કોઇએ કલાકાર બનવું હોય તેને કોઈ અટકાવી નહીં શકે, રોકી નહીં શકે. આવી વ્યક્તિ તો પૂરપાટ ગતિએ તેના લક્ષ્ય ભણી દોડી જાય છે. આજે અહીં આવી જ એક કલાકારની વાત કરવી છે, જેણે કેટલી પૂરપાટ ગતિએ તેના અભિનયના શિખર સર કરી લીધા છે. આ દશ વર્ષની બાળ કલાકારનું નામ છે હાર્દિકા શર્મા! તેણે આટલી નાની વયે પણ અભિનય, સ્કૂલ અને ભવિષ્યના અવનવા સ્વપ્ન તો સેવ્યા છે સાથોસાથ એક પછી એક સ્વપ્ન સાકાર પણ કરી રહી છે. આ બધા ઉપરાંત ગમતી હોરર ફિલ્મો વચ્ચે પણ તે સંતુલન જાળવે છે. શુટિંગના બિઝી શિડયુલ વચ્ચે હાર્દિકા તેના અભ્યાસને પણ અનુસરે છે, તો જાણીએ આ બાળકલાકારની વાત!
દશ વર્ષની હાર્દિકા શર્મા અત્યારે હોરર ફિલ્મ 'છોરી-૨' કરી રહી છે. આ ફિલ્મ હાર્દિકા નુસરત ભરૂચાની પુત્રીની ભૂમિકા ભજવે છે. આ સંદર્ભે હાર્દિકા કહે છે, 'તમે નહીં માનો પણ મને તો વિશ્વની કોઈ પણ વસ્તુનો ડર નથી લાગતો. જ્યારે અમે બધા મારી નાનીના ઘરે 'ધ કોન્ઝ્યુરિંગ' જેવી હોરર ફિલ્મ જોતા હતા ત્યારે તો હું ખૂબ જ નાની હતી. મને એ ફિલ્મ ખૂબ જ રમૂજી લાગતી.'
હાર્દિકાએ ઘણી ફિલ્મોમાં અને વેબ-સીરિઝમાં કામ કર્યું છે, જેમાં 'સિટાડેલ હની-બન્ની', 'કોલ મી બી', 'હંગામા-૨', 'એ થર્સ ડે', 'ધ ફ્રીલાન્સર', 'સોની કી સ્કૂટી', 'મોમ્બે', 'અસૂર-૨', 'હન્ટર', 'બ્લેકઆઉટ', '૩૬ ડેઝ' અને 'ત્રિભુવન મિશ્રા સીએ ટોપર'નો સમાવેશ થાય છે.
હાર્દિકાએ સારા અલી ખાન, અનન્યા પાંડે અને સામંથા રૂથ પ્રભુ જેવી અભિનેત્રીઓની નાનપણની ભૂમિકા ભજવી ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી છે. તેની આગામી ફિલ્મ 'રક્ત બ્રહ્માંડ' છે.
હાર્દિકાનો જન્મ દિલ્હીમાં જ થયો છે અને તે ત્યાં જ ઉછરી છે. જ્યારે તેના પિતાની નોકરી બદલાઈ ત્યારે તે દિલ્હીથી પુણે રહેવા ગઈ અને એ પછી તેના વડિલોએ એવો નિર્ણય કર્યો કે હવે મુંબઈ જઈએ કેમ કે હાર્દિકાની વિવિધ પ્રોજેક્ટ માટે પસંદગી થતી હતી, જેમાં કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડસની જાહેરાત હતી.
હાર્દિકાને કરિના કપૂર ખૂબ ગમે છે કેમ કે તેની સાથે તો હાર્દિકાએ સંખ્યાબંધ જાહેરાતોમાં કામ કર્યું છે. આ બધા વચ્ચે શાળાનું શું?
'હું ઘણી ઝડપથી શીખી જાઉં છું અને મારી શાળા પણ મને ઘણો સપોર્ટ કરે છે અને શુટિંગ માટેની તારીખ ફાળવવા રજા પણ આપી દે છે. મને ઘણા સારા શિક્ષકો મળ્યા છે અને મારા મિત્રો ખૂબ જ ઉમદા છે. મને મારા શિક્ષકો અલગ રીતે બધુ સમજાવી દે છે અને અભ્યાસની દરેક બાબત એપ પર અપલોડ કરી આપે છે. મારે તો મોટાં થઈને કોલેજ પણ જવું છે.હું એક કલાકાર છું, પણ મારી પણ એક યોજના છે. મારે સાયન્ટિસ્ટ બનવું છે. મને વિજ્ઞાાન ખૂબ જ ગમે છે. તેમાંય ખાસ કરીને વિજ્ઞાાનના પ્રયોગો! અત્યારે તો મારી પાસે કેમેસ્ટ્રી નથી, પણ બાદમાં હું તેની પસંદગી કરીશ,' એમ હાર્દિકા શર્માએ જણાવ્યું હતું.


