- OTT ઓનલાઈન- સંજય વિ. શાહ
- ફિલ્મનું ઓટીટી માટે ઓડિટિંગ નવી વાત નથી. ઓટીટીને મન દિગ્દર્શક દ્વિતીય અને વ્યુઅરશિપ પ્રાથમિક છે. તેથી, પોતાની રીતે એડિટિંગ કરતી વખતે કોઈ પ્લેટફોર્મને યોગ્ય ખુલાસો કરવાની જરૂર લાગતી નથી કે અસલ ફિલ્મ થોડી અલગ છે
'ધુરંધર' ઓટીટી પર આવી એ સાથે ચર્ચા શરૂ થઈ. ફિલ્મને સ્ટ્રીમિંગ માટે નવેક મિનિટ ટૂંકી કરી દેવામાં આવી, એની. એ કામ કર્યું નેટફ્લિક્સે, નહીં કે નિર્માતાઓએ. આ કોઈ નવી વાત નથી. અનેક ફિલ્મો થિયેટરમાં જોવા મળે એમની એમ ઓટીટી પર જોવા મળતી નથી. દુનિયાના અનેક દેશોમાં ફિલ્મનું ઓટીટી સ્ટ્રીમિંગ વર્ઝન અલગ હોઈ શકે છે.
ભારતની વાત કરીએ. ઓટીટી માટે સેન્સર નથી પણ ઓટીટીનું પોતાનું સેન્સર જરૂર હોય છે. દરેક પ્લેટફોર્મ પોતાની રીતે ફિલ્મ મૂલવે અને રજૂ કરે છે. એને કહેવાય કોન્ટેન્ટ પોલિસી. એ ઘડવામાં ઓટીટીની પોતાની સમજણ સાથે, કેન્દ્ર સરકારના આઈટીના નિયમો ધ્યાનમાં લેવાય છે. એટલું જ મહત્ત્વ બિનજરૂરી વિવાદમાં વેતરાઈ નહીં જવાના મુદ્દાને અપાય છે. ધર્મ, જાતિ, રાજકારણ જેવી બાબતો એમાં શિરમોર છે.
આવું કરતી વખતે ઓટીટીને ગાળાગાળી, લાંબાં કામુક દ્રશ્યો વગેરે સામે ખાસ વાંધો પડતો નથી. એમને હિંસા સામે આપત્તિ નથી લાગતી. પરિણામે, ઓટીટીએ સૌના ઘરમાં હિંસા, અભદ્ર ભાષા અને સેક્સને, 'આ બધું તો ચાલે', એવા મોડ પર લાવીને મૂકી દીધું છે.
પ્લેટફોર્મના પોતાના એડિટિંગમાં ફિલ્મની લંબાઈ સામે કાતર ચાલી જાય છે. શોર્ટ્સ અને રીલ્સના જમાનામાં લોકોની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિનું કાસળ નીકળી ગયું છે. તેથી, અનેક ફિલ્મો વગેરે નિર્દય રીતે કાપી નાખવામાં આવે છે, જેથી લોકો કંટાળી ના જાય. એવું કરવામાં એડિટિંગ ઘણી ફિલ્મોના આત્માને હચમચાવી નાખે છે. ઓટીટી પર ક્યારેક જૂની ફિલ્મો જોજો, ખાસ કરીને ૧૯૯૦, ૨૦૦૦ના દાયકાની કે એ પહેલાંની. અનેક એવી હશે જેની વાસ્તવિક લંબાઈ ઓટીટી વર્ઝન કરતાં ખાસ્સી લાંબી હોય. એ ફિલ્મો યુટયુબ પર ઉપલબ્ધ હોય તો બેઉની તુલના પણ કરી શકશો. ત્યારે સાંગોપાંગ સમજાશે કે એક જગ્યાએ ફિલ્મ કેટલી લાંબી અને બીજી જગ્યાએ કેટલી ટૂંકી છે. યુટયુબ જવા દો, એક જ ફિલ્મ બે ઓટીટી પર સ્ટ્રીમ થતી હોય એવાં ઘણાં ઉદાહરણ છે. બેઉ પર એ ફિલ્મ જોશો તો એકમાં અલગ અને બીજા પર અલગ વર્ઝન મળી શકે છે.
એક ભાષાની ફિલ્મ બીજી ભાષામાં મુકાય ત્યારે પણ કાપકૂપ સામાન્ય છે. તામિલ ફિલ્મ હિન્દીમાં કે ગુજરાતી ફિલ્મ હિન્દીમાં પેશ થાય ત્યારે ડબિંગને અસ્ખલિત કરવા કે દ્રશ્યને પરભાષા સાથે સુસંગત કરવાને એડિટિંગ સામાન્ય છે. આ પ્રક્રિયામાં ખોડ એ છે કે ઘણી ફિલ્મોનું એડિટિંગ ઢંગધડા વિના થાય છે. એડિટ શું કરવું અને કેટલું કરવું એનો નિર્ણય ઘણીવાર નીચલા સ્તરે, એટલે કે ઓટીટીના સર્વોચ્ચ અધિકારીઓ કે પ્લેટફોર્મના નિયમોને ચાતરીને થાય છે. તેથી, આખરે જે ફિલ્મ સ્ટ્રીમ થાય એ આડેધડ લાગે છે.
હોલિવુડ અને યુરોપમાં પણ આ ચલણ છે. ત્યાં ઓટીટીની રેટિંગ સિસ્ટમ સાથે ફિલ્મ મેળ ખાય એ માટે એડિટિંગ નવી વાત નથી. પ્રાદેશિક નિયમો અનુસાર પણ એડિટિંગ થાય છે. હોલિવુડે મનોરંજનમાં થિયેટ્રિકલ કટ, ડિરેક્ટર્સ કટ, સ્ટ્રીમિંગ કટ, ટેલિવિઝન કટ એમ એક જ ફિલ્મની વિવિધ વર્ઝનનું ચલણ સાર્વત્રિક કર્યું છે.
ચીનમાં ઓટીટી માટે નિુર અને ભરપૂર એડિટિંગ નવાઈનું નથી. ઓટીટી શા માટે, ત્યાં થિયેટરમાં રિલીઝ થનારી ફિલ્મમાં એવું કશું હોઈ શકે નહીં જે દેશ, સરકાર, નેતાઓ વિરુદ્ધ હોય. એલજીબીટીક્યુના સંદર્ભ તથા હિંસાને પોષતી બાબતો પણ કપાઈ જાય છે. ધર્મના મામલે ચીની ઓટીટી પ્લેટફોર્મ્સનું એટિડિંગ દયાહીન છે. મધ્ય-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોની વાત પણ જુદી નથી. ત્યાં સ્થાનિક માહોલ સાથે સુસંગત ના હોય એ બાબતો ઓટીટી પર દર્શાવાતી નથી.
સ્ટ્રીમિંગનાં અટપટાં ધારાધોરણોને કારણે મોટા નિર્માતાઓ ફિલ્મનું લખાણ થાય ત્યારે કાળજી લેતા થયા છે કે સ્ક્રિપ્ટમાં શું હોય અને શું નહીં. ફિલ્મ મોટા પડદે કેવીક દેખાશે અને ઓટીટી પર કેવી. સીધી ઓટીટી પર આવતી ફિલ્મોનું લખાણ પણ અલગ રીતે થાય છે.
આપણે ત્યાં ફિલ્મોનું ઓટીટી એટિડિંગ ભ્રમિત કરનારું પણ હોય છે. સુજ્ઞા દર્શકોને ઓટીટી પર ફિલ્મ જોતી વખતે વિચિત્ર એડિટિંગનો ખ્યાલ પણ આવતો હોય છે. મુશ્કેલી એડિટિંગ સામે નહીં પણ એમાં પ્રવર્તતી અપારદર્શકતાનો છે. બીજી મુશ્કેલી એની સામે નિર્માતાઓ, ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ સહિત દર્શકોની વિનાવિરોધ શરણાગતિનો છે.
ફિલ્મને જેમતેમ કાપીને દર્શકો સામે મુકાય ત્યારે એમાંથી મૂળ વિઝનનું કાસળ નીકળી જાય છે. ઓટીટીને એનાથી ફરક પડતો નથી, કેમ કે એને મન દિગ્દર્શક દ્વિતીય અને વ્યુઅરશિપ પ્રાથમિક લક્ષ્ય છે. મનસ્વી એડિટ કરતી વખતે ઓટીટીને ફિલ્મની શરૂઆતમાં યોગ્ય ખુલાસો કરવાની જરૂર લાગતી નથી. કોઈક અદ્રશ્ય તાકાત મનગમતી સેન્સરશિપ ચલાવી રહ્યું છે એ જાણવાનો દર્શકોને અધિકાર છે. એનું હનન કરવામાં ઓટીટીને ક્ર આનંદ મળે છે. ભલે એને લીધે કથાનક બદલાઈ જાય, અસરહીન થઈ જાય. એની જવાબદારી ક્યાં કોઈએ લેવાની હોય છે?
લાગણીશીલ દ્રશ્યો પર, ગીતો પર એડિટિંગની કાતર વારંવાર ચાલે છે. જૂની ફિલ્મોના મામલામાં એનો અતિરેક પણ થાય છે. કયું દ્રશ્ય બિનજરૂરી લાંબું કે કયું ગીત કંટાળાજનક એ નક્કી કરવાનો દર્શકનો હક ઓટીટી એડિટિંગ આંચકી લે છે. ક્યારેક વાત ત્યાં સુધી પહોંચે છે કે કોઈક પાત્ર પર એવી અડબંગ કાતર ચાલી જાય કે એનાં જે રહ્યાંસહ્યાં દ્રશ્યો ફિલ્મમાં હોય એનો પૂર્વાપર સંબંધ ગાયબ થઈ જાય.
ઘણા સર્જકો એના લીધે મૂંઝવણ અનુભવે છે. એમણે હવે સેફ, પોલિટિકલી કરેક્ટ, સોશિયલી ક્લિયર અને કોન્ટ્રોવર્સીથી પર સર્જન કરવાની ચિંતા કરવાની છે. એ પણ સ્ક્રિપ્ટિંગ લેવલથી. નિર્ભેળ, ઇમાનદાર ક્રિએટિવિટીની ઐસી તૈસી.
સાવ એવું નથી કે ઓટીટીના એડિટિંગના લાભ નથી. અમુક એડિટિંગ સમાજમાં સર્જાઈ શકતી અનાવશ્યક તંગદિલી ટાળે છે. સાથે, એક ભાષાના કોન્ટેન્ટને બીજી ભાષામાં લોકભોગ્ય બનાવે છે. ખરેખર બોરિયત ભરેલી સિચ્યુએશન્સને કટિંગ કરીને એ સહ્ય બનાવે છે. ફિલ્મની ગતિશીલતા ક્યારેક વધારે છે. છતાં, ફાયદા ત્યારે અસ્થાને લાગે જ્યારે સેનેમિટિક માલ ભેળસેળિયો થઈને દર્શક સામે પીરસાય, એમ કહીને કે 'લે, આ છે તારા માટે એક ખાસ ફિલ્મ, મજ્જા કર.'


