ઓટીટીનું સિનેમા ભક્ષણ: ભૂલ ચૂક માફ, હોં!
- OTT ઓનલાઈન ઝિંદાબાદ- સંજય વિ. શાહ
- મોટા સ્ટાર સાથેની, પ્રમોશન થયેલી ફિલ્મ સિનેમાઘરે આવવાને બદલે સીધી ઓટીટી પર જતી રહે એવું સહજ બને નહીં. એટલે જ તો, રાજકુમાર રાવની ફિલ્મના મામલે થયેલો બવાલ ઘણી બાબતોને લાઇમલાઇટમાં લાવનારો છે
- દિનેશ વિજન
બોલિવુડ અને ઓટીટી વચ્ચેની નિત્ય ખેંચતાણમાં હાલમાં એક એવું પ્રકરણ ઉમેરાયું છે જેની કોઈએ કલ્પના કરી નહોતી. એનું કારણ છે હાલના સૌથી સફળ અને, સફળતાને કારણે કંઈક અંશે ગુમાનમાં રાચી રહેલા, નિર્માતા દિનેશ વિજનની લેટેસ્ટ ફિલ્મ, 'ભૂલ ચૂક માફ.' કરણ શર્મા દિગ્દશત આ ફિલ્મ ઓરિજિનલી મોટા પડદે જ આવવાની હતી. તડામાર તૈયારીઓ થઈ ગઈ હતી. એના મુખ્ય એક્ઝિબિટરને નાતે પીવીઆર આઇનોક્સે ભારે પ્રમોશન્સ પણ શરૂ કરી દીધાં હતાં. એવામાં, બાવીસમી એપ્રિલે પહલગામ હુમલો થયો, ભારત અને પાકિસ્તાન યુદ્ધ કરવા સુધી પહોંચી ગયા અને પત્યું. ફિલ્મના મેકરને નાતે, દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સે સહનિર્માતા એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ સાથે સંતલસ કરીને જાહેર કરી દીધું, 'જાવા દ્યો ભાઈસાદ, આપણે આ ફિલ્મ મોટા પડદે મૂકવી નથી. દેશનો સવાલ છે. આવા તંગ વાતાવરણમાં લોકોને સિનેમાઘરમાં ફિલ્મ જોવા આવવું પડે એ ના ચાલે. એટલે, આપણે ફિલ્મ સીધી મૂકી દો નાના પડદે, ઓટીટી પર.' તો આમ, નવમી મેએ મોટા પડદે આવનારી ફિલ્મ વાજતેગાજતે (કે દબાતા પગલે!) ઓટીટી પર મફતમાં જોઈ શકાશે એવી જાહેરાત થઈ ગઈ.
બસ, આ નિર્ણયથી પીવીઆર ગિન્નાઈ અને લગભગ વાજબી, તાકક કારણોસર જ. એણે 'ભૂલ ચૂક માફ'ના સર્જકો સામે અદાલતમાં ધા નાખી. ત્યાં જણાવ્યું કે અમે આ ફિલ્મના પ્રમોશનમાં લોહી રેડયું, રૂપિયા સાઠ કરોડ વેર્યા છે. આ તો અંચઈ થઈ અમારી સાથે. ના ના, આ ફિલ્મ તો પહેલાં મોટા પડદે જ આવવી જોઈએ, બસ. બોમ્બે હાઈ કોર્ટે મામલામાં પીવીઆરનો પક્ષ લીધો અને સ્પષ્ટ કર્યું કે નિર્માતાઓ આ ફિલ્મ કોઈ ઓટીટી પર, એની મોટા પડદે રજૂઆત થયાનાં આઠ અડવાડિયાં લગી, રજૂઆત કરી શકે નહીં. એ પછી બેઉ પક્ષ વચ્ચે અદાલત બહાર માંડવાળ થઈ. એમાં નક્કી થયું કે 'ભૂલ ચૂક માફ'ને પહેલાં સિનેમાઘરોમાં મૂકવી પણ, બે અઠવાડિયામાં રમતી કરી દેવાની ઓટીટી પર, પ્રાઇમ વીડિયો પર.
આ કિસ્સાએ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આભી કરી નાખી છે. સાથે, ફિલ્મની મોટા પડદે રજૂઆત સંબંધિત જૂનાં હાડપિંજર પણ કબાટમાંથી ધડ્ દઈને બહાર આવ્યાં છે. સારા માટે જ. ઉદાહરણ તરીકે, મલ્ટિપ્લેક્સવાળા ફિલ્મની રજૂઆત માટે, સ્ક્રીનદીઠ, નિર્માતા પાસેથી રૂ. ૨૦,૦૦૦ વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી (વીપીએફ) તરીકે ઉઘરાવે છે. એમ કહીને કે અમારે ટેકનોલોજી વાંહે મોટા ખર્ચા થાય છે તો એ તો નિર્માતાએ શેર કરવો પડે. અર્થ એ થયો કે બિગ બજેટ ફિલ્મ જો ૩,૦૦૦ સ્ક્રીન પર આ રિલીઝ થાય તો એણે રૂ. છ કરોડ તો ઓન્લી વીપીએફ માટે ધરી દેવા પડે. અહીં એ પણ નોંધવું રહ્યું કે દર અઠવાડિયે ફિલ્મ જે વેપલો કરે એનો એક હિસ્સો એક્ઝિબિટરના ગજવે જાય છે. માત્ર પહેલાં અઠવાડિયે એમાં મોટો હિસ્સો નિર્માતાનો હોય છે. પછી લગભગ દર અઠવાડિયે મોટો દલ્લો એક્ઝિબિટરનો અને નાનો, નિર્માતાનો.
છેક ૨૦૧૯માં અગ્રણી નિર્માતા રોની સ્ક્વાલાએ વીપીએફ સામે અવાજ ઉઠાવ્યો હતો. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયામાં એક્ઝિબિટર્સ સામે ધા નાખીને તેમણે માગણી કરી હતી કે આ વીપીએફ સદંતર ખોટી ગોઠવણ છે. વળી, એ તો માત્ર ભારતીય ફિલ્મો પાસેથી ઉઘરાવાય છે અને વિદેશી ફિલ્મોને જતી કરાય છે. નોંધી લઈએ કે રોની સ્ક્વાલાએ એમની ફિલ્મ 'દંગલ' પોતાના બેનરને બદલે હોલિવુડના બેનર ડિઝની હેઠળ રિલીઝ કરી ત્યારે એમણે વીપીએફ નહોતી આપવી પડી. 'ભૂલ ચૂક માફ' વિશે કહે છે કે વિજન અને પીવીઆર વચ્ચે કરાર થયા છે કે ફિલ્મને વીપીએફમાંથી રજા. અથવા વીપીએફ માત્ર ત્યારે જ જ્યારે ફિલ્મ ચોક્કસ કલેક્શનથી વધુ કલેક્શન કરે. બેમાંથી એક વાત બેઉ પક્ષ વચ્ચે માન્ય થયાની ઇન્ડસ્ટ્રીમાં જોરદાર ચર્ચા છે.
સવાલ એ છે કે નિર્માતાની ફિલ્મની કમાણીમાં તગડો હિસ્સો મેળવવા ઉપરાંત મલ્ટીપ્લેક્સિસને વીપીએફ પણ ખપે? આંગળીના વેઢે ગણાય એટલી એક્ઝિબિટર કંપનીઓ હોવાથી નિર્માતાઓએ નાકલીટી તાણવાની સ્થિતિ આવી છે એ શાને કાયમ અને મૂંગા મોઢે ચલાવી લેવાની?
હજી એક વાત. દિનેશ વિજન બહુ વિચક્ષણ નિર્માતા છે. હમણાં એ સાતમા આસમાનમાં વિહરી રહ્યા છે. એક પછી એક મોટ્ટી હિટ ફિલ્મ આપી છે. વત્તા, પોતાની ફિલ્મ પર તેઓ બહુ મુસ્તાક હોય છે. ભૂતકાળનો એક કિસ્સો છે. કહે છે કે એમની ૨૦૧૮ની ફિલ્મ 'ી' બની ગયા પછી લાંબો સમય રિલીઝ થવા પહેલાં રઝળી રહી હતી. કોઈક કંપનીએ વિજન સમક્ષ ફિલ્મ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ વિજનની અપેક્ષિત કિંમત કરતાં ઓછી કિંમતે. ત્યારે વિજને ફિલ્મ વેચી નહીં અને જાતે રિલીઝ કરી.
પછી ઇતિહાસ રચાયો. 'ી'એ બોક્સ ઓફિસ પર મબલક ધન ઉસેડયું. ત્યારે વિજન હજી જસ્ટ અનધર નિર્માતા હતા. એ સમયે જો એમનામાં આવો આત્મવિશ્વાસ હોય તો આજે કેવો હોય? એટલે, દેશમાં યુદ્ધસમ વાતાવરણ હોય ત્યારે મોટા પડદે ફિલ્મ નથી લાવવી, એમ કહીને તેઓ એ ફિલ્મની રિલીઝ કેન્સલ શાને કરે જેની પાંચેક હજાર ટિકિટ વેચાઈ ગઈ હતી?
વાસ્તવિકતા એ હોઈ શકે કે 'ભૂલ ચૂક માફ' મોટા પડદે પાણીમાં બેસી જશે એવી એમને ધાસ્તી થઈ હોય. એનું પણ કારણ છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને ઘણાને પ્રશ્ન થયો હતો, 'આખિર કહને ક્યા ચાહતે હો યાર?' ઉપરાંત, ભલે બમ્પર હિટ રાજકુમાર રાવે આપી હોય પણ આજે પણ એ બોક્સ ઓફિસના પાઇન્ટ ઓફ વ્યુથી બેન્કેબલ સ્ટાર નથી જ. એમાં વળી આ ફિલ્મમાં નથી કોણ તો કહે વામિકા ગબ્બી, જેની કોઈ માર્કેટ હજી બની નથી. ટૂંકમાં, માત્ર પાંચ હજાર ટિકિટનું એડવાન્સ બુકિંગ, તમામ ધમપછાડા પછી પણ દર્શકોમાં ફિલ્મ માટે સમ ખાવા પૂરતી કોઈ આતુરતા નહીં... તો આવી ફિલ્મને મોટા પડદે, એ પણ 'મુંજ્યા', 'ી ટુ', 'છાવા' વગેરે પછી લાવવી અને નામ ડહોળવું, એવું કદાચ નિર્માતાઓને થયું હોય તો એ અસ્થાને નહીં જ ગણવું.
છેલ્લે વાત ફિલ્મની રિલીઝ પછી ફટાફટ ઓટીટી પર આવવાની. આ કિસ્સો બોલિવુડ નહીં, દેશભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ઓટીટી સામે નવેસરથી મોરચો માંડવા પ્રેરશે. એ મોરચામાં વીપીએફ સામે બંદૂકો ફૂટશે અને ફૂટશે એ મુદ્દે કે સિનેમાઘરમાં રિલીઝ પછી ફિલ્મ કેટલા સમયમાં ઓટીટી પર આવી શકે. એટલું નક્કી કે ઓટીટીએ ફિલ્મ ઉદ્યોગને બરાબર ભેરવી દીધો છે. બીજી તરફ ઉદ્યોગના માથે પસ્તાળ પાડવા ફિલ્મનિર્માણ, માર્કેટિંગ સહિતના અકલ્પનીય ખર્ચ નામના રાક્ષસ છે જ. તો, નબળી ફિલ્મોનાં હાજાં ગગડી જવાનાં એ નક્કી. અને આવી ફિલ્મોએ છેલ્લે ઓટીટીને પોકાર પાડતાં કહેવાનું રહેશે, 'બચાઓ...'