- દાસ્તાન-એ-સિનેમા
- તાહિર હુસૈનને થયું કે, દીકરો આમિર જો 'હોલી' જેવી પેરેલલ સિનેમા તરફ વળીને બીજો નસરુદ્દીન શાહ બનવા જશે તો ક્યાંય નોય નહીં રહે. પુત્રની સફળતાની ગેરંટી માટે તેમણે ભાઈ અને જાણીતા રાઈટર-પ્રોડયુસર-ડિરેક્ટર નાસિર હુસૈનને વિનંતી કરી કે...
પા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા, મગર યે તો કોઈ ના જાને કિ મેરી મંઝિલ હૈ કહાં...
પિતાનું એક જ સપનું હોય. મારો દીકરો-દીકરી મારા કરતા વધુ સફળ થાય. મને પડેલી મુશ્કેલીઓ તેમનાથી હજારો કદમ દૂર રહે. બસ, આ નાનકડું સપનું પૂરું કરવા માટે એક પિતા એટલે કે, 'યુનિફોર્મ વગરનો સુપરમેન' કોઈ પણ હદ સુધી જઈ શકે. તે મજૂરી, ન ગમતી નોકરી, નાપસંદ લોકો સાથે ધંધો, અનેક દિવસોના ઉજાગરા, ભૂખ સહન કરવાથી લઈને કંઈ પણ કરવા તત્પર હોય. પણ, હા, એક જ શરત : મારો દીકરો-દીકરી સફળ થવા જોઈએ.
આમિર ખાનના વિસરાઈ ગયેલા પિતા તાહિર હુસૈનના વિચાર પણ કંઈક આવા જ હતા. દીકરા આમિરની કેતન મહેતા સાથેની ડેબ્યુ ફિલ્મ 'હોલી' બોક્સઓફિસ પર પિટાઈ ગઈ. થોડા દિવસોમાં તો થિયેટરોમાંથી નીકળી ગઈ. પુત્રની પહેલી ફિલ્મનો હાલ જોઈને પિતા તાહિર હુસૈનને થયું કે, આમિર જો આવી જ રીતે પેરેલલ સિનેમા તરફ વળીને બીજો નસરુદ્દીન શાહ બનવા જશે તો ક્યાંય નોય નહીં રહે. પુત્રની સફળતાની ગેરંટી માટે તેમણે ભાઈ અને જાણીતા રાઈટર-પ્રોડયુસર-ડિરેક્ટર નાસિર હુસૈનને વિનંતી કરી. વિનાશ પછી સર્જન થાય તેમ, નાસિર હુસૈનની મહેનત બાદ જે સફળતા મળી તે આમિર માટે 'કયામત સે કયામત તક' સાબિત થઈ.
રોમિયો-જુલિએટનું હિંદી વર્ઝન
નાસિર હુસૈને 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' અને 'કારવાં' જેવી ફિલ્મો સાથે બોલિવુડમાં નામના મેળવી હતી. તેમણે કાર્નેલ યુનિવર્સિટીમાં ફિલ્મમેકિંગ શીખેલા પુત્ર મન્સૂર ખાન સાથે મળીને રોમિયો-જુલિએટના હિંદી વર્ઝન પર કામ શરૂ કર્યું. રોમિયો-જુલિએટની જેમ બે પ્રેમીઓ, તેમના દુશ્મન પરિવાર અને અંતે કરુણ અંત.
પરફેક્શન નહીં, પોસ્ટર ચિપકાવવાથી શરૂઆત
આમિર ખાન એટલે મિસ્ટર પરફેક્શનિસ્ટ. હા, આજે ભલે આ કહી શકાતું હોય, પરંતુ કોઈપણ શરૂઆત ક્યારેય પરફેક્શન સાથે ન થાય. આમિરના કિસ્સામાં તેવું જ હતું. 'યાદો કી બારાત'માં બાળ કલાકાર તરીકે કામ કરી ચૂકેલા આમિર માટે ફિલ્મી કારકિર્દીની શરૂઆત આસાન નહોતી. તેમાં પરફેકશન નામના શબ્દને તો કોઈ સ્થાન જ નહોતું. કોઈપણ શરૂઆત હંમેશા નાની હોય તેમ ૨૨ વર્ષના આમિરને 'ક્યામત સે ક્યામત તક' માટે રૂપિયા. ૧૧,૦૦૦ મળ્યા હતા. લગભગ એક વર્ષ સુધી શૂટિંગના હિસાબે ગણતરી કરો તો મહિને લગભગ ૯૧૦ રૂપિયાનો પગાર. તે સમયે ચોક્કસ ઘણા લોકોએ તેને કહ્યું હશે કે, ભાઈ આટલા પગારમાં ન ચાલે, કોઈ બીજું કામ શોધી લે. પરંતુ, આમિરે મહેનત ચાલુ રાખી. આ ફિલ્મના શૂટિંગ વિશે આમિરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે શૂટિંગ વખતે ખૂબ નવર્સ થઈ જતો હતો. અનેક રી-ટેક્સ લેવા પડતા હતા, પરંતુ આમિરે હિંમત રાખી. આ દરમિયાન બોલિવુડમાં એવા સમયની શરૂઆત થઈ હતી. જ્યારે, ફિલ્મના પ્રમોશન માટે પ્રોડયુસર્સ વ્યવસ્થિત ખર્ચો કરતા. આ પારિવારિક ફિલ્મ બનાવ્યા બાદ પ્રમોશનના પૈસા રહ્યા નહોતા. આમિર તેના કઝીન રાજ ઝુત્શી સાથે ફરતો. મુંબઈના ઓટો-રિક્ષા ચાલકોને મળતો. તેમને વિનંતી કરતો કે, તમારી રિક્ષા પાછળ મારી ફિલ્મનું પોસ્ટર લગાવું, પ્લીઝ...? ઘણા રિક્ષાવાળાઓ ધરાહાર ના પાડી દેતા. પરંતુ, ત્યારબાદ, એવો સમય આવ્યો જ્યારે ઘણી છોકરીઓ આમિરના મસમોટા પોસ્ટર્સ પોતાના બેડરૂમમાં લગાવતી થઈ. આજે આમિર પરફેક્શનનો પર્યાય બન્યો છે પણ તેની સફળતા આપણને શીખવે છે કે, પહેલા દિવસે કોઈ પરફેક્શન ન હોય. ત્યારે તો શરૂઆત જ મહત્વની.
જુહીની દ્રૌપદીના રોલને ના
જેમ આમિરની પહેલી ફિલ્મ 'હોલી' વિશે ભાગ્યે જ કોઈને ખબર છે, તેમ જુહીની ૧૯૮૬ની મલ્ટીસ્ટારર ફિલ્મ 'સલ્તનત' વિશે ભાગ્યે કોઈ જાણે છે. ૧૯૮૪માં મિસ ઈન્ડિયાનું ટાઈટલ જીત્યા બાદ તે જુહીની પહેલી ફિલ્મ હતી. જુહીએ એક કન્નડ ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો. પરંતુ, 'ક્યામત સે ક્યામત તક' તેની સાચા અર્થમાં ડેબ્યુ ફિલ્મ રહી. આ ફિલ્મે સાબિત કર્યું કે, મિસ ઈન્ડિયા જીતેલી બ્યુટી ક્વિન પણ સારો અભિનય કરી શકે. પરંતુ, ફિલ્મ મળવા સુધીની સફર આસાન નહોતી. આ ફિલ્મ પહેલા જુહી પાસે અન્ય સારો વિકલ્પ હતો. બી.આર.ચોપરાએ તેને ટીવી સિરીયલ 'મહાભારત'માં દ્રૌપદીનો રોલ ઓફર કર્યો હતો. વિચાર કરો, એક એવી ફિલ્મ કે જેમાં તમારી સામે નવોદિત અભિનેતા છે, ફિલ્મ ચાલે ન ચાલે તેની કોઈ ગેરંટી નથી. આ ફિલ્મ પછી તમને કોઈ ફિલ્મ મળે તેની પણ કોઈ ખાતરી નથી. અને બીજી તરફ, 'મહાભારત' છે. જેમાં, ઘણા વર્ષો સુધી એક ચોક્કસ આવક પાક્કી થાય અને નામના પણ મળે. જુહીને આ યક્ષ પ્રશ્નનો જવાબ બી.આર. ચોપરાએ જ આપ્યો. તેમણે કહ્યું, કારકિર્દી બનાવી છે તો 'મહાભારત' નહીં, 'ક્યામત સે ક્યામત તક' સ્વીકાર. જુહીએ તેમની વાત માની અને સફળ થઈ. સલામ છે, બી.આર. ચોપરા જેવા વ્યક્તિઓને કે જે પોતાનું આડકતરું નુકસાન કરીને અન્યને સાચો માર્ગ ચીંધે છે.
સંગીતનો જાદુ
સંગીતકાર ભાઈઓની જોડી આનંદ-મિલિંદ, મજરુહ સુલ્તાનપુરીના ગીતો અને ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિાકના અવાજે દર્શકો પર જાદુ કર્યો હતો. કોલેજની ગ્રેજ્યુએશન પાર્ટીમાં 'પાપા કહેતે હૈ બડા નામ કરેગા..' જાણે એક એન્થમ બની ગયું હતું. આ સિવાય 'અકેલે હૈં તો ક્યા ગમ હૈ...', ક્લાસિક બોલિવુડ સ્ટાઈલ 'એ મેરે હમસફર', હેપ્પી સોંગ 'ગઝબ કા હૈ દિન..' લોકપ્રિય બન્યા હતા. આ ફિલ્મ બાદ પ્લેબેક સિંગર્સ તરીકે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિાક છવાઈ ગયાં હતાં.
આમિરના
૯ વર્ષ મોટા પિતા
ફિલ્મમાં આમિરના પિતાનો રોલ કરી રહેલા દલીપ તાહિલની ઉંમર તે સમયે ૩૧ વર્ષ હતી. આમિરથી માત્ર ૯ વર્ષ મોટા દલીપે પિતાનો રોલ સ્વીકાર્યો હતો. દલીપ રીયલ લાઈફમાં પણ પિતા નહોતા. તેમણે લગ્ન પણ નહોતાં કર્યાં. આ રોલને અનેક એક્ટર્સે ટાઈપકાસ્ટ થઈ જવાના ડરથી નહોતો સ્વીકાર્યો. જ્યારે, દલીપ તાહિલ આમિરના પિતા બનીને ખુશ હતા.
ધાર્યા કરતા વધુ સફળતા
'ક્યામત સે ક્યામત તક'ની સફળતા માત્ર બોક્સઓફિસ કે દર્શકોના પ્રેમ સુધી સીમિત નહોતી રહી. આ ફિલ્મે અનેક એવોર્ડ્સ જીત્યા હતા. ૧૯૮૯ના ફિલ્મફેરમાં આ ફિલ્મના મ્યુઝિકનો જાદુ જોવા મળ્યો હતો. આનંદ-મિલિંદને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર્સનો એવોર્ડ મળ્યો હતો. 'પાપા કહેતે હૈ..' માટે ઉદિત નારાયણને બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો. જુહી ચાવલાને બેસ્ટ ડેબ્યુ ફિલ્મફેર મળ્યો હતો. આમિરની એક્ટિંગના ખૂબ વખાણ થયા પરંતુ, તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ નહોતો મળ્યો. ફિલ્મ પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ નહોતી જીતી. પરંતુ, જે એવોર્ડ્સ આ ટીમે જીત્યા હતા, તે તેમના માટે ધાર્યા કરતા ઘણા વધારે હતા.
સફળતા બાદ પણ સંઘર્ષ
આમિરે આ ફિલ્મ સાથે હિંદી ફિલ્મોમાં રોમેન્ટિક હીરોની વ્યાખ્યા બદલી નાખી હતી. એક એવો હીરો કે જે પ્રેમની જાહેરાતો નહોતો કરતો, ફક્ત પ્રેમમાં હતો. આ તેની સફળતા હતી. સામાન્ય રીતે, આપણે ત્યાં સફળતાનું એવું ચિત્રણ કરવામાં આવે છે કે, આ ફિલ્મ બાદ તો પ્રોડયુસર્સની લાઈનો લાગી ગઈ વગેરે, વગેરે. પરંતુ, હકીકતમાં ક્યારેય એવું થતું નથી. સફળતા ઢોલ-નગારા વગાડી ભાગ્યે જ આવતી હોય છે. આમિરને પણ ફિલ્મની સફળતા બાદ મહેશ ભટ્ટ કે, સુભાષ ઘાઈ જેવા ડિરેક્ટર્સ નહોતા મળવા પહોંચ્યા. એક સફળ ફિલ્મ બાદ આમિરે અનેક ફ્લોપ ફિલ્મો આપી. પરંતુ, જ્યારે સમય આવ્યો ત્યારે એવી હિટ ફિલ્મો આપી દીધી કે, નામ સાથે 'પરફેક્શન' જોડાઈ ગયું.
શું આ અંત છે?
ફિલ્મ 'તમાશા'નો ફેમસ ડાયલોગ છે, 'ક્યા હુઆ..? પસંદ નહીં આયી એન્ડિંગ..? તો બદલ દો ના..તુમ્હારી અપની કહાની હી તો હૈ...' હા, આ વાત સાચી. તમારી કહાણી હોય તો એન્ડિંગ બદલી શકાય. પરંતુ, તેમાં અન્યનો સમાવેશ હોય તો નહીં. આ ફિલ્મની એન્ડિંગ પણ એવી જ છે : કરુણ. દર્શકો ફિલ્મ જોઈને થિયેટરની બહાર આવતા ત્યારે કહેતા કે, યાર...આની એન્ડિંગ કંઈક સારી હોત તો..મજા આવી જાત. પરંતુ, ક્યારેક એન્ડિંગ આપણા હાથમાં નથી હોતી.


