સિનેમા અને ઓટીટી પર સારી જમાવટ કરી ચુકેલા. એક્ટર પ્રતીક ગાંધી માટે ૨૦૨૫નું વરસ ફળદાયી બની રહ્યું. 'ધુમધામ', 'ફુલે' અને 'સારે જહાં સે અચ્છા'માં એના પરફોર્મન્સને દર્શકો અને સમીક્ષકોએ વખાણ્યું. વીતેલા વરસનો જાયજો લેતા પ્રતીક કહે છે, 'પ્રોફેશનલી, ૨૦૨૫ મારા માટે બહુ સરસ બની રહ્યું. અલબત્ત, એમાં સૌથી મ ોટી બીના 'ગાંધી'નું શૂટિંગ હતું એ મારા કરિઅરના સૌથી મોટા પ્રોજેક્ટ્સ પૈકીનો એક છે. બીજુ, આ વેબ સીરિઝમાં મને મારી પત્ની ભામિની (ઓઝા ગાંધી) સાથે સ્ક્રીન શેર કરવાની તક મળી. 'ગાંધી' પહેલી એવી ભારતીય વેબ સીરિઝ બની, જેનું પ્રીમિયર ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીઆઈએફએફ'માં યોજાયું હોય. શોને ફેસ્ટિવલ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું, જે મારા માટે ૨૦૨૫નો સૌથી મોટો પ્રસંગ બની રહ્યો. એ ઉપરાંત વરસ દરમિયાન એકબીજા સાવ વેગળા પ્રોજેક્ટસમાં કામ કરવા મળ્યું જેને લીધે હું મુખ્ય પ્રવાહના એક્ટર તરીકે વિકસ્યો. વળી, ગયા વરસે મને મારા નાટકો ભજવવા થોડો વધુ સમય મળ્યો અને સૌથી મહત્વની વાત એ કે હું લાંબા ગાળે મારા પરિવાર સાથે વધુ સમય ગાળી શક્યો.
આર્ટિસ્ટને પોતાની સફળતા માટે એક યા બીજા પ્રકારની કિંમત ચુકવવી પડે છે. પ્રતીક (૪૫) એમાં અપવાદ નથી. 'જુદા જુદા રોલ્સ માટે મારે જે પ્રકારનું શારીરિક રૂપાંતર કરવું પડયું એને કારણે ગયા વરસે મારી હેલ્થ પર અસર થઈ હતી. મારે 'ધુમધામ' માટે ટોન્ડ બોડી બનાવવી પડી જ્યારે 'ગાંધી' માટે સારું એવું વજન ઉતારવું પડયું હતું. એટલે આ વરસે હું મારી હેલ્થ પર વધુ ધ્યાન આપવા ઇચ્છું છું,' એમ એક્ટર કહે છે.
પોતાના ભાવિ પ્લાનની રૂપરેખા આપતા 'સ્કેમ'માં હર્ષદ મેહતાનું પાત્ર ભજવીને લાઈમલાઈટમાં આવેલો વર્સેટાઈલ એક્ટર કહે છે, 'લાંબા અરસાથી હું એકીસાથે બહુવિધ કામ કરતો આવ્યો છું. મને લાગે છે કે હવે મારે થોડા ધીમા પડી મારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ફોકસ કરવું પડશે. આ વરસે હું વધુ ધીરજ રાખતા શીખીશ. આમ તો હું માર્શલ આર્ટ્સની પ્રેક્ટીસ કરતો જ હોઉં છું પણ એ મોરચે મારી કશુંક નવું શીખવાની ઇચ્છા છે. અત્યારે હું નવા સંગીત વાદ્યો વગાડતા શીખી રહ્યો છું. એ સિવાય, ૨૦૨૬માં મારા પરિવાર સાથે નવા નવા સ્થળોએ પ્રવાસ કરવાની મારી નેમ છે.' તાજેતરના પોતાના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતા રંગમંચ પર ઘડાયેલો ગુજરાતી અભિનેતા કહે છે, 'હું અલગ અલગ જોનરના પ્રોજેક્ટસમાં પ્રયોગ કરવાનું ચાલુ રાખીશ અને દર્શકો એને બિરદાવે છે એનો મને આનંદ છે. 'ફુલે'માં મને પહેલીવાર બાયોપિક મૂવી કરવાની તક મળી. મારે મન એ યાદગાર પાત્ર હતું. જ્યારે રોમ-કોમ 'ધુમધામ'માં મેં જુદા જ પ્રકારના હીરોનો રોલ કર્યો. સામાન્યપણે હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે એવા બાવડેબાજ હીરોથી એ સાવ અલગ હતો જ્યારે મારો વેબ શો 'સારે જહાં સે અચ્છા' પ્રેક્ષકોને જાસૂસીના જુદા જ વિશ્વમાં લઈ ગયો. આવા રોલ્સ મળવા બદલ હું પોતાને ભાગ્યશાળી ગણું છું. હવે હું અગાઉ ન કર્યા હોય એવા જોનર્સના પ્રોજેક્ટ કરવા ઉત્સુક છું. મારે નવા ડિરેક્ટર્સ સાથે કામ કરવું છે અને આ વરસે એક નવા નાટકનું ડિરેક્શન કરવાની પણ ઇચ્છા ખરી.'


