પ્રતીકના આખરે 'પ્રતીક સ્મિતા પાટિલ' બન્યો ખરો...
સ્મિતા પાટિલ જેવી ઇન્ટેલીજન્ટ અને ટેલેન્ટેડ એકટ્રેસનો પુત્ર હોવા છતાં પ્રતીક રાજ બબ્બર એક્ટર તરીકે સેટલ નથી થયો. 'જાને તૂ યા જાને ના' જેવી હીટ ફિલ્મમાં ડેબ્યુ કરનાર પ્રતીકે શરૂઆતમાં સારી આશા જગાવી હતી, પણ પછી એની કરિયરની ગાડી કંઈ ચાલી નહિ. વરસો પછી પણ એની કરિયર ઉંચકાઈ નથી. એટલા માટે કે એના મગજમાં કંઈને કંઈ ગડમથલ ચાલતી રહે છે. પ્રતીક પોતાની ઓળખ અને નામને લઈને ગુંચવાયા કરતો. મનોમન એ જાણતો હતો કે નાના-નાનીએ મને ઉછેર્યો હોવાથી હું ઇમોશનલી મારી સદ્ગત મા સાથે વધુ જોડાયેલો છું એટલે એણે પ્રિયા બેનરજી સાથેનાં લગ્ન પહેલા પોતાનું નામ પ્રતીક રાજ બબ્બરમાંથી બદલી પ્રતીક સ્મિતા પાટિલ કર્યું. હવે એ ઓફિશિયલી આ નવા નામથી ઓળખાય છે. અત્રે નોંધવું ઘટે કે પ્રતીકે પોતાના નામમાંથી એક્ટર-પોલિટિશિયન રાજ બબ્બરનું નામ પડતું મુકવા ઉપરાંત બબ્બર ફેમિલીમાંથી કોઈને પોતાના લગ્નનું આમંત્રણ નહોતું આપ્યું.
પ્રતીકના આવા નિર્ણયને પગલે લોકો જાતજાતના તર્કવિતર્ક કરતા હતા. ખાસ કરીને સોશિયલ મીડિયા પર આ વિષયમાં ઘણી ચર્ચા થઈ એટલે ખોટી વાતો અને ધારણાઓ પર પૂર્ણવિરામ મુકવા એક્ટરે સિલેકટેડ મીડિયા સમક્ષ માંડીને વાત કરી. પત્રકારો સમક્ષ પ્રતીકે નામ બદલવા સંબંધમાં પોતાનું જે વર્જન આપ્યું એનો સાર અહીં પ્રસ્તુત છે :
'મારી અત્યાર સુધીની લાઈફ દરમિયાન મારી પોતાની ઓળખ વિશે મારા મનમાં સતત સ્ટ્રગલ ચાલતી રહી હતી. હું કોણ છું એવા વિચારોમાં ઘોળાયા કરતો. હવે ફાઇનલી મને જ્ઞાાન થયું છે કે હું કોણ છું. હું મારી માનો દીકરો છું એ સમજાયા બાદ હું એક પ્રકારનો પરિપૂર્ણતાનો, સાતત્યનો ભાવ અનુભવુ છું. નાઉ, આય એમ કંમપ્લિટ, આય એમ પ્રતીક સ્મિતા પાટિલ.
'મારા નામ સાથે આઈ (માતા)નું આખું નામ જોડીને હું ગર્વ અનુભવું છું. મારા પર માનું ઋણ છે. મારા માટે આઈએ પોતાનો જીવ આપી દીધો. એને એક મા, મારી મા બનવા સિવાય દુનિયામાં બીજુ કશું જોઈતું નહોતું. એની એક જ ઇચ્છા હતી કે મારા પુત્ર સાથે રહુ પણ એ અરમાન પુરા ન થઈ શક્યા. એ કેટલું દુખદ હતું. હવે હું મારી મા માટે કમસેકમ આટલું તો કરી શકું છું. એનું ઋણ બીજી કઈ રીતે ફેડી શકાય?
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે મેં પ્રતીક બબ્બર નામ રાખ્યું હતું. પરંતુ મનમાં ગડમથલ ચાલતી રહી. મને એક તબક્કે એવો વિચાર આવ્યો કે મા-બાપમાંથી કોઈ સાથે મારે જોડાવું નથી. એટલે થોડા સમય માટે પ્રતીક બની રહ્યો. ત્યાર બાદ મારાં નાના-નાની ગુજરી ગયા. એટલે હું મારા પિતા સાથે ફરી જોડાયો. મને થયું કે મારા ફેમિલીમાંથી કોઈ નથી. તેઓ જ મારા એકમાત્ર વાલી છે એટલે હું ફરી પ્રતીક બબ્બર બન્યો.
છતાં મનમાં થતું કે કશુંક ખૂટે છે. કંઈક બરાબર નથી. એક દિવસ એવો વિચાર આવ્યો કે મારી મમ્મી મારી લાઈફ અને મારી આઇડેન્ટિટીનો કેટલો મોટો હિસ્સો છે. તો એનું નામ શા માટે મારા નામનો એક ભાગ ન બને? એટલે પ્રતીક બબ્બરમાંથી હું પ્રતીક પાટિલ બબ્બર બન્યો. એ નામ સાથે થોડા વખત ચલાવ્યું, પણ મને એ બરાબર નહોતું લાગતું.
ફાઇનલ ડિસીજન મારા લગ્નના થોડા વખત પહેલાં લેવાયો. હું અને પ્રિયા એક સાંજે વાતો કરતાં હતા. એ દરમિયાન મધરનો ઉલ્લેખ થતા અમે બંને ભાવુક થઈ ગયા. અમે વિચારવા લાગ્યા કે હું મારી મા માટે શું કરી શકું? અને પ્રિયાએ અચાનક સુચવ્યું કે તું તારી મમ્મીનું આખુ નામ શા માટે અપનાવી નથી લેતો? મને એ વાત મમ્મી ગઈ અને હવે હું પ્રતીક સ્મિતા પાટિલ બની ગયો. એ નામ સાંભળીને મને પૂર્ણ સંતોષની લાગણી થાય છે.
લોકોને એવો સવાલ થતો હશે કે મેં મારા પિતા રાજ બબ્બરનું નામ શા માટે પડતું મુક્યું? મેં કોઈને પડતા મુક્યા નથી. ફક્ત મારી માતાનું નામ અપનાવ્યું છે. નામ બદલવાથી મારા પરેન્ટ્સ બદલાઈ નથી જવાના. મારી ઓળખ તો એની એ જ રહેશે.'