Get The App

હૃદયસ્પર્શી ગીતો અને પ્રેરક કથાના રચયિતા પ્રસૂન જોશી

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
હૃદયસ્પર્શી ગીતો અને પ્રેરક કથાના રચયિતા પ્રસૂન જોશી 1 - image

- પ્રસૂન જોશીના સૌથી પસંદગીના પ્રોજેક્ટ પૈકી એક છે 'ભાગ મિલખા ભાગ', જેમાં તેમણે પટકથાલેખક, ગીતકાર અને સંવાદ લેખક તરીકેનું યોગદાન આપ્યું હતું. 

પ્રસિદ્ધ કવિ, ગીતકાર, પટકથાલેખક અને વિજ્ઞાાપન અગ્રણી પ્રસૂન જોશીને જ્યારે પ્રતિષ્ઠિત 'મહાકવિ નીરજ સમ્માન ૨૦૨૫' એનાયત થયો ત્યારે તે માત્ર એક એવોર્ડ નહોતો,પણ હૃદયને સ્પર્શતા, વિચારોને આકાર આપતા અને બહુવિધ રચનાત્મક ક્ષેત્રો વચ્ચે સેતુ બનતા કાર્યને અપાયેલી માન્યતા હતી. 'ભાગ મિલખા ભાગ'ની પુનઃરજૂઆત તેમજ 'રાજાધિરાજઃ લવ લાઈફ લીલા' નાટકની બીજી સીઝન સાથે આ અવોર્ડની જાહેરાતની પળ જોશી માટે ચિંતનનો સમય છે જેઓ હંમેશની જેમ સક્રિય રહ્યા છે.

સન્માનનું મૂળ કાવ્યાત્મક પ્રમાણિકતા

જોશી માટે પદ્મભૂષણ મહાકવિ નીરજના સ્મરણમાં મળેલો એવોર્ડ અત્યંત  મહત્વનો છે. જોશી કહે છે કે કવિતા માત્ર અભિવ્યક્તિની સુંદરતા નથી,પણ તેમાં સામાજિક ચેતનાને પ્રભાવિત કરવાની શક્તિ છે.

જોશીની કારકિર્દીમાં તેમના આ માન્યતાનું પ્રતિબિંબ પડે છે. 'મા' (તારે જમીન પર),'લુક્કા છુપ્પી' અને 'તુ બિન બતાયે' (રંગ દે બસંતી), 'ઓ રંગરેઝ' (ભાગ મિલખા ભાગ), 'અર્ઝિયાન' (દિલ્હી ૬) અથવા 'જીતે હૈં ચલ' (નીરજા) જેવા કાલાતીત ગીતો હોય  કે ચિંતનપ્રેરક કવિતા હોય, જોશીનું લખાણ તેમના કહેવા મુજબ જીવિત અનુભવમાંથી ઉદ્ભવેલું અનુભૂતિ સત્ય રહ્યું છે.

તેમની રચનાત્મક આધ્યાત્મિકતા સંશોધનનો સ્વીકાર કરે છે. જોશી કહે છે કે  જીવનમાં મારી સામે ઘણી વસ્તુઓ આવે છે અને હું સંશોધનનો સ્વીકાર કરું છું. કેટલીક બાબતો સાચી હોય છે, કેટલીક નથી હોતી, પણ મારા માટે પ્રમાણિક રહેવું સૌથી વધુ મહત્વનું છે.

રચનાત્મક્તાની સીમાઓ પાર કરી

જોશી એવી દુર્લભ હસ્તીઓ પૈકી છે જેઓ સાહિત્ય, સિનેમા અને કોર્પોરેટ બ્રાન્ડિંગમાં સમાન રીતે પ્રસિદ્ધ છે. કાન લાયન્સ એવોર્ડ્સમાં મળેલા સન્માનથી લઈને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા થયેલી કદર અને ઈન્ટરનેશનલ એસોસિયેશન્સ હોલ ઓફ ફેમમાં સામેલ થવા સુધી તેમને ક્યારેય રચનાત્મક્તાનું વર્ગીકરણ કરવાની જરૂર નથી પડી.

જોશી નોંધ કરે છે કે કવિતા, સિનેમા, સામાજિક સુસંગત કાર્ય અથવા બ્રાન્ડ અને કોમ્યુનિકેશનન પડકારો, તમામ એકબીજા સાથે સંકળાયેલા છે. તેમના માટે વિજ્ઞાાપન ક્ષેત્ર એક કારકિર્દી પથ હોવા ઉપરાંત રચનાત્મક્તા દ્વારા વૈવિધ્યસભર મુદ્દાઓમાં સામેલ થવાનો વૈશ્વિક મંચ પણ છે.

'ભાગ મિલખા ભાગ': હૃદયને સ્પર્શતી વાર્તા

જોશીના સૌથી પસંદગીના પ્રોજેક્ટ પૈકી એક છે 'ભાગ મિલખા ભાગ', જેમાં તેમણે પટકથાલેખક, ગીતકાર અને સંવાદ લેખક તરીકેનું યોગદાન આપ્યું હતું. તાજેતરમાં ફિલ્મની પુનઃરજૂઆતે મિલખા સિંઘ, ફરહાન અખ્તર, રાકેશ ઓમપ્રકાશ મહેરા અને બાકીની ટીમ સાથે કામ કરવાની સ્મૃતિઓ તાજી કરી હતી. સિંઘની  વાર્તા જોશીને સ્પર્શી ગઈ, જે દ્રઢ મનોબળ, મક્કમતા અને કોઈની પાસેથી અપેક્ષા રાખ્યા વિના સર્વસ્વ આપવાની કથા હતી.

'ફૂંક દે ખુદ કો જ્વાલા જ્વાલા, બિન ખુદ જલે ના હોયે ઉજાલા' જેવી પંક્તિઓ જેટલી મિલખા સિંઘની જીવનસફરમાંથી ઉદ્ભવી છે તેટલી જ પોતાના અનુભવ સાથે પણ મેળ ખાય છે.

રાજાધિરાજઃ લવ લાઈફ લીલા - કૃષ્ણની નવકલ્પના

'ભાગ મિલખા ભાગ'ના મૂળ રમતગમત અને મક્કમતામાં જડેલા હતા તો 'રાજાધિરાજઃલવ લાઈફ લીલા' એક ભવ્ય, સાંસ્કૃતિક ઉજવણી છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે તેની બીજી સીઝનમાં આ નાટકની તેના ભાવનાત્મક ઉંડાણ અને દ્રશ્ય ભવ્યતા માટે ભારે પ્રશંસા થઈ છે.

અહીં તેઓ ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં ડૂબકી લગાવે છે, અને તેમના જીવનના પરિચિત તેમજ ઓછા જાણીતા પાસાને વણી લે છે. જોશી કહે છે કે આપણી સંસ્કૃતિ ગાઢ ચિંતન અને સહજ અભિવ્યક્તિ વચ્ચે સુંદર રીતે સંતુલિત છે. વીસ મૌલિક ગીતો સાથેના આ સંગીતમય નાટકમાં આ સંતુલન નજરે પડે છે.

શ્રુતિ શર્મા, સચિન-જીગર, રામ મોરી, નીતા લુલા, ઓમંગ કુમાર સહિતની રચનાત્મક ટીમ તેમજ નિર્માતાઓ ધનરાજ અને ભૂમિ નથવાની સાથે કામ કરતા જોશીના સંવાદો અને ગીતો કૃષ્ણની કથામાં શાશ્વત છતાં પ્રાસંગિક ગુણ ઉમેરે છે. તેમનો હેતુ કથા કહેવા ઉપરાંત સાંસ્કૃતિક  વિરાસતની ઉજવણીનો પણ હતો જે એક રીતે આધુનિક દર્શકો સાથે મેળ ખાય છે.

એઆઈના યુગમાં કથા કહેવાની શૈલી

એઆઈ દ્વારા ફિલ્મની વાર્તામાં ફેરફાર કરી શકાય તેવા યુગમાં જોશીનો અભિગમ વાસ્તવિક છે. તેઓ ટેકનોલોજીની કદર કરે છે અને એઆઈ તેમજ રચનાત્મક્તા વિશે વ્યાપક ચર્ચા કરવા ઉપરાંત તેમણે એક ભેદરેખા પણ દોરી છે. તેઓ કહે છે કે એઆઈ ડાટા વિશે છે, જે પહેલેથી કહેવાયું, લખાયું અથવા જોવાયું હોય તેના વિશે છે. બીજી તરફ માનવીય રચનાત્મક્તા અવ્યક્ત વિશે છે, જે હજી સુધી વ્યક્ત નથી કરાયું તેના વિશે છે.

જોશી માને છે કે હાલ સહભાગી વાર્તાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ તેમના મતે પરંપરાગત, માર્ગદર્શક કથાનક કાયમ સહઅસ્તિત્વમાં રહેશે. જોશી કહે છે કે આખરે તો વાર્તાની ગુણવત્તા મહત્વની છે. જોશીના મતે આલગોરિધમ ક્યારે પણ ભાવનાત્મક સત્યનું સ્થાન નહિ લઈ શકે.

આગામી પ્રોજેક્ટો

જોશી માટે ભાવિ ખુલ્લા કેન્વાસ જેવું છે. તેઓ કહે છે કે ફિલ્મો, રંગમંચ, પુસ્તક, જ્યાં પણ કહેવા લાયક કોઈ વાર્તા હશે અને જીવન મને અકથિત રહી ગયેલી અતિ સુંદર  અથવા અતિ તિક્ષ્ણ પળો આપે, ત્યાં મારી હાજરી ચોક્કસ હશે.

જોશીની સફર કવિતાના આત્મીય ક્ષેત્રથી લઈને સિનેમા અને થિયેટરના વ્યાપક મંચ સુધી તેમજ વૈશ્વિક બ્રાન્ડિંગના અતિ ઝડપી કોરિડોર સુધી પણ ફેલાયેલી છે.

એવો અવાજ જે ક્યારેય નબળો નહિ પડે

પ્રસૂન જોશીની કારકિર્દી મહાન વાર્તા લેખનને માધ્યમોનું બંધન નથી નડતું તેનો પુરાવો છે. પછી તે વર્ષો સુધી યાદ રહી જતું ફિલ્મનું ગીત હોય, પ્રેરણા આપતી પટકથા હોય, ચર્ચા જગાવતી જાહેરાત હોય કે પછી તમારો અભિગમ બદલી નાખતી કવિતા હોય, તેમનું કાર્ય મૌલિકતા, ભાવનાત્મક બુદ્ધિમતા અને રચનાત્મક સાહસનું દુર્લભ મિશ્રણ છે.