- 'મૈં 'મર્દાની-થ્રી' કામ કરતે વક્ત નર્વસ તો હુઆ હી થા ક્યોંકિ મૈં હિન્દી સિનેમા કી એક લેજન્ડ રાની મુખર્જી કે સાથે કામ કર રહા થા... એટલે મારે સેટ પર ખૂબ બધું હોમવર્ક કરીને આવવું પડતું હતું.'
યશરાજ ફિલ્મ્સની ફ્રેન્ચાઈસ 'મર્દાની'ની ત્રણેય ફિલ્મોમાં રાની મુખરજીનું પરફોર્મન્સ વખણાયું છે. કદકાઠીએ નાની અને નાજુક એકટ્રેસે પોતાની ટેલેન્ટના જોરે મહિલા કોપના પાત્રને પડદા પર સફળતાપૂર્વક જીવી બતાવ્યું છે. એ તો બહુ જાણીતી વાત થઈ, પરંતુ બહુ ઓછા લોકોએ નોંધી એક નવી વાત એ છે કે મર્દાની ફ્રેન્ચાઈસે બોલિવુડને વિલનના રોલમાં ટેલેન્ટેડ એકટર્સ આપ્યા છે. 'મર્દાની'માં તાહિર રાજ ભાસિન અને 'મર્દાની-૨'માં વિશાલ જેઠવાના દમદાર રોલ્સ એના બોલતા પુરાવા છે. હવે 'મર્દાની-૩'નો નવો વિલન પ્રાજેશ કશ્યપ ચર્ચામાં છે. પ્રાજેશનું પરફોર્મન્સ દર્શકો અને સમીક્ષકો-બંનેએ વખાણ્યું છે. એના અભિનયની ઇન્ડસ્ટ્રીમાં સારીએવી નોંધ લેવાઈ છે.
મુંબઈમાં થિયેટર કરીને એક્ટર તરીકે ઘડાયેલો પ્રાજેશ કશ્યપ આમ તો વરસોથી ઇન્ડસ્ટ્રીમાં છે. પ્રાજેશ એક્ટર ઉપરાંત રાઇટર અને મ્યુઝિશ્યન પણ છે. એણે મીરા નાયરની 'મોન્સૂન વેડિંગ' અને મેઘના ગુલઝારની 'સેમ બહાદુર'માં નોંધપાત્ર ભજવ્યા છે. પરંતુ એ છેક હવે 'મર્દાની-૩'ના ખલનાયક તરીકે લાઈમલાઈટમાં આવ્યો છે.
હમણાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં મુંબઈના મીડિયાએ કશ્યપને એને સકસેસ બદલ અભિનંદન આપી એની સાથે એક ટુંકુ ઇન્ટરએક્શન કરી લીધું. એને પહેલા જ પ્રશ્નમાં પૂછાયું કે 'મર્દાની'માં તાહિર રાજ ભાસિન અને 'મર્દાની-૨'માં વિશાલ જેઠવા પોતાના કામથી બધાને પ્રભાવિત કરી દીધા હતા. એ જોતા 'મર્દાની-૩'ના શુટિંગ દરમિયાન એમની સાતે સરખામણી થવાનું તારા ઉપર કોઈ પ્રેશર હતું ખરું? એનો વિગતવાર ખુલાસો કરતા પ્રાજેશ કહે છે, 'સર, હું એને પ્રેશર કહેવાનું તો પસંદ નહિ કરું. પરંતુ હા, એક જવાબદારીની ભાવના જરૂર હતી કે આ ફ્રેન્ચાઈસ એક્ટર્સના આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સીસને કારણે લોકોને ગમી છે. એટલે મારે પણ એ કસોટી પર ખરા ઉતરવું પડશે. તાહિર અને વિશાલ બંનેના રોલ અતુલનીય છે પણ મેં એમના કામને પ્રેશરની દ્રષ્ટિએ જોયું નથી. જો મેં એને પ્રેશર ગણ્યું હોત તો હું સારું પરફોર્મન્સ ન આપી શકત. મારી શક્તિ સરખામણી કરવામાં જ ખર્ચાઈ જાત અને હું મારા રોલને ૨૦૦ ટકા ન આપી શકત.'
સમય બહુ સીમિત હતો એટલે પત્રકારો એ પ્રાજેશને બીજા જ પ્રશ્ન પૂછ્યું, રાની મુખરજી સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો? એની સાથે શુટિંગ કરતી વખતે નર્વસ નહોતા થયા? આવી પૃચ્છા સાંભળી એક્ટરને હસવું આવી જાય છે, 'સર, નર્વસ તો હોઉંગા હી ક્યોંકિ મૈં હિન્દી સિનેમા કી એક લેજન્ડ કે સાથે કામ કર રહા થા. એટલે મારે સેટ પર હોમવર્ક કરીને આવવું પડતું. બહુ હાર્ડ વર્ક કરવું પડયું. મારી પાસે ડિરેક્ટરની શું અપેક્ષા છે એ પુરી કરવા રેડી રહેવું પડતું. પરંતુ મને એક્ટર તરીકે પોતાની ક્ષમતામાં પૂરો વિશ્વાસ હતો. ખરું કહું તો રાની મેમ સાથે કામ કરવામાં બહુ આનંદ આવ્યો. એમની પાસેથી ઘણું શીખવા જેવું છે. એમના જેવી હસ્તીથી અંજાયા વિના કોણ રહી શકે? હું પણ શરૂમાં એમને જોને અવાચક બની જતો પણ પછી અમે એકબીજા સાથે સારા એવા ભળી ગયા. એનો મોટાભાગનો શ્રેય મેમને જાય છે. સેટ પર હું કમ્ફર્ટેબલ રહું એનું તેઓ ખાસ ધ્યાન રાખતા. સેટ પર એમનો સંગાથ એક યાદગાર અનુભવ બની રહ્યો.'


