- દાસ્તાન-એ-સિનેમા
- એફટીઆઈઆઈ નામની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓને ઈટાલિયન નીયોરિયલિઝમથી લઈને ફ્રેન્ચ ન્યૂ વેવ અને સત્યજિત રેની કાવ્યાત્મક હકીકત સુધીનાં તમામ પાસાં શીખવાડવામાં આવતાં હતાં.
- શ્યામ બેનેગલ
"The world needs dreamers and the world needs doers. But above all, the world needs dreamers who do."
– Sarah Ban Breathnach
ઇતિહાસ સાબિત કરે છે કે બદલાવની ચિંગારી હંમેશા યુવાનો જ સળગાવે છે. યુવાનો પરંપરાથી મુક્ત હોય છે. કોઈ બંધનો વગર, જોખમની સામે નિડર તેઓ જૂની વ્યવસ્થાને બદલવાની અને નવું સપનું જોવાની હિંમત ધરાવે છે. ૧૯૭૦ના દાયકામાં જયપ્રકાશ નારાયણના આંદોલનનું નેતૃત્વ વિદ્યાર્થી નેતાઓએ જ કર્યું હતું. તાજેતરમાં નેપાળમાં સ્ટુડન્ટ્સની આગેવાનીમાં જ ઓલી સરકારનું પતન થયું છે. ભારતમાં આવી ક્રાંતિ માત્ર રાજકારણ પૂરતી સીમિત નહોતી. સાહિત્ય, કલા અને સિનેમામાં પણ યુવાનોએ નવા રસ્તા બતાવ્યા છે. ભારતીય સિનેમામાં આવા જ એક આંદોલનનું કેન્દ્ર પુણેનું એક કેમ્પસ બન્યું હતું. ૧૯૭૦-૮૦ના દાયકામાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (FTII)માંથી નીકળેલા યુવા ડિરેકટર્સ અને એકટર્સે નવી લહેર ઉભી કરીને ભારતીય સિનેમાના માળખાને હચમચાવી નાખ્યું હતું. આ અનોખી ચળવળ પેરેલલ સિનેમા તરીકે ઓળખાઈ.
એફટીઆઈઆઈ : સપનાઓની પ્રયોગશાળા
૧૯૬૦માં સ્થપાયેલ એફટીઆઈઆઈ માત્ર એક્ટિંગ કે ફિલ્મમેકિંગ શીખવતી સંસ્થા નહોતી. તે એક પ્રયોગશાળા હતી. જ્યાં વિદ્યાર્થીઓને વર્લ્ડ સિનેમાનો પરિચય કરાવવામાં આવતો હતો. તેમને ઈટાલિયન 'નીયોરિયલિઝમ'થી લઈને 'ફ્રેન્ચ ન્યૂ વેવ' અને સત્યજિત રેની કાવ્યાત્મક હકીકત સુધીના તમામ પાસાં શીખવાડવામાં આવતા હતા. ટિચિંગ સાથે તેમને એક જ સવાલ પૂછવામાં આવતો કે, સિનેમા માત્ર મનોરંજન છે કે સમાજને અરીસો બતાવવાનું સાધન? ૧૯૭૦ના દાયકામાં આ સવાલનો જવાબ યુવા ગ્રેજ્યુએટ્સે આપ્યો. તેમણે ગ્લેમર નહીં હકીકતો પર આધારિત ફિલ્મોના માધ્યમથી સમાજને અરીસો બતાવ્યો. આ ફિલ્મોમાં મોંઘાદાટ સેટ કે પછી ફોરેન લોકેશન નહીં, સમાજને સ્પર્શતા વાસ્તવિક મુદ્દાઓને ઓછા મ્યુઝિક સાથે દર્શાવવામાં આવ્યા. બસ...આવી જ રીતે ભારતમાં પેરેલલ સિનેમાનો જન્મ થયો.
શ્યામ બેનેગલ
ભારતમાં પેરેલલ સિનેમાના અગ્રણી એટલે શ્યામ બેનેગલ. એડ. એજન્સીમાં કોપીરાઈટર તરીકે કામ શરૂ કરનાર બેનેગલ એફટીઆઈઆઈમાં ટીચર તરીકે જોડાયા હતા. આ પહેલા તેમણે ૯૦૦ સ્પોન્સર્ડ ડાક્યુમેન્ટરી ફિલ્મો અને એડ-વિડીયો બનાવ્યા હતા. ૧૯૬૨માં રિલીઝ થયેલી 'ઘેર બેઠા ગંગા' તેમની પહેલી ગુજરાતી ડાક્યુમેન્ટરી હતી. એફટીઆઈઆઈમાં ૧૯૬૬થી ૧૯૭૩ વચ્ચે કામ કર્યા બાદ તેમની પહેલી ફિલ્મ 'અંકુર' રિલિઝ થઈ હતી. આ ફિલ્મે આથક અને યૌન-શોષણના દુષણો રજૂ કર્યા હતા. 'અંકુર' પછી 'નિશાંત' (૧૯૭૫), 'મંથન' (૧૯૭૬), 'ભૂમિકા' (૧૯૭૭) જેવી ફિલ્મોએ પેરેલલ સિનેમાને મજબૂત બનાવ્યું. બેનેગલે એફટીઆઈઆઈ અને એનએસડીના સ્ટૂડન્ટ્સને ચાન્સ આપ્યો. આ લિસ્ટમાં શબાના આઝમી, સ્મિતા પાટીલ, ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, કુળભુષણ ખરબંદા અને અમરિશપુરી જેવા નામો સામેલ હતા. 'અંકુર' ફિલ્મમાં શબાના આઝમીએ ડેબ્યુ કર્યુ હતું. તો ગામડાની સ્ત્રીના શોષણની સ્ટોરી 'નિશાંત'માં સ્મિતા પાટીલનું ગજબનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. અમૂલ દુધના આંદોલન પર આધારિત ફિલ્મ 'મંથન' ખેડૂતોના ૨ રૂપિયાના ફાળામાંથી બની હતી. જ્યારે, સ્મિતા પાટીલની બેસ્ટ ફિલ્મ એવી 'ભૂમિકા'માં ીની પોતાની ઓળખ શોધવાની જંગ દર્શાવવામાં આવી છે. શ્યામ બેનેગલે આ ફિલ્મો સાથે શીખવાડયું કે, ફિલ્મો એટલે વાસ્તવિક્તાની ઝલક.
સ્મિતા પાટીલ
સ્મિતા પાટીલે દુરદર્શનના ન્યૂઝ રીડર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમેકર શ્યામ બેનેગલે તેમને ૧૯૭૫માં 'ચરણદાસ ચોર'માં બ્રેક આપ્યો હતો. ત્યારબાદ, 'નિશાંત'માં ગામડાની સ્ત્રીના રોલ સાથે સ્મિતા પાટીલ સીધા દર્શકોના દિલમાં ઉતરી ગયા હતા. તેમણે 'ભૂમિકા' નામની ફિલ્મમાં હંસા વાડકરના પાત્રમાં સ્ત્રીની વ્યથા વર્ણવી તો 'ચક્ર'માં મુંબઈની ઝુંપડપટ્ટીની કરુણ તસવીર બતાવી. જ્યારે, 'અર્થ'માં તેમણે સ્ત્રીના પાત્રને સંવેદનશીલતા આપી હતી. ૧૯૮૬માં પુત્રને જન્મ આપ્યાના થોડા દિવસોમાં સ્મિતા પાટીલનું મૃત્યુ થયું હતું. ત્યારે, તેમની ઉંમર ફક્ત ૩૧ વર્ષની હતી. તેમનું યોગદાન એવોડર્સ કે ફિલ્મોની સંખ્યાથી માપવું યોગ્ય નથી. તેમણે ભારતીય સિનેમામાં અભિનેત્રીની ઈમેજ બદલી નાખી હતી.
શબાના આઝમી
એફટીઆઈઆઈની પૂર્વ વિદ્યાથની શબાના આઝમીએ પોતાના દમદાર અભિનય સાથે સમાજને સ્પર્શતા અનેક મુદ્દાઓ રજૂ કર્યા હતા. ૧૯૭૪માં રિલીઝ થયેલી 'અંકુર'માં તેમણે દલિત ી લક્ષ્મીનો રોલ નિભાવ્યો હતો. સામંતશાહી અને જાતિપ્રથાના શોષણ હેઠળ જીવી રહેલી લક્ષ્મીએ દર્શકોને હચમચાવી નાખ્યા હતા. શબાના લક્ષ્મીના પાત્ર સાથે એવી ીને સિનેમાના પડદે લઈ આવ્યા હતા કે જેનો અવાજ હંમેશા દબાવવામાં આવતો હતો. આ ફિલ્મ માટે તેમને પહેલો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ૧૯૮૨માં રિલિઝ થયેલી ફિલ્મ 'અર્થ'માં તેમણે પૂણમાના પાત્ર સાથે શીખવ્યું કે, સ્ત્રી પોતાની જિંદગીમાં નવો અર્થ શોધી શકે છે. લગ્ન એ જીવનનો અર્થ નથી. છૂટાછેડા બાદ પણ સ્ત્રી પોતાના કારકિર્દી બનાવીને આત્મસન્માનથી રહી શકે છે. આ ફિલ્મને કારણે અનેક સ્ત્રીઓએ પોતાના જીવનમાં બદલાવનો વિચાર કર્યો હતો. ૧૯૮૪માં રિલિઝ થયેલી ફિલ્મ 'પાર'માં તેમણે નસીરુદ્દીન શાહ સાથે મળીને ગરીબ દંપતીની વ્યથા વર્ણવી હતી. આ દંપતી પોતાનું ઘર અને રોજગાર ગુમાવીને નવા શહેરમાં જીવવાનો પ્રયત્ન કરે છે અને આ વચ્ચે તેમનો સંઘર્ષ આંખોમાંથી આંસુ લાવે તેવો છે. શબાનાનો આ રોલ ભારતની લાખો ગરીબ સ્ત્રીઓની સંઘર્ષયાત્રાનો પ્રતીક બન્યો હતો.
નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહને એક્ટર્સ એક્ટર એમ જ નથી કહેવામાં આવતા. એફટીઆઈઆઈમાંથી ગ્રેજ્યુએટ થઈને તેઓ પેરેલલ સિનેમાનો ચહેરો બન્યા હતા. તેમની ખાસિયત મધ્યમવર્ગના માણસના જીવનના સંઘર્ષોને લોકો સમક્ષ સરળતાથી મૂકવાની હતી. સાઈ પરાંજપેની 'સ્પર્શ'માં તેમણે એક અંધ શિક્ષકનો રોલ કર્યો હતો. શિક્ષક હોવા છતાં સમાજમાં અપૂર્ણ માનવામાં આવતો વ્યક્તિ કેવી રીતે પોતાના માન-મર્યાદા માટે ઝઝૂમે છે તેની સ્ટોરી ક્રિટિક્સને ખૂબ જ પસંદ પડી હતી. આ ફિલ્મે કહ્યું કે, મધ્યમવર્ગ રોજગાર કે પરિવાર માટે જ નહીં આત્મસન્માન માટે પણ લડાઈ લડવા મજબૂર છે. ગોવિંદ નિલહાનીની ફિલ્મ 'આક્રોશ'માં તેઓ વકીલના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમનું પાત્ર મધ્યમવર્ગના શિક્ષિત, સંવેદનશીલ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે કે જેઓ સિસ્ટમ અને ભ્રષ્ટાચાર સામે લડત આપે છે. જ્યારે, સઈદ અખ્તર મિર્ઝાની 'અલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યુ આતા હૈ',માં તેઓ કાર મિકેનિકના રોલમાં જોવા મળ્યા હતા. અલ્બર્ટ એટલે એવો વ્યક્તિ કે જે સમાજ, મોંઘવારી અને અસમાનતા સામે ગુસ્સે રહે છે. તેનો ગુસ્સો સમાજને બદલી નથી શકતો અને ઘણીવાર કુટુંબ, પ્રેમિકા કે આસપાસના લોકો સામે જ ફાટી નીકળે છે.
ઓમ પુરી
જો એક્ટર બનવા માટે સારા ચહેરાની જરૂર હોય તો ઓમ પુરી ક્યારેય એક્ટર બની જ ન શકે. તેમણે અનેક યુવાનોને શીખવાડયું કે, એક્ટર બનવા માટે અન્ય કોઈ ગતકડા નહીં એક્ટિંગ જ સર્વસ્વ છે. ગરીબ પરિવારમાં જન્મેલા માણસના સંઘર્ષથી લઈને પોલીસ અધિકારી સુધીના રોલને તેમણે એટલી હદે વાસ્તવિક બનાવ્યો કે, પ્રેક્ષકોને લાગે કે આ ભાઈને તો હું ઓળખું છું. ગોવિંદ નિહલાનીની ફિલ્મ 'આક્રોશ'માં તેમનું મૌન બોલે છે તો 'અર્ધસત્ય'માં ભ્રષ્ટાચાર અને સિસ્ટમ સામે લડનાર વ્યક્તિની પીડા. ઓમ પુરી પોતે એક ગરીબ પરિવારમાંથી આવ્યા હોવાથી તેઓ સંઘર્ષને જીવ્યા હતા. અને એટલે જ અભિનય દ્વારા તેને અદભુત રીતે વર્ણવી શક્યા હતા.
પેરેલલ સિનેમા વિશે રસપ્રદ વાતો
'મંથન' (૧૯૭૬)નું નિર્માણ ક્રાંતિકારી રીતે થયું હતું. ગુજરાતના પાંચ લાખથી વધુ ખેડૂતો તેના કો-પ્રોડયુસર બન્યા હતા. દરેકે ૨ રૂપિયાનું દાન કર્યું હતું.
ફિલ્મોને રિયલ ટચ આપવા માટે સ્ટુડિયો સેટ્સનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો. 'સ્પર્શ' ફિલ્મને રિયલ બ્લાઈન્ડ સ્કૂલમાં શૂટ કરવામાં આવી હતી. 'અર્ધસત્ય'માં મુંબઈના પોલીસ સ્ટેશનોનો સેટ તરીકે ઉપયોગ કરાયો હતો
ઘણી ફિલ્મો વાસ્તવિક જીવનની ચળવળો અને ઘટનાથી પ્રેરિત હતી. જેમ કે, 'ગરમ હવા' વિભાજનની પીડા, 'આક્રોશ' જાતિ અને ઉત્પીડન, 'ચરનદાસ ચોર' લોકકથા પર આધારિત હતી.
'સ્પર્શ', 'મંથન' અને 'ગરમ હવા'ને કાન, બલન, અને મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન કરવામાં આવી હતી.
બોલિવુડના ગ્લેમરથી વિપરીત સ્મિતા પાટીલ ઘણી ફિલ્મોમાં મેકઅપ વિના જોવા મળી હતી. આ સાથે જ તેઓ પેરેલલ સિનેમા અને મેઈન-સ્ટ્રીમ સિનેમા વચ્ચેની કડી બન્યા હતા. તેઓ 'નમક હલાલ'માં અમિતાભ બચ્ચનની સાથે જોવા મળ્યા હતા.
ગઝલ કિંગ જગજીત સિંહ અને તેમના પત્ની ચિત્રા સિંહ 'અર્થ' ફિલ્મ સાથે બોલિવુડમાં આવ્યા હતા. આ ફિલ્મમાં જગજીત સિંહની પાંચ ગઝલો હતી. 'તેરી ખુશ્બુ મે બસે ખત', 'તુમ ઈતના જો મુસ્કુરા રહે હો', 'તુ નહીં તો ઝિંદગી મે ઓર ક્યાં', 'ઝુકી ઝુકી સી નઝર' અને 'કોઈ યે કૈસે બતાયે' દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
આ તમામ ફિલ્મો ઓછા બજેટમાં બનાવવામાં આવી હતી. 'અંકુર' (૧૯૭૪)નું શુટિંગ માત્ર ૨૫ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ડિરેક્ટર્સ ઘણી વખત એફટીઆઈઆઈ અને એનએફડીસીમાંથી સાધનો ઉધાર લેતા હતા. આ ફિલ્મોએ સાબિત કર્યું હતું કે, ક્રિએટિવીટી માટે કરોડોની કોઈ જરૂર નથી.
'આક્રોશ' ફિલ્મ માટે ઓમ પુરીને દૈનિક રૂપિયા ૧૫૦ ચૂકવવામાં આવતા હતા. પરંતુ, આ ફિલ્મ બાદ તેમને અમૂલ્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી.
'આક્રોશ'ના ક્લાઈમેક્સમાં ઓમ પુરી એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના ચીસ પાડે છે. તે સીનને ભારતીય સિનેમાના બેસ્ટમાંનો એક માનવામાં આવે છે.


