિડિયમ અને હિન્દી મિડિયમ જેવી પ્રયોગશીલ અને સંવેદનશીલ ફિલ્મો પણ રજૂ કરીને તેમને વિચારશીલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ બંને ફિલ્મોમાં આપણા દેશની શિક્ષણ વ્યવસ્થાનો માહોલ રજૂ થયો છે.
દિનેશ વીજન બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, અમારી મડ્ડોક ફિલ્મ્સ કંપનીનું એક જ સૂત્ર છે, ઉત્તમ વાર્તા. એવી વાર્તા જેમાં ભારતીય સમાજનું દર્શન હોય. નવો વિચાર અને વિશિષ્ટ સંદેશો હોય. પ્રયોગશીલ મુદ્દો હોય. કલાકારની અભિનય પ્રતિભા ખીલતી હોય.
અમે આ જ બધાં પાસાંને ધ્યાનમાં રાખીને અમારી બધી ફિલ્મો બોલીવુડના એક પણ સુપર સ્ટાર વગર બનાવી છે. એટલે કે અમારી ફિલ્મમાં શાહ રૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવાં મોટાં નામ નથી.
ઉપરાંત, અમે અમારી ફિલ્મના દિગ્દર્શક સાથે કોઇ જ પ્રકારનો કરાર પણ નથી કરતા કે તેમની કામગીરીમાં કોઇ જ દરમિયાનગીરી પણ નથી કરતા.દિગ્દર્શક સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. છાવા ફિલ્મના સુપરહીટ દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકરે અમારી ચાર ચાર ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.
લક્ષ્મણ ઉત્તેકરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે સાચી વાત છે. એક સફળ અને લોકપ્રિય નિર્માતા તરીકે દિનેશ વીજન તેમની નવી ફિલ્મના દિગ્દર્શક સાથે વાત કરે ત્યારે તેમના હાથમાં કેલ્ક્યુલેટર નથી હોતું. ખરેખર તો દિનો( પોતાના અંતરંગ વર્તુળમાં દિનેશ વીજન: દિનો: ના નામે જાણીતા છે) ફિલ્મની વાર્તા અને તેની સાથે સંકળાયેલી સંવેદના વિશે વધુ વાત કરે છે. ફિલ્મની કથામાંની સંવેદના દર્શકોનાં અંતર સુધી પહોંચવી જોઇએ એવો તેમનો આગ્રહ હોય છે. એક અંતરંગ વાત. દિનેશ વીજનની દરેક ફિલ્મની રજૂઆત તેના પિતા પ્રેમ વીજનને શ્રદ્ધાંજલી સાથે થાય છે. દિનેશ વીજન ભરપૂર આદર સહિત કહે છે, હું આજે હિન્દી ફિલ્મ જગતનો સફળ નિર્માતા બની શક્યો છું તેનો તમામ યશ મારા પરમ પૂજ્ય પિતાશ્રી પ્રેમ વીજનનનાં ચરણોમાં છે. હું આમ તો મુંબઇમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કરની નોકરી કરતો હતો. જોકે બાળપણમાં રવિવારે મારા પિતાજી હિન્દી ફિલ્મ જોવા લઇ જતા.મને ફિલ્મની કથા, સંવાદ, ગીત, સંગીત, અભિનય વગેરે પાસાં વિશે રસપ્રદ માહિતી પણ બહુ સરળ રીતે સમજાવતા પણ ખરા.આમ મારો ફિલ્મ પ્રત્યેનાં રસ -રૂચી વધ્યાં. સમય જતાં મને મારા પિતાજીએ જ ફિલ્મ નિર્માણ કરવા પ્રોત્સાહન આપ્યું હોવાથી મેં પહેલી ફિલ્મ બિઇંગ સાયરસ(૨૦૦૬)નું નિર્માણ કર્યું. દિનેશ વીજન હવે પરમ સુંદરી(સિદ્ધાર્થ મલ્હોત્રા, જાહ્નવી કપૂર) નામની પ્રણયરંગી ફિલ્મ સાથે આવી રહ્યા છે. ઉપરાંત, ૧૯૭૧ના ભારત--પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર આધારિત ફિલ્મ ઇક્કીસ અને મહાવતાર (વીકી કૌશલ) વગેરે ફિલ્મોની પણ તૈયારી થઇ રહી છે.


