પત્રલેખા : સમાજસુધારક સાવિત્રીબાઈ ફુલેનું પાત્ર ભજવવું જરાય સહેલું નહોતું
- 'પહેલા ક્યારે કોઈ મારી સામે ગંદી નજરે જોતું કે રસ્તા પર અભદ્ર ટિપ્પણી કરતું, અણછાજતો સ્પર્શ કરતું ત્યારે હું ત્યાંથી ચૂપચાપ નીકળી જતી... પરંતુ રાજકુમારે મને તેની સામે અવાજ ઉપાડવાનું શીખવ્યું.'
હિન્દી ફિલ્મોદ્યોગમાં કદમ માંડતાવેંત પોતાના અભિનય દ્વારા દર્શકોને પ્રભાવિત કરનારા કલાકારો માટે એમ માની લેવામાં આવે છે કે હવે તેના દરવાજે નિર્માતાઓની કતાર લાગી જશે. પરંતુ દર વખતે આવું બનતું નથી. અભિનેત્રી પત્રલેખાએ એક દશકથી પણ પહેલા 'સિટી લાઈટ્સ' (૨૦૧૪)ના માધ્યમથી હિન્દી ફિલ્મોમાં કામ કરવાનો શુભારંભ કરેલો. તેણે પોતાના લાજવાબ અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં. આમ છતાં તેને લગભગ દસેક વર્ષ સુધી સારી ફિલ્મોની ઑફરો ન મળી. પણ હવે એવું લાગે છે કે તેના નસીબ આડેનું પાંદડું ખસ્યું છે. એને હવે 'આઈસી ૮૧૪ ધ કંધાર હાઈજેક' જેવી વેબ સીરિઝ અને 'ફુલે' જેવી ફિલ્મો મળી રહી છે.
જોકે પત્રલેખા આવા વિલંબ બદલ પોતાને દોષી નથી માનતી. તે કહે છે કે તેમાં મારી કોઈ ભૂલ નથી. હું મારું કામ પૂરી લગન અને ઈમાનદારીથી કરું છું. પરંતુ જો લોકોને મારું કામ કે મારો ચહેરો પસંદ ન ગમે તેમાં મારો શો વાંક? હા, કદાચ મારા ભાગ્યમાં આ સમય દરમિયાન સારા પાત્રો ભજવવાનું લખ્યું નહીં હોય. પત્રલેખાની 'ફૂલે' ગયા શુક્રવારે રિલીઝ થઈ. તેમાં પત્રલેખાએ સમાજ સુધારક 'સાવિત્રીબાઈ ફુલે'ની ભૂમિકા ભજવી છે. અભિનેત્રી પોતાની આ મૂવી વિશે કહે છે કે મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ તે સમયમાં સમાજ માટે જે કર્યું તે કરવાની આપણે કલ્પના પણ નથી કરી શકતાં. તેમણે સમાજ સુધારણા માટે પોતાના જીવન ખપાવી દીધાં. તેઓ પોતાના માટે નહીં, અન્યો માટે જ જીવ્યાં. તેઓ માનવીના સ્વરૂપમાં ઈશ્વર હતાં. આવા મહાન વ્યક્તિત્વને પડદા પર રજૂ કરવું એ મારા માટે મોટી જવાબદારી હતી.
સાવિત્રીબાઈ ફૂલેએ આપણા સમાજમાં રહેલા છોકરા-છોકરી વચ્ચેના ભેદને મીટાવવા ઝૂંબેશ ચલાવી હતી. અલબત્ત, આજે પણ આ તફાવત સમગ્રતયા નાબૂદ નથી થયો. પત્રલેખા કહે છે કે તેનો આરંભ આપણા પોતાના ઘરમાંથી જ કરવો રહ્યો. જો સમાજની દરેક માતા જ પોતાના પુત્ર-પુત્રી વચ્ચે ભેદ ન કરે તો છોકરા-છોકરી વચ્ચે રહેલો તફાવત દૂર કરવો મુશ્કેલ નથી. તે પોતાના ઘરની જ વાત કરતાં કહે છે કે મારા માતાપિતાએ મને, મારી બહેનને અને મારા ભાઈને એકસમાન રીતે ઉછેર્યાં છે. એવું ક્યારેય નથી બન્યું કે મારા ભાઈને જે મળે તે અમને ન મળે. હા, એક યુવતી હોવાના નાતે ઘરની બહાર મને ઘણું સહન કરવું પડયું છે.
મહત્વની વાત એ છે કે પત્રલેખાનો પતિ, અભિનેતા રાજકુમાર રાવ પણ આવા જ સંસ્કારો સાથે ઉછર્યો હોવાથી તે પત્રલેખાને પોતાની બરાબરીની જ માને છે. અદાકારા કહે છે કે અમારાં લગ્નમાં અમે બંનેએ એકમેકને સિંદૂર લગાવ્યું હતું. રાજકુમારના મમ્મી બહુ સ્ટ્રોંગ હતાં. તેમણે જે તેને શીખવ્યું હતું કે પત્નીને સમાન દરજ્જો આપવો જોઈએ, તેનું માન જાળવવું જોઈએ. અમારા ઉછેર થકી અમે એકબીજાને એકસરખું માન આપીએ છીએ. આ અમારું વ્યક્તિત્વ છે.
પત્રલેખા જ્યારે સ્ત્રી-પુરૂષ સમાનતાની વાત કરતી હોય ત્યારે એવો પ્રશ્ન થવો સહજ છે કે શું તેની સાથે ક્યારેય કોઈ અભદ્ર વ્યવહાર થયો હોય ત્યારે તેણે શું કર્યું હતું? આના જવાબમાં અદાકારા કહે છે કે તેની સામે અવાજ ઉપાડવાનું હું બહુ મોડે માડેથી શીખી. પહેલા ક્યારે કોઈ મારી સામે ગંદી નજરે જોતું કે રસ્તે ચાલતાં અભદ્ર ટિપ્પણી કરતું, અણછાજતો સ્પર્શ કરતું ત્યારે હું ત્યાંથી ચૂપચાપ, માથું નીચે કરીને નીકળી જતી, પરંતુ રાજકુમારે મને તેની સામે અવાજ ઉપાડવાનું શીખવ્યું. ત્યારથી હું આવા કોઈપણ વ્યવહારને સાંખી નથી લેતી.
અદાકારાએ ફિલ્મ 'ટોસ્ટર' દ્વારા નિર્માણ ક્ષેત્રે પણ કદમ માંડી દીધાં છે. પત્રલેખા કહે છે કે હું ચાર-પાંચ વર્ષથી નિર્માણ ક્ષેત્રે આવવા માગતી હતી. પરંતુ આવા કાર્યો લાંબો સમય, પરિશ્રમ અને આયોજન માગી લે છે. ગયા વર્ષે અમે આ ફિલ્મ ઓટીટી માટે બનાવવાનો વિચાર કરેલો. તેમને પણ ફિલ્મ ગમી. રાજકુમારને પણ પોતાના ભાગે આવેલું કિરદાર ગમી ગયેલું તેથી તેના ફિલ્માંકનનું કામ શરૂ કરી દીધું. અલબત્ત, આ પ્રક્રિયા ઘણી મુશ્કેલ અને મગજનું દહીં કરી નાખનારી છે. પરંતુ તેમાં સર્જનાત્મકતાનો અનેરો લ્હાવો પણ છે જ.