Get The App

પ્રિયા બાપટની સ્ટ્રગલ પચ્ચીસ વરસે પણ પૂરી નથી થઈ!

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
પ્રિયા બાપટની સ્ટ્રગલ પચ્ચીસ વરસે પણ પૂરી નથી થઈ! 1 - image

મરાઠી એકટ્રેસ પ્રિયા બાપટને શો બિઝનેસમાં ૨૫ વરસ પૂરા થયા છતાં એનો સંઘર્ષ હજુ ચાલુ જ છે. નાગેશ કુકનૂરની વેબ સિરીઝ 'સિટી ઓફ ડ્રીમ્સ'માં પૂર્ણિમાં ગાયકવાડનું પાત્ર ભજવી પ્રિયાને ઢગલા મોઢે પ્રશંસા મળી, પણ મનગમતા માતબર રોલ્સ ન મળ્યા એટલે જ એ દાઢમાં એવું બોલે છે કે 'મારા જેવા એકટર્સ માટે ઓટીટી મીડિયમ ભલે એક આશીર્વાદ હોય, પણ અમારી સ્ટ્રગલ તો યથાવત રહે છે.'

મરાઠી નાટકો અને ફિલ્મો કર્યા બાદ પ્રિયાએ 'કોસ્ટાઓ', 'વિસ્ફોટ' અને 'મુન્નાભાઈ એમબીબીએસ' જેવી હિન્દી ફિલ્મોમાં રોલ કર્યા. ચાઇલ્ડ એક્ટર તરીકે કરિયર શરૂ કરનાર અભિનેત્રીએ હમણાં પોતાના ક્ષેત્રમાં સિલ્વર જ્યુબિલી ઉજવી છતાં પોતાની જોઈએ તેવી કદર ન થઈ હોવાનું માનતી ૩૯ વરસની પ્રિયા પોતાનો અસંતોષ ઠાલવતા કહે છે, 'નાગેશ કુકનુરના પ્રોજેક્ટમાં લીડ રોલ મળ્યા બાદ મને મનમાં થયું કે બસ, હવે આપણી ગાડી ચાલી નીકળશે. પરંતુ વેબ શોની બે સિઝનના પ્રસારણ બાદ પણ કોઈ ઓફર ન આવી. છેક ત્રીજી સિઝન બાદ લોકો મને ઓળખતા થયા અને ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સ મારા ભાગે આવતા થયા. પરંતુ મારા અનુભવપરથી કહું છું કે એક્ટરની સ્ટ્રગલ ક્યારેય પૂરી નથી થતી. આજે પણ મારે રોલ મેળવવા ઓડિશન આપવું પડે છે અને ફોલોઅપ કરવું પડે છે. એક્ટરની લાઈફનો આ સારાંશ છે, તમારે બસ એકધારુ તમારું કામ કરતા રહેવાનું.'

પછી થોડુ વિષયાંતર કરતા બાપટ એક પોડકાસ્ટમાં કહે છે, 'આજે ઓટીટીની ધુમ છે. એ મારા જેવા એકટર્સ માટે એક આશીર્વાદ જ છે કારણ કે એ અમને દર્શકોના બહોળા વર્ગ સુધી પહોંચવા પ્લેટફોર્મ પૂરું પાડે છે. ખાસ કરીને, નવા એક્ટર્સ માટે ઓટીટી એક ગેમ-ચેન્જર છે. સાચુ કહું તો હિન્દી સિનેમામાં મારે રિયલ ચેલેન્જીસ (પડકારો)નો સામનો કરવાનો આવ્યો. મરાઠી થિયેટર અને સિનેમામાં મને અદ્ભુત સ્ટોરીઝ મળી, જેને કારણે મને મારી કળાને નિખારવામાં મદદ મળી. પરંતુ હિન્દી પ્રોજેક્ટ્સ મને નવા ઝોન્સમાં, નવી દુનિયામાં લઈ ગયા. મેં એક રાજકીય નેતાના રોલમાં સિટી ઓફ ડ્રીમ્સથી ઓટીટી પર ડેબ્યુ કર્યા બાદ અંધેરામાં કોપનું કેરેક્ટર ભજવ્યું અને કોસ્ટાઓમાં નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની બની. આ બધા ઈમોશનલી ઇન્ટેન્સ રોલ્સ મારી પાસેથી કાંઈક અલગ જ અપેક્ષા રાખતા હતા. એક પરફોર્મર તરીકે એમણે મારા સીમાડા લંબાવ્યા અને મને એવા સંતોષ અને પરિપૂર્ણતાનો અહેસાસ કરાવ્યો જે મને એ વખતે મરાઠી સિનેમામાં નહોતો મળ્યો.'

મરાઠી સિનેમામાંથી હિન્દી સિનેમામાં એનું ટ્રાનજિશન કેવું રહ્યું એવું પૂછાતા પ્રિયા કહે છે, 'સર, મારા માટે કાંઈ સ્મૂધ નહોતું. મારી સ્ટ્રગલ એકદમ રિયલ અને હાર્ડ હતી. મુન્નાભાઈ એમબીબીએસની રિલિઝ બાદ કાસ્ટિંગ ડિરેક્ટર્સ મને મોટા બેનરની ફિલ્મોમાં મોટા રોલ્સ માટે બોલાવતા. મેં લગભગ દરેક મોટા પ્રોજેક્ટ માટે ઓડિશન્સ આપ્યા, પણ એ રોલ્સ સ્ટારકિડસને મળ્યા.'

પોતાની દાસ્તાન-એ-સ્ટ્રગલ આગળ ચલાવતા વર્સેટાઈલ એક્ટર કહે છે, 'કરિયરમાં એક નિસ્તેજ ગાળો પણ આવ્યો. મરાઠી સિનેમાએ મને મારી ઓળખ આપી એ વાત સાચી પણ પ્રાદેશિક સિનેમાથી વધુ આગળ જઈ વિશાળ ફલક મારફત મોટા દર્શક વર્ગ સુધી પહોંચવું હતું. પછી સિટી ઓફ ડ્રીમ્સ મળી. એ રોલ મેળવવા મેં ઓડિશનના ત્રણ રાઉન્ડ પૂરા કર્યા હતા. સેકન્ડ ઓડિશન ખુદ નાગેશ કુકનુરે લીધું. પરંતુ પછી મેકર્સ તરફથી કોઈ મેસેજ ન આવ્યો. એટલે મેં મારા એક્ટર હસબન્ડ ઉમેશ કામત સાથે વેકેશન પર જવાનું નક્કી કર્યું. મને યાદ છે કે અમે કોચીમાં હતા ત્યારે લીડ રોલ માટે હું સિલેક્ટ થઈ ગઈ હોવાનો કોલ આવ્યો હતો. પહેલા તો મને એ માન્યામાં જ નહોતું આવ્યું.'

મુંબઈમાં જન્મી અને ઉછરી હોવાથી મરાઠીભાષી પ્રિયા બાપટ ગુજરાતી ભાષાથી પરિચિત છે એટલે એને ગુજરાતી સિનેમા વિશે પૂછાવું સ્વાભાવિક હતું. એ વિશે ખુશી ખુશી વાત કરતા એકટ્રેસ કહે છે, 'હું ખરેખર મરાઠીઓ કરતા વધુ ગુજરાતીઓ વચ્ચે મોટી થઈ છું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ જે બદલાવ આવ્યો છે એનાથી બહુ ખુશ છું. હેલ્લારો જેવી ફિલ્મોએ મને ખરેખર પ્રભાવિત કરી છે. મારી ફ્રેન્ડસ નીલમ પંચાલ અને માનસી પારેખ ફિલ્મોમાં અદ્ભુત કામ કરી રહી છે, પણ મેં ફિલ્મો કરતા ગુજરાતી નાટકો વધુ જોયા છે. મારું એક મરાઠી નાટક ગુજરાતીમાં ભાષાંતર કરીને ભજવાયું હતું. ગુજરાતી થિયેટર આર્ટિસ્ટો જે રીતે સ્ટોરી અને કેરેક્ટર્સને અનોખો ટ્વિસ્ટ આપે છે એ મને ગમે છે. સારો રોલ ઓફર થાય તો મને ગુજરાતી ફિલ્મ કરવી ગમશે. અને મારું પ્રોમિસ છે કે ગુજરાતી ફિલ્મ માટે હું મારી ગુજરાતી ભાષા સુધારીશ, મારે તો બને એટલી વધુ ઇન્ડસ્ટ્રીમાં જઈ બને એટલા વધુ પાત્રો ભજવવા છે.'

'શું ઓટીટી બીજા મીડીયમ્સ માટે ખતરો છે?' એક્ટર પાસે એનો તર્કસંગત ઉત્તર છે, 'જેમ સિનેમા સાથે ટેલિવીઝન પણ જળવાઈ રહ્યું એમ સિનેમા અને ઓટીટીનું પણ સહ-અસ્તિત્વ રહેશે. આજે દર્શકો સામે પસંદગી માટે ઘણી બધી કન્ટેન્ટ છે છતાં એમને બિગ સ્ક્રીન પર ફિલ્મો જોવી ગમે છે. ઓટીટીનું ભાવિ ઉજળું છે એમાં કોઈ શંકા નથી, પરંતુ જકડી રાખતી સ્ટોરીઝ માણવા લોકો ફિલ્મો જોવા થિયેટરોમાં પાછા ફરશે.'