વિનાશક આગમાં ઘર ગુમાવનાર પેરિસ હિલ્ટને ફરી મેન્શન ખરીદ્યું
- પેરિસ હિલ્ટનના નવા ઘરમાં બે માળની તો લાયબ્રેરી છે. ખાનગી થિયેટર ઉપરાંત વોટર સ્લાઈડ સહિતન રિસોર્ટનો સ્ટાઈલનો સ્વિમિંગ પૂલ છે
આવર્ષે જ્યારે વિનાશક વાઈલ્ડ ફાયરે લોસ એન્જલસમાં હાહાકાર મચાવ્યો ત્યારે હોલિવુડ સેલિબ્રિટી પેરિસ હિલ્ટનના મલિબુ ઘર સહિત અનેક સુંદર મિલકતો નાશ પામી. પેરિસ હિલ્ટને એ સમયે હૃદયભગ્ન થઈને પોસ્ટ કરી હતી કે હું શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલી ભાંગી ગઈ છું.
જોકે પેરિસ હિલ્ટને હિંમત હાર્યા વિના પુન: બિવર્લી પાર્કમાં એક વૈભવી વિલાની ખરીદી કરી છે. તેણે એક સમયે કલાકાર માર્ક વોહ્લબર્ગની માલિકીના ૩૦ હજાર ચો.ફીટથી વધુ એરિયા ધરાવતા અને ૧૨ બેડરૂમ તેમજ ૨૦ બાથરૂમ ધરાવતું આ ઘર એને ૬૩ મિલિયન ડોલરમાં ખરીદ્યું છે. તેમાં બે માળની તો લાયબ્રેરી છે. ખાનગી થિયેટર ઉપરાંત વોટર સ્લાઈડ સહિત રિસોર્ટનો સ્ટાઈલનો સ્વિમિંગ પૂલ છે, બાસ્કેટ બોલ અને ટેનિસ કોર્ટ, સ્કેટિંગ પાર્ક તેમજ પર્સનલ ગોલ્ફ કોર્સ પણ છે. હિલ્ટનનો નવો મહેલ તેના બળી ગયેલા ઘર કરતાં ઘણો જુદો છે. એ પતિ કાર્ટર રીમ અને તેના પુત્ર સાથે અહીં નવેસરથી જીવન શરૂ કરશે. છ એકર પ્લોટમાં ફેલાયલા આ ઘરના પાડોશમાં જસ્ટિન બીબર, એડી મરફી અને એડેલ જેવા ટોપ ક્લાસ સેલિબ્રિટી વસે છે.
ટૂંક સમયમાં આ નવા ઘરમાં ભવ્ય હાઉસ વોર્મિંગ પાર્ટી થવાની છે. પેરિસની મમ્મી માતા કેથી હિલ્ટન હોંશે હોંશે આ ઉજવણીનું આયોજન કરી રહી છે. પેરિસનું આ નવું ઘર હેમખેમ રહેવું જોઈએ, બીજું શું!