Get The App

પાકીઝા: આ ફિલ્મ નથી, મીના કુમારીનો આત્મા છે!

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
પાકીઝા: આ ફિલ્મ નથી, મીના કુમારીનો આત્મા છે! 1 - image


- 'આપ કે પાંવ દેખે. બહુત હસીન હૈં. ઈન્હેં ઝમીન પર મત ઉતારીયેગા... મૈલે હો જાયેંગે...'

અંગ્રેજીમાં શબ્દ છે, Oxymoron. Oxymoron એટલે વિરોધાભાસ. જીવનમાં કંઈ એવી વસ્તુ છે કે જેમાં વિરોધાભાસ ન હોય..ખલીલ જિબ્રાન તો કહેતા કે, ‘There is a strange beauty in oxymorons. They force us to think. To pause. To ask- how can two opposites exist together? એટલે કે, 'વિરોધાભાસમાં એક વિચિત્ર પ્રકારની ખૂબસૂરતી છે. તે આપણને મજબૂર કરે છે વિચારવા, થોડી વાર થોભવા અને પૂછવા કે, બે વિરોધી એક સાથે કંઈ રીતે રહી શકે..' વિરોધાભાસ હિન્દી ફિલ્મોમાં પણ ખૂબ જોવા મળ્યો. પરંતુ, જેવી રીતે તેને કમાલ અમરોહીએ દર્શાવ્યો છે કદાચ કોઈ તેની નજીક પણ નહીં પહોંચી શકે.

ફિલ્મ બનાવી 'પાકીઝા'. ઉર્દુ અને પર્શિયન શબ્દ 'પાકીઝા' એટલે 'પ્યોર', 'શુદ્ધ', 'પાક સાફ'. હવે સવાલ થાય કે, કોણ છે આ ફિલ્મમાં 'પાક સાફ' ? એક મહિલા કે જે તવાયફ છે. આ પાત્ર સાથે અમરોહીએ સુંદર રીતે વર્ણવ્યું છે કે, માણસ પાક સાફ તેના પ્રોફેશનને કારણે નહીં તેના દિલથી હોય છે. આ મહિલાનો પ્રેમી તેનો ચહેરો નથી જોતો અને પ્રેમમાં પડી જાય છે અને તેને કહે છે, 'આપ કે પાંવ દેખે...બહુત હસીન હૈ...ઈન્હે ઝમીન પર મત ઉતારીયેગા...મૈલે હો જાયેંગે...' અહીં ફરી એકવાર વિરોધાભાસ. તેણે નૃત્ય કરવા માટે પગ જમીન પર ઉતારવા જ પડશે કારણ કે, તે જ તેનું કામ છે. બીજો વિરોધાભાસ અમરોહીએ પ્રેમની વ્યાખ્યા સાથે કરી દીધો. કહેવાય છે કે, પ્રેમમાં પઝેશન ના હોય. આ ભાઈએ તો પહેલા ધડાકે જ કહી દીધું કે, તમે એ કામ ના કરતાં કે જે તમે કરી રહ્યા છો. હા, એ વાત અલગ છે કે, પ્રેમીને ખબર નહોતી કે, તેની પ્રેમિકા તવાયફ છે. મૂજરાની વાત આવે તો સામાન્ય રીતે તેમાં થોડો ઉત્સાહ વધારે હોય. અમરોહીએ મુજરાના સેલિબ્રેશનના ટોન સાથે ગીતોના શબ્દોમાં દુ:ખને પણ ભેળવી દીધું છે. દુ:ખ છે પણ નાચી રહ્યા છીએ. ગજબનો વિરોધાભાસ ને? અમરોહી અહીં નથી રોકાયા. પ્રેમ ક્યારે થાય? આ સવાલના અનેક જવાબ હોય શકે પણ એ તો ખરું ને કે પ્રેમ થવા માટે સામેવાળાને જોવો, સાંભળવો જરૂરી છે. ફિલ્મમાં પ્રેમની શરૂઆત જોયા વગર થાય છે. પ્રેમ ખીલે છે પણ તેમને એકબીજાના નામ, સરનામા, કામ નથી ખબર. આ મહિલા બહાર સિલ્કની સાડી, જ્વેલરી, મેક-અપ સાથે જાજરમાન લાગે છે પણ અંદરથી ખાલી છે. તેનો અવાજ ભલે કંઈ પણ કહેતો પણ આંખો બચાવો બચવોની બૂમો પાડી રહી છે.  અમરોહી આ ફિલ્મમાં કશું ખાસ કહેવાનો પ્રયત્ન નથી કરતા અને ઘણું બધું કહી જાય છે.

15 વર્ષની મહેનત 

આ વાત ૧૯૫૪ની છે. કમાલ અમરોહીએ ફિલ્મ 'મહલ' બનાવીને નામના મેળવી લીધી હતી. તેઓ પત્ની મીના કુમારીને લઈને એવી ફિલ્મ બનાવવા માંગતા હતા કે, જેની કહાણી તાજમહેલની જેમ અમર થઈ જાય. મક્કમ નિર્ધાર સાથે તેમણે 'પાકીઝા' પર કામ શરૂ કર્યું. આ વચ્ચે અનેક અડચણો આવી. ૧૯૬૦ સુધીમાં તો પત્ની મીના કુમારી સાથેના સંબંધો વણસી ગયા. 

એટલી હદ સુધી કે, પબ્લિકમાં તેમના જ ઝઘડાંની ચર્ચા. વિખરાઈ ગયેલા પરિવારના માળા વચ્ચે મીના કુમારીએ દારૂનો સહારો લીધો હતો. પરિણામ સ્વરૂપ ૧૯૬૪માં તેમને લિવર સોરાયસીસનું નિદાન થયું. તેમની નજીકના લોકોને ખબર પડી ગઈ હતી કે, મીના કુમારી આપણી વચ્ચે વધુ સમય નથી. તે સમયે 'પાકીઝા' બનાવવી અશક્ય લાગી રહ્યું હતું. પણ, જેમ એક સાચી પ્રેમ કહાણી ઘણા વર્ષો બાદ અચાનક ખીલી ઉઠે છે એમ આ ફિલ્મમાં પણ થયું. એક દિવસ ફિલ્મના પ્રોડયુસર્સ નરગીસ અને સુનીલ દત્તે અડધી પડધી બનેલી ફિલ્મ 'પાકીઝા' જોઈ. અને અમરોહીને કહ્યું કે, 'કમાલ સાબ, યે આપકી ફિલ્મ નહીં હૈ, યે તો મીના કુમારી કી આત્મા હૈ...'

અમરોહીએ હિંમત કરીને મીના કુમારીને એક પત્ર લખ્યો. લખ્યું કે, 'મેરે લિયે ના સહી, ફિલ્મ કે લિયે લૌટ આઈએ..'મીના કુમારીએ આ પત્રના જવાબમાં હા કહી પણ એક શરત સાથે. અમરોહીએ સેટ પર એક શબ્દ બોલવો નહીં. તેમના આ અબોલાના પડઘા ફિલ્મની દરેક ફ્રેમમાં પડયાં હતાં. ૧૯૬૯માં ફિલ્મ ટ્રેક પર આવી. અનેક સીનને ફરી શૂટ કરવામાં આવી રહ્યાં હતાં. બીજી તરફ, મીના કુમારીની તબિયત દિવસે ને દિવસે વણસી રહી હતી. ફિલ્મનું આઈકોનિક સોંગ 'ચલતે ચલતે..' એવા સમયે ફિલ્માવવામાં આવ્યું જ્યારે મીના કુમારી ઊભા પણ નહોતાં રહી શકતાં. ઘણા શોટમાં તેમની બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં, પાછળથી તેમના ક્લોઝ-અપને એડ કરવામાં આવ્યાં હતાં. ઘૂંઘટની પાછળ છુપાયેલી મીના કુમારી એક્ટિંગ નહોતી કરી રહી. તે સાચેમાં જ સાહિબજાન બની ગઈ હતી. ૧૯૭૧માં ફિલ્મના ફાઈનલ સીન્સ શૂટ કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન અનેક વખત મીના કુમારી પડી જતાં હતાં. ૪ ફેબુ્રઆરી, ૧૯૭૨ના રોજ 'પાકીઝા' રિલીઝ થઈ હતી. શરૂઆતમાં ફિલ્મને ખાસ રિસ્પોન્સ મળ્યો નહોતો. રિલીઝના થોડા દિવસો બાદ ૩૧ માર્ચ, ૧૯૭૨ના રોજ માત્ર ૩૮ વર્ષની ઉંમરે મીના કુમારીનું મૃત્યું થયું અને થિયેટરોમાં 'પાકીઝા' જોવા માટે લાઈનો લાગી હતી. દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં મીના કુમારીની ટ્રેજડી જવાબદાર હતી પણ તેમને ઘરે ફિલ્મની યાદો સાથે મોકલવામાં અમરોહીનો ફાળો હતો. કોઈને પૂછવામાં આવે કે, 'અનકંડિશનલ લવ' એટલે શું ત્યારે આ દમદાર સ્ટોરીને આજે પણ યાદ કરવામાં આવે છે. અને હા... પ્રખ્યાત ઉર્દુ શાયર જ્હોન એલિયા અમરોહીના કઝીન થાય એ વાત તમને ફિલ્મના ડાયલોગ્સ પરથી ખબર પડશે.

જકડી રાખતી સ્ટોરી

પાકીઝાની શરૂઆત તવાયફ નરગીસ (મીના કુમારી) અને ઘનાઢય પરિવારના શાહબુદ્દીન (અશોકકુમાર)ની લવસ્ટોરી સાથે થાય છે. લગ્નના ઈરાદા સાથે શાહબુદ્દીન નરગીસને કોઠા પરથી ભગાડીને પોતાના ઘરે લઈ આવે છે. શાહબુદ્દીનના પરિવારના વિરોધ બાદ નરગીસને ત્યાંથી પણ ભાગવાની ફરજ પડે છે. તે એક કબ્રસ્તાનમાં આશરો લે છે. એક દિવસ અચાનક નરગીસને શોધતાં શોધતાં તેની બહેન નવાબજાન ત્યાં પહોંચે છે. નવાબજાનને અહીં મૃત નરગીસ અને તેની બાળકી મળી આવે છે.  નવાબજાન બાળકી સાહિબજાનનો ઉછેર કોઠા પર કરે છે. સમય જતાં સાહિબજાન મ્યુઝિક અને ડાન્સમાં નિપુણતા હાંસલ કરે છે. કોઠો તેનો સ્ટેજ અને મજબૂરી બને છે. આ દરમિયાન ઘણા વર્ષો બાદ એક વ્યક્તિ નરગીસનો પત્ર શાહબુદ્દીનને સોંપે છે. શાહબુદ્દીનને નરગીસ અને તેની પ્રેમની નિશાની સમાન પુત્રી હોવાની માહિતી મળે છે. તે પોતાની પુત્રીની શોધ કરતો કરતો નવાબજાનના કોઠે પહોંચે છે. શાહબુદ્દીન સાહિબજાનને લઈ જશે તેવા ડરથી નવાબજાન તેને લઈને બીજા શહેરમાં ભાગી જાય છે. બસ... અહીંથી ખરી કથાની શરૂઆત થાય છે. 

 ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક યુવક સાહિબજાનના પગને જુએ છે અને એક ચિઠ્ઠી મૂકીને ચાલ્યો જાય છે.  ચિઠ્ઠીમાં લખ્યું હોય છે, 'આપ કે પાંવ દેખે...બહુત હસીન હૈ...ઈન્હંે ઝમીન પર મત ઉતારીયેગા...મૈલે હો જાયેંગે...' આ પત્રમાં નથી નામ, નથી સરનામું કે નથી અન્ય કોઈ વિગત છતાં દિલ-દિમાગમાં છવાઈ જાય છે. આ ઘટના બાદ જ્યારે પણ સાહિબજાન ટ્રેન જોવે ત્યારે આ શબ્દો તેને ઘેરી વળે છે...'જિન્હોને મિલના હોતા હૈના વો મિલ હી જાતે હૈ...' તેવું બને છે. શહેરનો ઘનાઢય વ્યક્તિ સાહિબજાનને પોતાની બનાવવા ઈચ્છે છે અને તેને હોડીમાં ડેટ પર લઈ જાય છે. આ દરમિયાન અકસ્માત થાય છે અને સાહિબજાનની મુલાકાત ફોરેસ્ટ ઓફિસર સલીમ સાથે થાય છે. યોગાનુયોગ, સાહિબજાન તેની ડાયરી વાંચે છે અને ખબર પડે છે કે, ચિઠ્ઠી મુકનાર બીજું કોઈ નહીં પણ સલીમ જ છે. સાહિબજાનને શોધતા શોધતા નવાબજાન આવી પહોંચે છે. અને સલીમ-સાહિબજાનનું મિલન થતાં સાથે જ વિરહ થઈ જાય છે. પાછી સાહિબજાન એ કેદખાનામાં આવી જાય છે. સલીમનો વિચાર કરતાં કરતાં તે એક દિવસ તે કેદખાનાથી ભાગે છે અને રસ્તામાં બેભાન થઈ જાય છે. કિસ્મત ફરી બંનેનો મેળાપ કરાવે છે. સલીમ સાહિબજાનને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. સાહિબજાનને પોતાનો ભૂતકાળ નડી જાય છે અને તેને ડર લાગે છે કે, સલીમને તેના તવાયફ હોવા વિશે ખબર પડશે તો...અને એ પાછી કોઠા પર પહોંચી જાય છે. તેને જે મળે તે સમજાવે છે કે, સલીમ તને પ્રેમ નથી કરતો આ તો ફક્ત નાટક. આ વચ્ચે ગુસ્સે ભરાયેલો સલીમ પોતાના લગ્ન નક્કી કરે છે અને તેમાં ડાન્સ કરવા માટે સાહિબજાનને બોલાવે છે. આ ડાન્સ વચ્ચે અનેક ખુલાસા થાય છે અને અનેક ગડમથલ બાદ સલીમ તેની જાન લઈને વૈશ્યાલય પહોંચે છે અને સાહિબજાન સાથે લગ્ન કરે છે. ફિલ્મની સ્ટોરીમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, કોઈને પ્રેમ કરો તો તેમના ભૂતકાળને સ્વીકારવો જરૂરી છે. 

ટાઈમલેસ ક્લાસિક ગીતો 

'પાકીઝા'નું મ્યુઝિક એટલે હિન્દી ફિલ્મ મ્યુઝિકનું ગોલ્ડન ચેપ્ટર. ગુલામ મોહમ્મદના ગીતો કોઈ પેઈન્ટિંગથી કમ નહોતા. દરેક ગીત પાછળ સ્ટોરી. 'પાકીઝા'  ફિલ્મ વિશે જણાવવા માટે છ ગીતો પૂરતા છે. તેમાં પહેલા નંબર પર આવે છે 'ઈન્હીં લોગોંને...' જે એક તવાયફની જિંદગીના દુ:ખ સાથે આપણો પરિચય કરાવે છે. ત્યારબાદ, 'ચલતે ચલતે યું હી કોઈ મિલ ગયા થા...' આવે છે. જે સાહિબજાનની સ્ટોરી છે. ગીતનો અંત ટ્રેનની સીટી સાથે જાય છે. જે તેને સલીમની યાદ અપાવે છે. 'ચાંદની રાત બડી દેર કે બાદ આયી હૈ...યે મુલાકાત બડી દેર કે બાદ આયી હૈ...ઠાડે રહિયો ઓ બાંકે યાર રે...' પણ એક યાદગાર ગીત છે. પ્રેમીના વિરહમાં ગવાયેલું ગીત 'ફિરતે હૈ હમ અકેલે, બાહો મે કોઈ લે લે, આખિર કોઈ કહાં તક તનહાઈયો સે ખેલે, દિન હો ગયે હૈ ઝાલિમ, રાતે હૈ કાતિલાના...મૌસમ હૈ આશિકાના.. એ દિલ કહીં સે ઉનકો એસે મે ઢૂંઢ લાના...' પણ ખાસ છે.

 ત્યાર બાદના બે ગીતો સાહિબજાન અને સલીમના મિલન બાદ આવે છે. 'ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો...હમ હૈ તૈયાર ચલો..હમ નશે મે હૈ સંભાલો હમે તુમ...' અને 'આજ હમ અપની દુઆઓ કા અસર દેખેંગે, તીર-એ-નઝર દેખેંગે ઝખ્મે જીગર દેખેંગે...હો પ્યાર કરના દિલ-એ-બેતાબ બુરા હોતા હૈ...પ્યાર કરના દિલ-એ-બેતાબ બુરા હોતા હૈ..સુનતે આયે હૈ કિ યે ખ્વાબ બૂરા હોતા હૈ...આજ ઉસ ખ્વાબ કી તાબીર મગર દેખેંગે...' આ ગીતો ખાસ રહ્યાં હતાં. ગુલામ મોહમ્મદ આ ફિલ્મ પૂરી થાય તે પહેલા જ ગુજરી ગયા હતા. તેમનું અધૂરું કામ પૂરું કરવાનું સૌભાગ્ય નૌશાદને મળ્યું હતું. પરંતુ, તેમણે કોઈ બદલાવ નહોતો કર્યો. આ ફિલ્મનું ગીત 'ઈન્હીં લોગોને..'  ૧૯૪૦ના દાયકાની બે ફિલ્મોમાં જોવા મળ્યું હતું. પરંતુ, મીના કુમારીની અભિવ્યક્તિએ તેને અમર બનાવી દીધું છે.

યાદગીરી

આ ફિલ્મ આપણને બે વિચાર આપીને જાય છે. એક એ કે, પ્રેમ પવિત્ર હોય છે અને બીજો એ કે, જેને પ્રેમ કરો તેનો ભૂતકાળ સ્વીકારવો જરૂરી છે. 

Tags :