પરિવારવાદ, ફેવરટીઝમ અને ચિવટપૂર્વક તૈયાર કરવામાં આવેલા ડેબ્યુની જ્યાં બોલબાલા છે તેવા ઉદ્યોગમાં કાર્તિક આર્યનની સફર અલગ તરી આવે છે. અત્યારે ભલે કાર્તિક વિવાદોમાં ફસાયો હોય કે પછી સફળતા એનાથી દૂર ભાગતી હોય, પણ એ હકીકત છે કે કોઈ ગોડફાધર વિના આ કલાકારે ફિલ્મ ઉદ્યોગમાં માત્ર મહત્ત્વાકાંક્ષા, સાતત્ય અને અતૂટ આત્મવિશ્વાસથી પ્રવેશ કર્યો હતો. ગ્વાલિયરમાંથી આવતા કાર્તિકે લાંબા મોનોલોગ કંઠસ્થ કર્યા, અગણિત ઓડિશનો આપ્યાં અને પોતાની પળ માટે ધીરજથી રાહ જોઈ. વર્ષો પછી આ શાંત મક્કમતાએ તેને હિન્દી સિનેમાના સૌથી વિશ્વસનીય અને લાભદાયક સ્ટારમાં પરિવર્તિત કર્યો.
'સોનુ કે ટિટુ કી સ્વીટી' સાથે આશ્ચર્યકારક સફળતાથી લઈને 'ભૂલ ભૂલૈયા ટુ' સાથે જોરદાર હિટ આપવા સુધી તેમજ 'સત્યપ્રેમ કી કથા' જેવા સંવેદનશીલ ડ્રામા સાથે કાર્તિકે એક વૈવિધ્યસભર ફિલ્મોગ્રાફી બનાવી .
કાર્તિક ક્યારેક પોતાના જ સ્ટારડમથી આશ્ચર્યચકિત થયો હોય તેવું લાગે છે. કાર્તિક માટે સફળતા કોઈ પસાર થઈ રહેલો તબક્કો નહિ પણ સતત વિકસતી પ્રક્રિયા છે. એની લેટેસ્ટ ફિલ્મ 'તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી' ઓડિયન્સને ખાસ ગમી નથી. જોકે તેના વિશે વાત કરતી વખતે કાર્તિકના અવાજમાં દિગ્દર્શક સમીર વિદ્વાન્સ પ્રત્યેની ઉષ્મા વર્તાય છે. બન્નેએ અગાઉ અગાઉ 'સત્યપ્રેમ કી કથા'માં કામ કર્યું હતું. કાર્તિકના મતે બહુ ઓછા દિગ્દર્શકો 'સત્યપ્રેમ કી કથા' જેવા ગંભીર વિષયો હળવાશથી બનાવી શકે છે.
અન્ય ડિરેક્ટર કબીર ખાન સાથે તેનો સંબંધ ભાઈ જેવો છે જ્યારે ફિલ્મ સર્જક લવ રંજન સાથે તેનો ચાર ફિલમોનો લાંબા સમયનો સહયોગ બંને વચ્ચે ગાઢ સમજદારીમાં પરિણમ્યો છે.
અભિનેત્રી અનન્યા પાંડે સાથે તેનાં સમીકરણો વિશે બોલતા કાર્તિકે 'પતિ, પત્ની ઔર વોહ'ના સમયથી તેમની સફર વિશે વિચારો વ્યક્ત કરે છે. કાર્તિક યાદ કરે છે કે અનન્યા સાથે કામ કરવામાં તેને આનંદ મળ્યો હતો. સામાન્યપણેે શૂટિંગ પૂરું થાય એટલે ટીમ વિખરાઈ જાય, પણ અનન્યા સાથે તેનો સંબંધ કોઈ પ્રોજેક્ટ પર નિર્ભર નથી.
પોતાની કરીઅરની સફર વિશે મંથન કરતાં કાર્તિક કબૂલ કરે છે કે તેની કારકિર્દીમાં સોશિયલ મીડિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે શરૂઆતમાં તેની ઓડિશન ક્લીપો ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા મોકલી હતી. કાર્તિકના મતે વધુ પડતી વિઝિબિલીટીના લાભ અને ગેરલાભ બંને છે. દરેક સ્થળે કેમેરા સાથે સામાન્ય લોકોને પણ પોતાના પર નજર હોવાની લાગણી થાય છે. કલાકારો માટે તો સતત રેકોર્ડિંગ તેમના કામનો હિસ્સો છે. કાર્તિક માને છે કે આજના દર્શકોને સેલિબ્રિટીની છબિ વિશે વધુ પરવા નથી હોતી પણ કોન્ટેન્ટમાં રસ હોય છે જેના કારણે હવે ફિલ્મમાં સુપરસ્ટારની હાજરીથી ફિલ્મ હિટ જવાની ખાતરી નથી મળતી. કાર્તિકના મતે ફિલ્મની સફળતા માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી, પણ બોલિવુડ એક નિશ્ચિત ઈકોસિસ્ટમ હેઠળ કાર્ય કરે છે જ્યાં વિઝિબિલિટી, પ્રતિભા અને ટાઈમિંગનું કોમ્બિનેશન અણધાર્યા પરિણામ આપે છે.
ફિલ્મ પ્રમોશન વિશે પણ કાર્તિક સાવચેતીના સૂર ઉચ્ચારે છે. અતિ માર્કેટિંગથી બોક્સ ઓફિસ સફળતા મળશે જ તેની ખાતરી નથી. 'ભૂલ ભૂલૈયા' જેવા ઉદાહરણો ટાંકીને કાર્તિક સૂચવે છે કે માક્ર્ેટિંગ આખરે દર્શકોને આમંત્રણ સમાન છે. જ્યારે તેને શાહરૂખ ખાન અને આમિર ખાન જેવા સ્ટાર્સની જેમ બુદ્ધિગમ્ય તરીકે કરવામાં આવે ત્યારે તે ચોક્કસ પ્રભાવશાળી સાબિત થાય છે, પણ અતિરેકને કારણે ફિલ્મને નુકસાન પણ થઈ શકે છે.
કાર્તિક આર્યનની ખુદની કહાણી માત્ર સફળતા વિશે નથી, પણ મહત્ત્વાકાંક્ષા, મૌલિકતા અને સંબંધો તેમજ ખુદને રી-ઇન્વેન્ટ કરવા વિશે પણ છે. 'ચંદુ ચેમ્પિયન' ફિલ્મ ભલે બોક્સઓફિસ પર ચાલી નહોતી, પણ કાર્તિક ખુદ એક ચેમ્પિયન કરતાં કમ નથી!


