પૂજા ગૌર : દિલ રડતું હોય તોય હસતા મોઢે કામ કર્યું છે
- બધાં માધ્યમોમાં અભિનયક્ષમતાનો પરચો બતાવનાર પૂજાને એ વાતનો આનંદ છે કે હવે ટચુકડા પડદાના કલાકારોને ફિલ્મોમાં કામ મેળવવા ઝાઝો સંઘર્ષ નથી કરવો પડતો.
ધારાવાહિક 'મન કી બાત પ્રતિજ્ઞા'થી ટચૂકડા પડદે મોટી ઓળખ ઊભી કરનાર અભિનેત્રી પૂજા ગૌરે પછીથી 'કેદારનાથ' ફિલ્મ સાથે ૭૦ એમએમના પડદે કૂદકો માર્યો. અને આજની તારીખના સર્વાધિક લોકપ્રિય માધ્યમ ઓટીટી પર પણ 'ગન્સ એન્ડ ગુલાબ્સ' તેમ જ 'આઈસી ૮.૧૪ : ધ કાંધાર હાઇજેક' જેવી લોકપ્રિય વેબ સીરિઝમાં કામ કર્યું. તાજેતરમાં રજૂ થયેલી સીરિઝ 'અદ્રશ્યમ-૨'માં તેણે ભજવેલી સાહસિક એજન્ટ 'દુર્ગા'ની પણ ખાસ્સી પ્રશંસા થઈ રહી છે.
એક પછી એક ત્રણ માધ્યમોમાં પોતાની અભિનય ક્ષમતાનો પરચો બતાવનાર પૂજાને એ વાતની ખુશી છે કે હવે ટચૂકડા પડદાના કલાકારોને ફિલ્મોમાં કામ મેળવવા ઝાઝો સંઘર્ષ નથી કરવો પડતો. તે કહે છે કે એ સમય વિતી ગયો જ્યારે ટીવી પર કામ કરતાં કલાકારોને ફિલ્મોદ્યોગમાં કામ કરવા લાંબો સંઘર્ષ કરવો પડતો. હવે દરેક માધ્યમ સારા કલાકારોની તલાશ કરે છે. ટીવી અને ફિલ્મી કલાકારો વચ્ચેની ભેદરેખા ઝાંખી પડી ગઈ છે. અને હું પ્રત્યેક નવું કામ અગાઉના કામ કરતાં વધુ સારી રીતે કરવાનો પ્રયાસ કરું છું. કોણે, ક્યારે, કોને શું કહ્યું એ વાત પર હું જરાય ધ્યાન નથી આપતી.
અદાકારાએ 'પ્રતિજ્ઞા', 'એજન્ટ દુર્ગા'માં સશક્ત ભૂમિકાઓ અદા કરી છે. પૂજા કહે છે કે સદ્ભાગ્યે મને આવા શક્તિશાળી પાત્રોની જ ઑફર આવે છે. શક્ય છે કે નિર્માતાઓને મારામાં કોઈક ખૂબી નજરે પડી હશે. મહત્વની વાત એ છે કે હું પોતે પણ મેં ભજવેલા પાત્રોમાંથી પ્રેરણા લઉં છું. અભિનેત્રી વધુમાં કહે છે કે 'દુર્ગા'માંથી હું અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે તાલમેલ બેસાડતાં શીખી.
પૂજા માટે કામ જ ખરેખર ભગવાનની પૂજા સમાન ગણાય. કદાચ આ કારણે જ તે કોઈપણ સંજોગોમાં વ્યક્તિગત મૂડને સાર્વજનિક રીતે દર્શાવતી નથી. આ બાબતે અદાકારા એક ઉદાહરણ આપતાં કહે છે કે મારો શો 'પ્રતિજ્ઞા' ચાલી રહ્યો હતો ત્યારે મને મારા નાનીમાનું નિધન થયું. તે સમયમાં અમે અવિરત શૂટિંગ કરી રહ્યાં હતાં. તે વખતે એવી સ્થિતિ હતી કે દિવસ દરમિયાન જે તે એપિસોડનું શૂટિંગ થતું અને સાંજે ટેલિકાસ્ટ. આવી સ્થિતિમાં કોઈપણ કલાકાર માટે શૂટિંગ પરથી રજા લેવાનું શક્ય નહોતું. મારા નાનીમાના નિધનના સમાચારે મને હચમચાવી મૂકી હતી. મારી વિડંબણા એ હતી કે મને ખુશી મનાવવાના દ્રશ્યોનું શૂટિંગ કરવાનું હતું.
છેવટે 'શો મસ્ટ ગો ઓન' ધ્યાનમાં લઈને મેં રડતા મને ચહેરો હસતો રાખીને શૂટિંગ કર્યું હતું.
પૂજાએ શોખ માટે શીખેલી કિક બૉક્સિંગ તેને 'એજન્ટ'ના રોલમાં ખપ લાગી. અદાકારા કહે છે કે હું માત્ર જિમ કરવા નહોતી ઇચ્છતી. મને તેની સાથે બીજું કાંઈક પણ શીખવું હતું. તેથી મેં કિક બૉક્સિંગ પર પસંદગી ઉતારી. જોકે મેં તેની બેસિક તાલીમ જ લીધી હતી. આમ છતાં મને 'એજન્ટ'ની ભૂમિકા માટે તે ખપ લાગી હતી.