પંકજ ઝા : પોતાના માટે સમય આપે તે શ્રીમંત
- પંકજે હમણાં 'પંચાયત' અને 'સરપંચ' બંને વેબ સીરિઝમાં રાજકીય નેતાની ભૂમિકાઓ ભજવી તેથી એવો પ્રશ્ન થવો સહજ છે કે શું તેને ટાઈપકાસ્ટ થઈ જવાની ચિંતા નહીં થતી હોય?
'ગુલાલ', 'અતરંગી રે' જેવી સંખ્યાબંધ ફિલ્મો કરી ચૂકેલા અભિનેતા પંકજ ઝાને વેબ સીરિઝ 'પંચાયત'ના પાત્ર 'ચંદ્રકિશોર સિંહ' (રાજકીય નેતા)ને પગલે નવી ઓળખ મળી. તાજેતરમાં રજૂ થયેલી વેબ સીરિઝ 'સરપંચ સાહબ' પણ પંકજને ફળી છે. પરંતુ એમ માની લેવાનું કોઈ કારણ નથી કે પંકજ ઝા માત્ર સીમિત અભિનય કરી જાણે છે. હકીકતમાં બહુમુખી પ્રતિભાનો સ્વામી પંકજ એક અચ્છો કવિ, લેખક અને ચિત્રકાર પણ છે. તેના જ શબ્દોમાં કહીએ તો 'હું કોઈ એક ઇન્ડસલ્ટ્રીમાંથી નથી, મારી પોતાની ઇન્ડસ્ટ્રી છે.'
પંકજે હમણાં 'પંચાયત' અને 'સરપંચ' બંને વેબ સીરિઝમાં રાજકીય નેતાની ભૂમિકાઓ ભજવી તેથી એવો પ્રશ્ન થવો સહજ છે કે શું તેને ટાઈપકાસ્ટ થઈ જવાની ચિંતા નહીં થતી હોય? આના જવાબમાં અભિનેતા કહે છે કે ના, મને એવી કોઈ ફિકર નથી. આનું કારણ સમજાવતાં અભિનેતા કહે છે કે હું કોઈ એક ઇન્ડસ્ટ્રીમાંથી નથી આવતો, બલ્કે મારી પોતિકી ઇન્ડસ્ટ્રી છે. પરંતુ હું મારા શિરે કોઈ રંગ ચડવા નથી દેતો. તાજેતરમાં જ મારું પુસ્તક 'અજ્ઞાાત સે જ્ઞાાત કી ઓર' આવ્યું. મેં તે મહાનાયક અમિતાભ બચ્ચનને ભેટ આપ્યું. અને તેમણે મારી એક કવિતા 'ટ્વીટ' પણ કરી. લોકો મને લેખક પણ કહે છે. પુણેમાં મારો પોતાના સ્ટુડિયો છે. મુંબઈની જાણીતી આર્ટ ગેલેરીમાં મારા ચિત્રોનું એક્ઝિબિશન થયું ત્યારે લોકો મને ચિત્રકાર તરીકે પણ ઓળખવા લાગ્યાં. આવી સ્થિતિમાં મારા માથે ટાઈપકાસ્ટ થવાની ચિંતા ક્યાંથી હોય? વળી હું આ ઇન્ડસ્ટ્રીમાં નવો નથી. મેં અત્યાર સુધી લાંબી મજલ કાપી છે. મેં મીરા નાયર અને રામ ગોપાલ વર્મા જેવા ટોચના સર્જકો સાથે કામ કર્યું છે. મેં 'ગુલાલ', 'બ્લેક ફ્રાઇડે', 'ચમેલી' જેવી પચાસેક ફિલ્મોમાં કામ રપ્.ું થે, મેં ઓશોની થેરપીને અનુસરીને તેમના ધ્યાન-મેડિટેશનની પ્રેક્ટિસ પણ કરી છે. તેઓ કહેતાં કે જીવન એવી રીતે જીવો જાણે અભિનય કરી રહ્યાં હો, અને અભિનય એવી કરો જાણે જીવન જીવી રહ્યાં હો. મેં આ ફિલોસોફી જીવનમાં ઉતારી છે. હું કેમેરા સામે મારું પ્રત્યેક પાત્ર જીવું છું. આ બાબત જ સીધી દર્શકોના હૃદયને સ્પર્શી જાય છે. અભિનેતા વધુમાં કહે છે કે હવે લોકોને ફેક ફિલ્મો જોવામાં રસ નથી રહ્યો. આ કારણે જ ટોચના કલાકારોની ફિલ્મો નથી ચાલતી. 'સરપંચ સાહબ'નું મેં ભજવેલું કિરદાર 'ત્રિવેણી સિંહ' એક રાજકીય નેતાનું હોવા છતાં બહુ સરસ છે. તે આખા ગામને જાગૃત કરે છે.
આ કલાકારના જીવનની ફિલોસોફી સહેજ નોખી છે. તે કહે છે કે મારા ગુરૂએ કહ્યું હતું કે તમે મારી પાસેથી જે પામો છો તે અન્યોને વહેંચો. અને હું મારી લેખની, ચિત્રોના માદ્યમથી તે વહેંચવાનો પ્રયાસ કરું છું. તેમણે મારા મનમાંથી મોતનો ભય કાઢી નાખ્યો છે, તેમણે મને વર્તમાનમાં જીવતાં શીખવ્યું છે. મારા મતે જે પોતાના માટે સમય આપી શકે તે જ ખરેખર ધનવાન કહેવાય. મારો કોઈ ભૂતકાળ નથી તેથી મારું કોઈ ભવિષ્ય પણ નથી. ટૂંકમાં, મારી પાસે માત્ર મારું વર્તમાન છે. હું દ્રઢપણે માનું છું કે જો તમે આજમાં જીવો છો તો તમે સફળ છો.
સામાન્ય રીતે અન્ય શહેરો-નગરોમાંથી આવેલા કલાકારોને મુંબઈમાં લાંબો સંઘર્ષ કરવો પડે છે. પરંતુ પંકજ સંઘર્ષના સકંજામાં નહોતો જકડાયો. તે કહે છે કે મુંબઈમાં રહેતી વખતે મને લાગ્યું કે અહીં પોતાને બચાવી લેવું એ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. હું દિલ્હીથી અહીં આવ્યો ત્યારે મારી સાથે ઓશોની તસ્વીર લાવ્યો હતો. અહીં જ મારી આંતરિક શોધ શરૂ થઈ. હું તેમના પુણે ખાતેના આશ્રમમાં જવા લાગ્યો. મારું મન શાંત રહેતું. મારા પગ જમીનથી જડાયેલાં રહ્યાં. તમે વિદેશમાં જાઓ તો ત્યાંના કલાકારોની સાદગી તમને અચંબામાં નાખી દે. જ્યારે સફળતા શિરે ચડીને બોલે ત્યારે આવતી ગુરૂતાગ્રંથિ તમને અસફળતા તરફ દોરી જાય. મેં જોયું હતું કે જે લોકો બહુ સફળ થતાં હતાં તેઓ જ અસફળ જતાં હતાં. તમે શું છો તે દુનિયાને બતાવવા કરતાં પોતાની જાતને પૂછો. અંતરાત્મા ક્યારેય ખોટું ન બોલે. હું આ ફિલોસોફીને અનુસરું છું તેથી સુખી છું.