Get The App

એક રાધા, એક મીરાં, દોનોં ને શ્યામ કો ચાહા...

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
એક રાધા, એક મીરાં, દોનોં ને શ્યામ કો ચાહા... 1 - image

- દિલ્હીના એક લગ્નપ્રસંગમાં સંગીતકાર રવીન્દ્ર જૈન ભક્તિગીતો રજૂ કરી રહ્યા હતા. રવીન્દ્રે એક ભક્તિગીત ગાયું, જે સાંભળીને રાજ કપૂર ખૂબ પ્રભાવિત થયા. ગીત ગવાતું હતું ત્યારે જ રાજ કપૂરે પુત્ર ડબ્બુને કહ્યું કે, આ ગીત આપણી એકાદી ફિલ્મ માટે લઇ લેવું જોઇએ. આ ગીત એટલે 'એક રાધા, એક મીરાં, દોનોં ને શ્યામ કો ચાહા...'

રામ તેરી ગંગા મૈલી 

૧૯૮૦ના દાયકામાં રાજ કપૂર પોતાના મોટા પુત્ર રણધીર કપૂર ઉર્ફે ડબ્બુ સાથે એક મિત્રને ત્યાં લગ્ન પ્રસંગે નવી દિલ્હી ગયેલા. ત્યાં સંગીતકાર રવીન્દ્ર જૈન ભક્તિગીતો રજૂ કરી રહ્યા હતા. રવીન્દ્રે એક ભક્તિગીત ગાયું એ ગીત સાંભળીને રાજ કપૂર ખૂબ પ્રભાવિત થયા. એમણે આ ગીતને વન્સ મોર આપ્યો. ગીત ગવાતું હતું ત્યારે રાજ કપૂરે પુત્ર ડબ્બુને કહ્યું કે, આ ગીત આપણી એકાદી ફિલ્મ માટે લઇ લેવું જોઇએ. 

લગ્ન પ્રસંગ પતાવીને પિતા-પુત્ર મુંબઇ પાછાં ફર્યા. રાજ કપૂરે રવીન્દ્ર જૈનને તેડું મોકલ્યું- ચા-પાણી પીવા આવો. રવીન્દ્ર જૈન આવ્યા. રાજ કપૂરે પૂના નજીક લોણીમાં આવેલા પોતાના ફાર્મ હાઉસ પર આવવાનું નિમંત્રણ આપ્યું. રવીન્દ્ર જૈને સ્વીકાર્યું. બંને લોણી પહોંચ્યા. એકાદ-બે દિવસ ખાણીપીણીની મોજ કરી. પછી રાજ કપૂરે પોતાના દિલની વાત કરી. એ રવીન્દ્ર જૈનને પંડિતજી કહેતા. રાજે કહ્યું કે ૧૯૬૦ના દાયકામાં ડાકુઓના આત્મસમર્પણને  કેન્દ્રમાં રાખીને મેં એક રોમાન્ટિક ફિલ્મ બનાવેલી. 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'. આ ફિલ્મમાં આપણા લોકોના સંસ્કાર અને ગંગાનો મહિમા વર્ણવતું ગીત હતું. 'હોઠોં પે સચ્ચાઇ રહતી હૈ, જહાં દિલ મેં સફાઇ રહતી હૈ,  હમ ઉસ દેશ કે વાસી હૈં જિસ દેશ મેં ગંગા બહતી હૈ...' અત્યારે તો ઔદ્યોગિક પ્રદૂષણ અને માનવ સજત ગંદકીના પગલે ગંગા પહેલાં જેવી નિર્મળ રહી નથી. એ હકીકતને કેન્દ્રમાં રાખીને એક રોમાન્ટિક ફિલ્મ બનાવવાની મારી ઇચ્છા છે. 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'માં જેવાં અસરકારક ગીતો હતાં એવું સચોટ ટાઇટલ ગીત મળે એવી મારી ઇચ્છા છે. રવીન્દ્ર જૈને કહ્યું કે તમારા દિલની વાત હું સમજી ગયો છું. મને થોડો સમય આપો. રાજ કપૂર સંમત થયા. 

ચોવીસેક કલાક પછી રવીન્દ્ર જૈને એક મુખડું સંભળાવ્યું- 'તેરી ધરોહર, તેરી નિશાની, લિયે ફિરું મૈં બની દિવાની,  ભૂલાનેવાલે કભી તો આજા, તેરી ગંગા હૈ પાની પાની, ઇક   દુખિયારી કહે યે બાત રોતે રોતે, રામ તેરી ગંગા મૈલી હો ગઇ, પાપિયોં કે પાપ ધોતે ધોતે...' રાજ કપૂર ઊછળી પડયો- વાહ પંડિતજી વાહ... લોણીથી બંને મુંબઇ પાછાં ફર્યા. રાજ કપૂર ખુશમિજાજમાં હતો. એણે ડબ્બુને કહ્યું કે આપણી નવી ફિલ્મનું ટાઇટલ અને ટાઇટલ ગીત બંને મળી ગયાં. મારા મનમાં કથાએ પણ આકાર લઇ લીધો છે. સ્ક્રીપ્ટ લખવાની બાકી છે. બીજાં ગીતો પણ લખાઇ રહ્યાં છે. આપણે આજકાલમાં નવી ફિલ્મની જાહેરાત કરીશું. આ વાત છે ૧૯૮૫ની. 

'દો જાસૂસ' આવી ૧૯૭૫માં. બરાબર દસ વર્ષ પછી રાજ કપૂરે બનાવી 'રામ તેરી ગંગા મૈલી'. ડાયરેક્ટર તરીકે રાજ કપૂરની આ છેલ્લી ફિલ્મ. કપૂર ખાનદાનનો નાનો પુત્ર રાજીવ કપૂર એનો હીરો હતો અને મંદાકિની ફિલ્મની હીરોઇન હતી. ગીત-સંગીત રવીન્દ્ર જૈનનાં હતાં. જોકે કેટલુંક સંગીત આર.કે. સ્ટુડિયોની મ્યુઝિક લાયબ્રેરીનું વાપરવાનો  રાજ કપૂરનો આગ્રહ હતો. રવીન્દ્ર જૈને નમતું જોખ્યું હતું. રાજ કપૂરના કેમ્પમાં પ્રવેશવાની તક મળતી હતી એ નાનીસૂની વાત તો નહોતી. આ ફિલ્મ ૧૯૮૫ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની રહી.

રસપ્રદ વાત એ કે ફિલ્મ હિટ નીવડયા પછી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ એવો દાવો કર્યો કે ગંગાના પાત્ર માટે પહેલી પસંદગી મારી હતી. આ દાવાને રદિયો આપતાં મંદાકિનીએ કહ્યું કે રાજ સાહેબને ગંગાના પાત્ર માટે કોઇ નવા ચહેરાની અને નિર્દોષ દેખાય એવી અભિનેત્રી જોઇતી હતી એટલે પદ્મિનીને લેવાનો સવાલ જ નહોતો. આ વરસે ૨૦૨૫માં સાઉથની ખૂશ્બુએ એવો દાવો કર્યો કે ગંગા તરીકે રાજ કપૂરની પહેલી પસંદગી હું હતી, પણ હું માત્ર ૧૪ વર્ષની હતી એટલે રાજ કપૂર મને લઇ ન શક્યા. આર. કે. સ્ટુડિયોની મ્યુઝિક લાયબ્રેરી પણ સમૃદ્ધ હતી. એ પોતાને યોગ્ય લાગે એવી તર્જો જ તૈયાર કરાવતો. ખરી-ખોટી વાતો મુજબ એણે પોતે પણ કેટલાંક ગીતોની તર્જો બાંધી હતી. આ તર્જો જે-તે સંગીતકારોનાં નામે ચડી ગયેલી. 'રામ તેરી ગંગા મૈલી'માં મોટા ભાગનાં ગીતો શાીય સંગીત આધારિત હોવા છતાં લોકભોગ્ય બન્યાં હતાં એ સૌથી મોટી સિદ્ધિ હતી. આમ તો ફિલ્મનાં બધાં ગીતો હિટ નીવડયાં હતાં. માત્ર બે ગાયકો અહીં છે- લતા મંગેશકર અને સુરેશ વાડકર.

સૌથી વધુ લોકપ્રિય નીવડેલું ગીત એટલે 'સુન સાહિબા સુન, પ્યાર કી ધૂન, ઓ... મૈંને તુઝે ચુન લિયા તુ ભી મુઝે ચુન...' કીરવાણી અને કાફી રાગના સમન્વયથી બનેલું આ ગીત રાજ કપૂરને ખૂબ ગમ્યું હતું એમ કહેવાય છે. આ ગીતમાં કથાપ્રવાહની એક લીંક હતી. 

બીજું એટલુંજ લોકપ્રિય ગીત એટલે ફિલ્મનું ટાઇટલ સોંગ. આ ગીત એકવાર લતા અને બીજીવાર સુરેશ વાડકરના કંઠમાં સાંભળવા મળે છે. લતાએ ગાયેલા ગીતમાં ઘુંટાયેલી વેદના છે. એના શબ્દો આ રહ્યા- 'ઇક દુઃખિયારી, કહે બાત યે રોતે રોતે, લિયે ફિરું મૈં બની દિવાની, ભૂલાનેવાલે કભી તો આજા, તેરી ગંગા હૈ પાની પાની...' ફિલ્મની કથામાં નાયિકાને ગંગા નામ આપ્યું છે. એ પણ સાંકેતિક છે. લતાવાળા ગીતને સંગીતકારે બસંત મુખારી રાગથી ઉપાડયું છે. (આ રાગમાં રાજ કપૂરે 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'નું એક યાદગાર ગીત આપેલું- 'ઓ બસંતી પવન પાગલ...') ત્યારબાદ રાગ અહીર ભૈરવ અને ભૈરવીમાં થઇને ફરી બસંત મુખારીમાં મુખડું પાછું ફરે છે. સુરેશ વાડકરના કંઠે જે ટાઇટલ ગીત આવે છે એના શબ્દો પણ માણવા જેવા છે- 'સુનો તો ગંગા યે ક્યા સુનાએ, કે મેરે તટ પર જો લોગ આયે, જિન્હોંને ઐસે નિયમ બનાયે, કે પ્રાણ જાય પર બચન ન જાયે... ગંગા હમારી કહે યે બાત રોતે રોતે કે રામ તેરી ગંગા મૈલી હો ગયી પાપીયોં કે પાપ ધોતે ધોતે...'

દિલ્હીમાં લગ્નપ્રસંગે જે ગીતે રાજ કપૂરને પ્રભાવિત કરેલા એ ગીત એટલે 'એક રાધા, એક મીરાં, દોનોં ને શ્યામ કો ચાહા, અંતર ક્યા દોનોં કી ચાહ મેં બોલો, એક પ્રેમ દિવાની, એક દરશ દિવાની...' અહીં સંગીતકારે અલગ પ્રયોગ કર્યો છે. ગીતનો ઉપાડ સદા સુહાગિન ભૈરવીથી થાય છે. અંતરામાં કીરવાણી અને કાફી રાગો પર થઇને ફરી મુખડું ભૈરવીમાં પાછું ફરે છે.

એક સરસ રચના લતા અને સુરેશના યુગલગીત રૂપે રજૂ થાય છે- 'યારા... ઓ યારા, તુઝ સે મિલા મુઝે જીને કા સહારા, તુને મેરી ઊજડી-સી બસતિ કો ઊભારા...' આ ગીત વિશિષ્ટ એટલા માટે છે કે આ ગીતમાં સંગીતકારે વહેલી પરોઢના ગણાતા રાગ ભૈરવના ત્રણ પ્રકારો અજમાવ્યા છે- અહીર ભૈરવ, બૈરાગી ભૈરવ અને ભૈરવ. ગીતમાં એક તરફ વહેલી સવારની તાજગી અને બીજી તરફ ઘેરું દર્દ અનુભવાય છે. બધાં ગીતો હિટ નીવડયાં હતાં અને રાજ કપૂરને સંતોષ થયો હતો. એણે રવીન્દ્ર જૈનને પોતાની વધુ એક ફિલ્મ હીના માટે કરારબદ્ધ કર્યા  હતા. 'રામ તેરી ગંગા મૈલી'ના સંગીત માટે રવીન્દ્ર જૈનને બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મ ફેર એવોર્ડ મળેલો.