Get The App

પંડિત સામતા પ્રસાદ જેવું બાંયું ત્યારબાદ સાંભળ્યું નથી...!

Updated: Aug 8th, 2024

GS TEAM

Google News
Google News
પંડિત સામતા પ્રસાદ જેવું બાંયું ત્યારબાદ સાંભળ્યું નથી...! 1 - image

- બર્મનદાએ આંખના ઇશારે હા પાડી. તબલાવાદકે ગાવાનું શરૂ કર્યું- 'નાચે મન મોરા મગન ધીગ્ ધા ધીગી ધીગી, ધીગ્ તા ધીગી ઘીગી, ધીગ્ તા...' પછી ડાબા હાથે તબલાની જોડીમાં, જેને બાંયું કે ડગો કહે છે, એના પર અંગુઠો અને પહેલી આંગળીથી હળવે હાથે લસરકો માર્યો. આહાહાહા... દાદા હરખથી ઊભા થઇ ગયા.   તબલાવાદકના ખભે એક ધબ્બો માર્યો. 'સામતા, તુમને કમાલ કિયા...' તેઓ એટલું જ બોલી શક્યા. 

લ ગભગ ૧૯૬૨ની આસપાસનો પ્રસંગ છે. પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર નિહાર રંજન ગુપ્તાની ઉલ્કા નવલકથા પરથી એક હિન્દી ફિલ્મ બની હતી. એક મહિલાને પ્રથમ પુત્ર જન્મે છે એ કદરૂપો કે બેડોળ છે. માતાપિતા બંને દેખાવડાં છે. આવો બેડોળ પુત્ર માબાપને ગમતો નથી એટલે એને ત્યજી દે છે. એક નિસંતાન મુસ્લિમ દંપતીને આ બાળક આપી દે છે. આ મુસ્લિમ વૈરાગી સાધુ જેવો સંગીતકાર (કનૈયાલાલ) એને મોટો કરે છે. પેલા દંપતીને બીજો પુત્ર જન્મે છે એ હેન્ડસમ છે. કદરૂપ સંતાનનો રોલ  અશોક કુમારે કર્યો હતો.

આ ફિલ્મ હતી 'મેરી સૂરત તેરી આંખેં'. આર. કે. રાખને એનું નિર્દેશન કર્યું હતું. સંવેદનશીલ ગીતો રચવા માટે પંકાયેલા શૈલેન્દ્રે એનાં ગીતો રચ્યાં હતાં અને એસ. ડી. બર્મને સંગીત આપ્યું હતું. 

બર્મનદા સંગીત તૈયાર કરતા હતા ત્યારનો પ્રસંગ છે. 'પૂછો ના મૈંને કૈસે રૈન બીતાયી...' ગીત તૈયાર થઇ ગયું હતું. આ ગીત ગાવાનો હઠાગ્રહ અશોક કુમારે કર્યો હતો. એમની દલીલ સાચી હતી, પરંતુ આ ગીત માટે યોગ્ય નહોતી. દાદામુનિ તરીકે ઓળખાતા અશોક કુમારે બર્મદા સમક્ષ એવી દલીલ કરી હતી કે અગાઉ 'બોમ્બે ટોકિઝ'માં મારી ફિલ્મોનાં ગીતો મેં જાતે ગાયાં હતાં, મને સૂરતાલની સમજ છે અને આ ગીત મારા પર ફિલ્માવવાનું છે માટે મને ગાવાની રજા આપો. 

બર્મનદાએ માંડ માંડ દાદામુનિને સમજાવ્યા અને એ ગીત મન્ના ડે પાસે ગવડાવેલું. એ ગીત જબરદસ્ત હિટ નીવડયું હતું. એ ગીત એટલે 'પૂછો ના કૈસે મૈંને રૈન બીતાયી...' બર્મનદા જે ગીત ત્યારબાદ તૈયાર કરી રહ્યા હતા એ કથાનાયક ખૂબ આનંદથી ગાઇ રહ્યો હોય એવા એના શબ્દો હતા. બર્મનદાએ એવી જ રમતિયાળ તર્જ બનાવી હતી. આ ગીત મુહમ્મદ રફીના કંઠે ગવડાવવાનું હતું. બર્મનદા જે મૂંઝવણ અનુભવી રહ્યા હતા એ રાહુલ દેવ બર્મન, બાસુ અને મનોહારી પણ જોઇ રહ્યા હતા.

શાીય સંગીતમાં જેને તિહાઇ કહે છે એવો પ્રયોગ હતો. 'ઘીગ્ તા ઘીગી ધીગી...' જેવા તબલાના બોલ ત્રણવાર આવતા હતા. બર્મનદા ઇચ્છતા હતા કે આ તિહાઇના ત્રણે બોલ રફીના કંઠે ગવડાવવાથી ધારી અસર કદાચ નહીં ઉપજે... હાજર રહેલા બધા વિચારતા હતા કે શું કરી શકાય. એટલામાં બર્મનદાના માનીતા તબલાવાદકે બર્મનદાને નમ્ર સ્વરે કહ્યું, 'દાદા, અગર આપ મુઝે ઇજાજત દે તો મૈં ઇક સુઝાવ પેશ કરું.'

બર્મનદાએ આંખના ઇશારે હા પાડી. પેલાએ પોતે ગાતો હોય એ રીતે ગાવાનું શરૂ કર્યું- 'નાચે મન મોરા મગન ધીગ્ ધા ધીગી ધીગી, ધીગ્ તા ધીગી ઘીગી, ધીગ્ તા...' પછી ડાબા હાથે તબલાની જોડીમાં જેને બાંયું કે ડગો કહે છે એના પર અંગુઠો અને પહેલી આંગળીથી હળવે હાથે લસરકો માર્યો. આહાહાહા.. દાદા હરખથી ઊભા થઇ ગયા અને  તબલાવાદકના ખભે એક ધબ્બો માર્યો. 'સામતા, તુમને કમાલ કિયા...' એટલું જ બોલી શક્યા. એમની આંખના ખૂણા ભીના થઇ ગયા. આ ગીતમાં સામતા પ્રસાદે જે રીતે બાંયું વગાડયું એની એકસો ટકા નકલ આજ સુધી કોઇ તબલાવાદક કરી શક્યો નથી.

યસ, આ વાત બનારસ ઘરાનાના અજોડ તબલાવાદક પંડિત સામતા પ્રસાદની છે. કંઠે મહારાજના પરિવારના એક નબીરા એવા સામતા પ્રસાદે ખૂબ કુમળી વયે  પિતા ગુમાવ્યા હતા. માએ પારકાં કામ કરીને બાળકોને મોટા કર્યા હતા. સામતા પ્રસાદને કોઇ તબલાવાદન માટે બોલાવતું નહોતું ત્યારે પંડિત રવિશંકરના ગુરુ, ઉસ્તાદ અલી અકબર ખાનના પિતા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબે સામતા પ્રસાદને પહેલી તક આપી હતી. જોકે એ પ્રસંગે પણ સામતાના પરિવારના વડીલોએ સામતાની ઠેકડી ઊડાવી હતી.

અખૂટ ધીરજ અને અથાક પરિશ્રમ દ્વારા સામતા પ્રસાદે પોતાની આગવી શૈલી સર્જી હતી. શાીય સંગીતના જલસાઓમાં એ પંડિત ગુદઇ મહારાજ તરીકે જાણીતા હતા. પરંતુ એમને સૌથી વધુ માનપાન ફિલ્મ સંગીતમાં મળ્યા. આમ તો એમણે વગાડેલાં બીજાં ઘણાં યાદગાર ગીતો છે. એ બધાંની વાતો અત્રે શક્ય નથી. એક ખાસ વાત અહીં કર્યા વિના રહી શકાય નહીં. રમેશ સિપ્પીની એક અને અજોડ ફિલ્મ 'શોલે'ની વાત છે. 'શોલે'માં અમુક દ્રશ્યમાં ફક્ત એકાદ ઘોડો દોડતો તો કેટલાંક દ્રશ્યોમાં ખાસ કરીને ગબ્બર સિંઘની ટોળીનાં દ્રશ્યોમાં એક કરતાં વધુ ઘોડા દોડતા હતા. 'શોલે'ના એ ઘોડાના દાબડાના પડઘા પંડિત સામતા પ્રસાદે પોતે અને અન્ય એક તબલાવાદક એમ માત્ર બે કલાકારોની વિશિષ્ટ વાદનશૈલી દ્વારા સર્જ્યા હતા. પંચમ પોતે અચ્છા તબલાવાદક હતા એટલે આ નકશીદાર કામને બરાબર સમજી શક્યા હતા અને સામતા પ્રસાદના કાંડાનો કસબ જોઇને આફ્રિન પોકારી ઊઠયા હતા.

પંડિત સામતા પ્રસાદ વિશે આવા બીજા પણ કેટલાક પ્રસંગો ટાંકી શકાય. એ વિશે ભવિષ્યમાં ફરી ક્યારેક.