પાર્થ ઓઝા: મલ્ટિ-ટાસ્કિંગનો મંત્ર .

- 'હું જ્યારે સિંગર કે એક્ટર હોઉં છું ત્યારે શત-પ્રતિશત સિંગર યા એક્ટર હોઉં છું, પોતાની જાત પ્રત્યે સહેજ પણ દયાભાવ રાખ્યા વિના. એ જ પ્રમાણે હું જ્યારે ડોક્ટર હોઉં છું ત્યારે શત-પ્રતિશત ડોક્ટર હોઉં છું, વિધાઉટ મર્સી ટુ માયસેલ્ફ!'
ઓ કે, તો પાર્થ ઓઝાને આપણે શું કહીશું - ડોક્ટર પાર્થ ઓઝા, સિંગર પાર્થ ઓઝા કે એક્ટર પાર્થ ઓઝા?
'નવરાત્રિ નજીક છે એટલે તમે મને અત્યારે સિંગર પાર્થ ઓઝા જ કહો!' પાર્થ હસીને વાતચીતની શરૂઆત કરે છે.
બિલકુલ. નવરાત્રિ દરમિયાન પાર્થ મંચ પરથી સૂરીલા ગીતો છેડીને અમદાવાદીઓને ગરબે રમાડવામાં બિઝી બિઝી થઈ જવાના છે. એકદમ એમના પપ્પા સંજય ઓઝાની જેમ. ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં નવરાત્રિ પર્ફોર્ર્મન્સીસની વાત આવે ત્યારે છેલ્લાં કેટલાંય વર્ષોેથી સંજય ઓઝા સતત એક મહત્ત્વનું નામ બનીને ઊપસતા રહ્યા છે.
'ઇન ફેક્ટ, હું આજની તારીખે પણ પપ્પા પાસેથી શીખી રહ્યો છું,' પાર્થ કહે છે, 'રિયાઝ કેવી રીતે કરવો, લાઇવ પર્ફોર્મન્સીસ આપતી વખતે કઈ બાબતો ધ્યાન રાખવી, વગેરે. અમારા પરિવારમાં પહેલેથી જ કળાનું વાતાવરણ રહ્યું છે. મારાં દાદી ઉમાબેન ઓઝા એમના જમાનામાં એક્ટર-સિંગર હતાં. તેઓ સુગમ સંગીત અને ગરબા ગાતાં. નરસિંહ મહેતાની પ્રસિદ્ધ કૃતિ 'જળકમળ છાંડી જાને બાળા...' સૌથી પહેલી વાર મારાં દાદી અને કેતુમાન નામના ગાયકના અવાજમાં સ્વરબદ્ધ થઈ હતી.'
પાર્થે પદ્ધતિસર ગાયન શીખવાની શરૂઆત બીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ કરી દીધી હતી. મેવાતી ઘરાનાના પંડિત કૃષ્ણકાંત પરીખ એમના ગુરુ. પછી નીરજ પરીખ પાસેથી પણ તેમણે તાલીમ લીધી હતી. બારમા ધોરણમાં સરસ માર્ક્સ મેળવી મેરિટ પર રોજકોટની મેડિકલ કોલેજમાં એડમિશન લઈ એમબીબીએસનું ભણવા લાગ્યા. મજાની વાત એ હતી કે કલાકાર જીવ હોવા છતાં એમબીબીએસ કરતી વખતે તેમના દિલ-દિમાગમાં કશો આંતરિક વિરોધ કે વિદ્રોહ ન હતો. એમણે ડોક્ટરીનો અભ્યાસ સરસ રીતે પૂરો કર્યો, યુનિવસટી લેવલ પર ટોપ-ટેનમાં સ્થાન પામીને.
'હું મારી જાત સાથે ખૂબ સખ્તાઈથી વર્તતો હોઉં છું,' પાર્થ કહે છે, 'હું જ્યારે સિંગર કે એક્ટર હોઉં છું ત્યારે શત-પ્રતિશત સિંગર યા એક્ટર હોઉં છું, પોતાની જાત પ્રત્યે સહેજ પણ દયાભાવ રાખ્યા વિના. એ જ પ્રમાણે હું જ્યારે ડોક્ટર હોઉં છું ત્યારે શત-પ્રતિશત ડોક્ટર હોઉં છું, વિધાઉટ મર્સી ટુ માયસેલ્ફ!'
ડોક્ટરની ડિગ્રી લીધા પછી પાર્થે દોઢેક વર્ષ ઇન્ટર્નશિપ કરી. સમાંતરે સંગીતના કાર્યક્રમો પણ થતા રહ્યા. આખરે એ ક્ષણ આવી જ્યારે પાર્થે નક્કી કરવાનું હતું કે જીવનમાં પ્રાયોરિટી કોને આપવી છે - ડોક્ટરીને કે ગાયકીને? પાર્થે ગાયકી તરફ પૂરજોશથી આગળ વધવાનું નક્કી કર્યું. તેઓ કહે છે, 'મારી ગાયકીની કરીઅરમાં સાત-આઠ વર્ષનો ગેપ આવી ગયો હતો. દરમિયાન મારા સમકાલીન ગાયકોએ સતત ગાતા રહીને પોતાનું સ્થાન બનાવી લીધું હતું. મારે મારી ગાયકીને ન્યાય કરવાનો હતો, મારું પોઝિશનિંગ સુનિશ્ચિત કરવાનું હતું અને મને જે પારિવારિક વારસો મળ્યો છે તેને જરાય ક્ષતિ ન પહોંચે તેનું ધ્યાન પણ રાખવાનું હતું. મને ઘણા લોકો સલાહ આપતા કે તું કળાના અનિશ્ચિત ક્ષેત્રમાં શા માટે જાય છે? એના કરતાં મેડિકલ પ્રેક્ટિસ પર જ ધ્યાન આપને! ગાવા-બજાવાનું હોબી તરીકે રાખ. આજે હવે ગાયક તરીકે હું સફળ થયો છું ત્યારે એ જ લોકો મને કહે છે કે તું ફુલટાઇમ ડોક્ટર બનવાને બદલે ગાયક બન્યો એ બહુ સારું થયું.'
અલબત્ત, ક્ષેત્ર બદલવાને કારણે મેડિકલની એક સીટ વેડફાઈ જાય તે પણ પાર્થને મંજૂર નહોતું. એમણે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપીનો દોઢ વર્ષનો લોન્ગ-ડિસ્ટન્સ કોર્સ કર્યો. આજની તારીખે પણ આ ક્ષેત્રમાં એમનું આર-એન્ડ-ડી ચાલી જ રહ્યું છે. ઇન ફેક્ટ, જલસો એપ પર મ્યુઝિક થેરાપી વિશેની તેમના છએક પોડકાસ્ટની એક મસ્તમજાની શૃંખલા છે, જે જાણવા-માણવા જેવી છે.
'એમબીબીએસ પછી મેં સંગીતની તાલીમ લેવાનું ફરીથી શરૂ કર્યું. એ બે-ત્રણ વર્ષ મારા જીવનનો ગોલ્ડન પિરીયડ છે,' પાર્થ કહે છે.
૨૦૧૦થી 'સંજયભાઈના બાબા'એ નવરાત્રિમાં અમદાવાદનાં તમામ મુખ્ય કેન્દ્રો પર લાઇવ પર્ફોર્મન્સીસ આપવાનું શરુ કર્યું.
'ઓહ, ઇટ વોઝ મિરેક્યુલસ!' પાર્થ કહે છે, 'આ મારો કમ્ફર્ટ ઝોન હતો. બધું સચવાયેલું હતું, પણ મારે ઓછા સમયમાં ઘણું બધું શીખવાનું હતું. તમે ગમે તેટલાં રિહર્સલ્સ કરો, પણ લાઇવ પર્ફોર્મન્સ બહુ અલગ વસ્તુ છે. તમે આગમાં કૂદો ત્યારે જ ખબર પડે કે કેટલું દઝાય છે!'
૨૦૧૨માં પાર્થે મુંબઈ જઈને નસીબ અજમાવવાનું નક્કી કર્યું. મુંબઈ શિફ્ટ થઈને તેઓ સંઘર્ષ કરતા કોઈ પણ નવોદિતની જેમ સંગીતકારોને મળતા, ઓડિશન આપતા. તેમણે ટીવી કમર્શિયલ્સ માટે મોડલિંગ-અભિનય કરવાનું શરુ કર્યું. વિપુલ મહેતા દિગ્દર્શિત એક મેઇનસ્ટ્રીમ ગુજરાતી નાટકમાં અભિનેતા તરીકે છેક ગ્રાન્ડ રિહર્સલ સુધી સંકળાયેલા રહ્યા, પણ કોઈક કારણસર તેઓ આ નાટક ન કરી શક્યા. તેઓ મુંબઈ શિફ્ટ જરુર થયા હતા, પણ અમદાવાદ સાથેનો સંબંધ છોડયો ન હતો. મ્યુઝિકલ શોઝ વગેરે માટે તેઓ અવારનવાર અમદાવાદ આવ-જા કરતા. 'બેઝિકલી, હું કળાનાં જુદાં જુદાં ડાયમેન્શન્સને એક્સપ્લોર કરી રહ્યો હતો,' પાર્થ કહે છે, 'મુંબઈના એ ત્રણ વર્ષના ગાળામાં મેં ઘણું લર્નિંગ અને અનલર્નિંગ કર્યું. દરમિયાન મારું ગુજરાતનું મ્યુઝિક માર્કેટ એકાએક વધવા માંડયું. મને 'હુતુતુ-આવી રમતની ઋતુ' નામની ગુજરાતી ફિલ્મમાં એક્ટિંગની ઓફર મળી અને મેં ગુજરાતી સિનેમામાં અભિનેતા તરીકે શરુઆત કરી.'
એ વર્ષ હતું ૨૦૧૬નું. પછી તો 'પેલા અઢી અક્ષર', 'મિડનાઇટ વિથ મેનકા' અને 'બેકબેન્ચર' જેવી ગુજરાતી ફિલ્મોમાં તેઓ બિગ સ્ક્રીન પર દેખાયા. ગુજરાતી સિનેમામાં પ્લેબેક સિંગિંગની શરુઆત તો ૨૦૧૫થી જ કરી દીધી હતી, 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ'થી. તે પછી 'આપણે તો છીએ બિન્દાસ', 'દેવાંગ', 'અરમાન', 'પાગલપંતી', 'બહુ ના વિચાર' જેવી ફિલ્મો માટે પાર્થે ગીતો ગાયાં. તેઓ કહે છે, 'એક એક્ટર તરીકે હું ખુદને આજે પણ સતત ડિસ્કવર કરી રહ્યો છું. મને હવે સમજાઈ રહ્યું છે કે હું કયા પ્રકારના રોલ્સમાં, કેવી બોડી લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ હોઉં છું. મને આનંદ છે કે મને બધી ફિલ્મોમાં એકબીજા કરતાં વેગળી ભુમિકાઓ ભજવવાનો મોકો મળ્યો છે.'
પાર્થની આગામી ફિલ્મનું નામ છે, કિર્તન પટેલની 'રંગ જો લાગ્યો'. 'સમજોને કે આમાં હું કબીર સિંહની થોડીક સુધરેલી આવૃત્તિ બન્યો છું - મારી પર્સનાલિટી કરતાં સાવ વિપરીત. આ સિવાય મારી ઓર એક ફિલ્મ આવવાની છે, જેનું વર્કિંગ ટાઇટલ 'આનું મારે શંુ કરવું?' છે. ેઅશોક પટેલ ડિરેક્ટર છે અને કિંજલ રાજપ્રિય, મનોજ જોશી અને વંદના પાઠક મારાં સહકલાકારો છે,' પાર્થ કહે છે.
ટૂંકમાં, પાર્થ મલ્ટિટાસ્કિંગમાં પારંગત થઈ ચૂક્યા છે. નવરાત્રિ-સુગમ સંગીત-બોલિવુડ સિંગિંગના લાઇવ શોઝ કરવા, સ્ક્રીન પર હીરોગીરી કરવી અને સાથે સાથે તબીબી ક્ષેત્ર સાથે પણ કોઈક સ્તરે સંધાન જાળવું રાખવું - આ સહેલું નથી. ગાવું, અભિનય કરવો અને ડોક્ટર હોવું - પાર્થને આ ત્રણમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવે તો તેઓ શું કરે?
'આ ત્રણેય મારા જ વ્યક્તિત્ત્વના અંશો છે એટલે કોઈ એકને સિલેક્ટ કરવું મુશ્કેલ છે,' કહીને પાર્થ ઓઝા સમાપન કરે છે, 'છતાંય જો જવાબ આપવો જ હોય તો હું એમ કહી શકું કે હું સંગીત મારી ટોપમોસ્ટ પ્રાયોરિટી છે.' ઓલ ધ બેસ્ટ, પાર્થ.

