- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાર વર્ષનો સમયગાળો વિતાવ્યા પછી પૂજા કહે છે કે મેં કરીઅરમાં ઘણી ભૂલો કરી છે, પણ હું તેમાંથી શીખી છું અને સરવાળે મેં પ્રગતિ કરી છે.
૨૦૨૫મું વર્ષ પૂજા હેગડે માટે નોંધપાત્ર રહ્યું છે. પૂજા આમ તો બોલિવુડમાં કમનસીબ સાબિત થઈ છે. હૃતિક રોશન, રણવીર સિંહ જેવા સુપરસ્ટાર્સ સાથે કામ તો કર્યું, પણ આ ફિલ્મો ફ્લોપ થઈ ગઈ. એ જોકે હિંમત ન હારી અને સાતત્યપૂર્વક કામ કરતી રહી. પૂજાને સાઉથ ફળ્યું છે. આ વર્ષે 'સુરીયા' સામે 'રેટ્રો'માં તેના અભિનયની ભારે પ્રશંસા થઈ. રજનીકાંતની 'કૂલી'માં તેની કદર થઈ.
આજના યુગના સિનેમાની અનિશ્ચિતતા વિશે મંથન કરતા પૂજા કબૂલ કરે છે કે આજે ફિલ્મ ઉદ્યોગ અગાઉ કરતા વધુ અનિશ્ચિત બન્યો છે. છતાં લોકો થિયેટરમાં જઈને ફિલ્મો જોવાના અનુભવથી કંટાળ્યા નથી. થિયેટરનું આકર્ષણ હજી પણ શક્તિશાળી છે. ઓડિટરોરિયમમાં જે એકાગ્રતાથી આપણે ફિલ્મ જોઈએ છીએ અને કમ્યુનિટી વ્યુઇંગની જે ફીલિંગ આવે છે તે ઘરે ટીવી પર કે મોબાઇલમાં ફિલ્મ જોતી વખતે આવવો શક્ય જ નથી.
પૂજા માને છે કે જ્યારે કોઈ ફિલ્મ ચોક્કસ અનુભવની ખાતરી આપે - પછી તે વાર્તા હોય, સંગીત હોય કે વ્યાપક સ્તરનું મનોરંજન હોય - ત્યારે દર્શકો થિયેટર પ્રત્યે ચોક્કસ આકર્ષાય છે.
પૂજાની આગામી ફિલ્મો ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ટૂંક સમયમાં જ વરૂણ ધવન સામે 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' ઉપરાંત વિજયની 'જન નાયાગન'માં એ દેખાશે. વરુણ અને પૂજાની જોડીમાં નાવીન્ય છે એ એક પ્લસ પોઇન્ટ છે. જોકે પૂજા સ્પષ્ટતા કરે છે કે હું ફિલ્મોની પસંદગી તેમાં હીરો કોણ છે તેના આધારે નહીં, પણ સમગ્રપણે પટકથા મને કેવી અપીલ કરે છે, તેના આધારે કરું છું. દિગ્દર્શકનું વિઝન પર મારા માટે ખૂબ જરૂરી છે.
પૂજાની કરીઅર જ એવી છે કે એણે ચેન્નઈ, હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે સતત ઉડાઉડ કરતા રહેવું પડે. થોડા દિવસો પહેલાં એનો જન્મદિવસ હતો, જે એણે પરિવાર સાથે મોજપૂર્વક ઊજવ્યો. પૂજા કહે છે કે મારે એટલી બધી મુસાફરી કરતા રહેવી પડે છે કે પરિવાર સાથે થોડો સમય વિતાવવા મળે તો પણ તે મારા માટે અમૂલ્ય બની જાય છે.
સિને ઉદ્યોગમાં બાર વર્ષનો ગાળો વિતાવ્યા પછી પૂજા કહે છે કે મેં પણ ભૂલો કરી છે, પણ હું તેમાંથી શીખી છું, મારી જાતને સંવારી છે અને પ્રગતિ કરી છે.
પૂજાની કારકિર્દી પણ એક રોલરકોસ્ટર રાઈડ જેવી રહી છે. તેમાં 'મહર્ષિ' (૨૦૧૯), 'આલા વૈકુંઠપુરમુલૂ' (૨૦૨૦), 'મોસ્ટ એલિજિબલ બેચલર' (૨૦૨૧) અને 'બીસ્ટ' (૨૦૨૨) જેવાં કીર્તિમાન પણ સ્થપાયાં છે. પૂજાને જાણ છે કે તેણે હજી ઘણી લાંબી મઝલ કાપવાની છે. એ કહે છે કે આ વર્ષે મારે માત્ર પડકારજનક રોલ ધરાવતી ફિલ્મો જ કરવી હતી. આથી હું એક પગલુ પાછળ હટી અને જે ફિલ્મસર્જકો મને ઉત્સાહિત કરે તેમની સાથે જ કામ કરવાનું નક્કી કર્યું.
ત્રણ ભાષાની ફિલ્મોમાં કામ કરતી પૂજાને ભાષાકીય સરહદો ઓળંગીને તમામ પ્રકારના દર્શકો સાથે જોડાવવાની હોંશ છે. પૂજા કહે છે કે આ વર્ષે મારે વધુ હિન્દી ફિલ્મો કરવી છે અને દક્ષિણ સાથે સંતુલન કરવાનો પ્રયાસ કરવો છે. મને આશા છે કે દર્શકો મારું કામ માણી શકશે, પછી ભલેને તે કોઈપણ ભાષામાં હોય.


