Get The App

પંકજ ત્રિપાઠી : હીરો નહીં, અભિનેતા .

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
પંકજ ત્રિપાઠી : હીરો નહીં, અભિનેતા                             . 1 - image

- 'મારા અભિનયમાં  કોઈની છાપ  કે અસર વર્તાતી નથી. હું એવો પ્રયાસ પણ નથી કરતો કે ઇચ્છતો પણ નથી. પ્રેરણા મેળવવી અને નકલ કરવી બંને જુદી જુદી બાબતો છે.'

હિન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારો એવાં પણ છે જેઓ સ્ટાર કે હીરો નહીં પણ અભિનેતા છે. સો ટચના સોના જેવા. વળી, આવાં કલાકારો ભારતનાં મોટાં કે સમૃદ્ધ શહેરોમાંથી નહીં પણ નાનાં ગામડાંમાંથી મુંબઇ જેવી મોહમયી નગરીમાં  આવ્યા છે. જબરો સંઘર્ષ કરીને અચ્છા અભિનેતાની સફળતા મેળવી છે. 

  મનોજ બાજપાઇ, ઇરફાન ખાન, પંકજ  ત્રિપાઠી વગેરે આવા  મજેદાર અભિનેતા  છે. 

 પંકજ ત્રિપાઠી (પંકજ ત્રિપાઠીની સાચી અટક છે  તિવારી) શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમારની જેમ રૂપકડી હીરોઇનો સાથે નથી ડાન્સ કરતો કે નથી રોમાન્સ કરતો. શબ્દોની  રમત   જેવા ડાયલોગ નથી બોલતો કે એકલા હાથે આઠ-દસ ગુંડાને મારતો પણ નથી. પોતાના પાત્રને સજીવન કરે છે. દર્શકોને પોતાનામાંનો જ એક સીધો -સરળ મિત્ર કે પડોશી લાગે છે. 

ગેંગ્ઝ ઓફ વાસ્સેપુર (દિગ્દર્શક : અનુરાગ કશ્યપ)નો સુલતાન હાય કે સ્ત્રી ફિલ્મનો રૂદ્ર ભૈયા, ફિલ્મ   ધ કારગીલ ગર્લનો લેફ્ટનન્ટ કર્નલ હોય કે નીલ બટ્ટે સન્નાટા ફિલ્મનો માસ્ટરી જી, પંકજ ત્રિપાઠીએ  આ  દરેક  ભૂમિકામાં કંઇક ને કંઇક નવીનતા દર્શાવી છે. પડદા પર પેલું પાત્ર   આબેહૂબ  હોય તેવો દર્શકોને અહેસાસ  થાય.  

બિહારના નાનકડા બેલસંડ ગામમાં  પિતા  પંડિત બનારસ અને માતા  હેમવતીના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પંકજ ત્રિપાઠી કહે છે  , મને  બાળપણથી જ  સાહિત્ય, સંગીત,નાટકો વગેરેનો જબરો શોખ રહ્યો છે. હું    ગામની શાળામાં ઉજવાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાનો પંકજ નાટકોમાં ઉત્સાહભેર હિસ્સો લેતો.  મારા   બાળ ગોઠિયા સાથે વિવિધ પાત્રો ભજવતો. ઉપરાંત, ગામમાં ઉજવાતા છઠ પૂજા પ્રસંગે પણ   મિત્રો સાથે નાટકોમાં હિસ્સો લેતો. મારો નાટકો પ્રત્યેનો પ્રેમ ધીમે ધીમે પાંગર્યો. જોકે હું મારા શાળાના અભ્યાસ બાદ વધુ ભણવા માટે પટણા ગયો. 

મેં   પટણાની કોલેજમાં હોટેલ મેનેજમેન્ટનો વિશિષ્ટ કોર્સ કર્યો. આમ છતાં મારા અંતર મનમાં  અભિનેતા  રમતો હતો. વળી, મેં   શાળાના   ભણતર   દરમિયાન મારા  પરિવાર   સાથે   જય   સંતોષી માતા, દલાલ,વક્ત કી  આવાઝ,  સાજન વગેરે ફિલ્મોનો આનંદ માણ્યો છે. હું  મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ, માધુરી દિક્ષીતથી બહુ  બહુ પ્રભાવિત રહ્યો  છું. મને  માધુરી દિક્ષીતનાં  મજેદાર  નૃત્યો,  ગમતીલો અભિનય,મોહક હાસ્યનું એમ  કહો કે  જબરું આકર્ષણ હતું, આજે પણ છે. 

હોટેલ મેનેજમેન્ટના અભ્યાસ બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા

(એનએસડી -દિલ્હી)માં અભિનયના પાઠ પણ શીખેલા   પંકજ ત્રિપાઠી  જોકે  સ્પષ્ટતા કરતાં એમ પણ કહે છે કે  અભિનયને  સંબંધ  છે ત્યાં સુધી  મને   દિલીપ કુમાર, બલરાજ સહાની,  સંજીવ કુમાર,  નસીરુદ્દીન શાહ,  ઓમપુરી ,  ઇર્ફાન ખાન, અમિતાભ બચ્ચન વગેરે જેવા મોટાગજાના અભિનેતાઓ પાસેથી પ્રેરણા મળી  છે. 

સાથોસાથ, મહાન ફિલ્મ સર્જક તરીકે હિન્દી ફિલ્મ જગતના   મુઠ્ઠીઉંચેરા  શોમેન રાજ કપૂર, ગુરુ દત્ત,  સત્યજિત રે, બિમલ રોય, ઋષિકેશ મુખરજી,   બાસુ ચેટરજી, ગુલઝાર,  કમાલ અમરોહી, કે. આસિફ વગેરે પ્રત્યે બેહદ આદર સન્માન છે.  આ બધા ફિલ્મ સર્જકોની    યાદગાર   ફિલ્મોની કથા-પટકથામાં  માનવીય સંવેદના,  ઉત્તમ સામાજિક સંદેશો, હૃદય સ્પર્શી અભિનય સહિત  કર્ણપ્રિય સંગીત  હોવાથી તે ફિલ્મો અમર બની ગઇ છે. ખરેખર તો આ આલા દરજ્જાના ફિલ્મ સર્જકોની ફિલ્મો સિનેમા ગૃહોમાં   ફરીથી રજૂ થવી જોઇએ. ફિલ્મોત્સવનું આયોજન થવું જોઇએ. બોલિવુડની  આજની નવી પેઢીનાં કલાકારોને અને દર્શકોને  અને  પ્રેરણા મળશે. ઘણું બધું જાણવા, સમજવા, શીખવા મળશે. 

ટેલિવિઝનની જાહેરાત  ટાટા ટી (૨૦૧૦)માં રાજકીય નેતાનું નાનકડું પાત્ર ભજવ્યા બાદ દિગ્દર્શક રામ ગોપાલ વર્માની ફિલ્મ રન(૨૦૧૦)થી બોલિવુડમાં અભિનય કારકિર્દી શરૂ કરનારા પંકજ ત્રિપાઠી બહુ મહત્વનો મુદ્દો  રજૂ કરતાં કહે છે,   મને આ બધા મહાન ફિલ્મ સર્જકો અને કલાકારો પ્રત્યે ઘણો આદર છે. આમ છતાં ખરું કહું તો  મારા અભિનયમાં  ક્યાંય તેમની છાપ  કે અસર વરતાતી નથી. હું આવો પ્રયાસ પણ નથી કરતો કે ઇચ્છતો પણ નથી. પ્રેરણા મેળવવી અને નકલ કરવી બંને જુદી જુદી બાબતો છે. 

ફૂકરે, મસાન, બરેલી કી બર્ફી, સ્ત્રી -૨, ગુંજન સક્સેના: ધ કારગીલ ગર્લ, મિર્ઝાપુર, મેટ્રો ઇન ડિનો વગેરે  ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારા  પંકજ ત્રિપાઠી  બોલીવુડમાં થયેલા પરિવર્તનના નિરીક્ષણ વિશે કહે છે, ૫૦થી ૭૦ના દાયકા   દરમિયાન હિરોઇનો ભારતીય સાડી પહેરતી. વહીદા રહેમાન, નૂતન,   મધુબાલા,  વૈજયંતીમાલા, માલા સિંહા, મીના કુમારી વગેરે અભિનેત્રીઓ વિવિધ રંગી સાડી    પહેરીને     અભિનય કરતી અને ગીતો પણ  ગાતી. આ બધી પ્રતિભાશાળી અભિનેત્રીઓ સાડીમાં બેહદ સ્વરૂપવાન લાગતી. આજના બોલિવુડની બહુ ઓછી    અભિનેત્રીઓ  ભારતીય સાડીમાં દેખાય છે.

  ખાસ કરીને સાડી પહેરેલાં  વહીદા રહેમાન ભારતીય નારીનું શ્રેષ્ઠ અને આદરણીય પ્રતીક બની રહ્યાં  છે. મારા હૃદયમાં   વહીદાજી પ્રત્યેે બેહદ આદર છે. આલા દરજ્જાનાં    અભિનેત્રી  અને   અચ્છાં  નૃત્યાંગના  વહીદા રહેમાને   સીઆઇડી, પ્યાસા,  ગાઇડ,  સાહીબ   બીબી ઔર  ગુલામ, તીસરી કસમ,  ખામોશી,   વગેરે ફિલ્મોમાં હૃદયસ્પર્શી અભિનય કર્યો   છે. 

બે નેશનલ એવોર્ડ્ઝ અને એક ફિલ્મ ફેર એવોર્ડનું  સન્માન પ્રાપ્ત કરનારા પંકજ ત્રિપાઠી કબૂલ કરતાં કહે છે, મને મારાં અમુક પાત્રો બહુ ગમે છે.  મારા વ્યક્તિત્વ નજીક  છે. ઉદાહરણરૂપે સ્ત્રી ફિલ્મનું   રૂદ્ર ભૈયાજી,  ગુંજન સક્સેના : ધ કારગીલ  ગર્લનું લેફ્ટનન્ટ કર્નલ અનુપ સક્સેના, નીલ બટ્ટે સન્નાટાનું   માસ્ટરજી, મસાન ફિલ્મનું સધ્યાજી વગેરે પાત્રો બહુ વિશિષ્ટ  અને આપણા પોતાના પરિવારનાં  અને સમાજનાં જ  હોવાથી ગમે છે.