Get The App

એક તબુ અફલાતૂન અભિનેત્રી, બીજી તબુ પ્રેમવિહોણી

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
એક તબુ અફલાતૂન અભિનેત્રી, બીજી તબુ પ્રેમવિહોણી 1 - image

 - 'સિંગલ હોવું એ કાંઇ ચર્ચાનો મુદ્દો નથી. દરેક વ્યક્તિની પોતાની અંગત જિંદગી અને પસંદગી-નાપસંદગી હોય છે. ખરું કહું તો હું મારું જીવન મારી પોતાની મરજી મુજબ જીવી શકું છું.'

બોલિવુડની પ્રતિભાશાળી અભિનેત્રી તબુ  પણ  હજી સુધી પરણી નથી. એને હાલ પંચાવનમું વર્ષ ચાલે છે. હૈદરાબાદના મુસ્લિમ પરિવારમાં જન્મેલી તબુનું સાચું નામ તબસ્સુમ  ફાતિમા હાશમી  છે. તબુની ઉંમર બહુ નાની હતી ત્યારે જ તેની  માતા રિઝવાના અને પિતા  જમાલ હાશમીએ   છૂટાછેડા લઇ લીધા હતા. પરિણામે તબુનો ઉછેર તેની માતા અને નાના-નાની પાસે થયો છે. 

તબુને અને તેની મોટી બહેન ફરાહ નાઝને બાળપણથી જ ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી છે. તબુએ 'બાઝાર' (૧૯૮૨) ફિલ્મમાં બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દી શરૂ કરી હતી.   

તબુએ પોતે એક ઇન્ટરવ્યુમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે સિંગલ હોવું એ કાંઇ ચર્ચાનો કે વિવાદનો મુદ્દો ન હોઇ શકે. દરેક વ્યક્તિની પોતાની અંગત જિંદગી અને પસંદગી- નાપસંદગી હોય છે. ખરું કહું તો હું મારું જીવન મારી પોતાની મરજી મુજબ જીવી શકું છું. વળી, હું મારા જીવનમાં અન્ય કોઇ વ્યક્તિની સમસ્યા લાવવા ઇચ્છતી નથી.  

હા,  એક ખાસ ખુલાસો પણ કરું.  અજય દેવગણ અને મારો પિતરાઇ ભાઇ સમીર આર્ય પડોશી છે અને બહુ સારા મિત્ર પણ છે. મારી કિશોરાવસ્થામાં અમુક યુવાનો મારા મિત્ર હતા. જોકે હું કોઇપણ છોકરા સાથે વાત કરું કે ખડખડાટ હસીને મજાક-મસ્તી કરું તો અજય અને સમીર બંને પેલા છોકરા સાથે  પહેલાં ઝઘડો કરે   અને પેલા છોકરાને માર મારે. ઢીબી નાખે. આમ  છોકરા  મારી સાથે વાત કરતાં ભારે ડરતા. પરિણામે મારી કોઇ છોકરા સાથે ન દોસ્તી થઇ કે ન કોઇ સાથે ઇલુ ઇલુ થયું. બસ, આમ હું આજે ૫૪ વર્ષે પણ સિંગલ છું તો તેનું કારણ  અજય દેવગણ છે! 

 તબુ ભલે  પોતાને ૫૪ વર્ષે પણ સિંગલ કહેતી હોય પણ બોલિવુડમાં અને બોલિવુડ બહાર તેના મીઠા મીઠા સંબંધ રહ્યા 

હોવાની મોટી ચર્ચા છે. તબુ અને અજય દેવગણ બહુ સારાં મિત્રો રહ્યાં હોવાથી તેનું નામ અજય  સાથે જોડાયું હતું. ઉપરાંત, સુપરહિટ નિર્માતા સાજીદ નડિયાદવાલા, સંજય કપૂર, તમિળ ફિલ્મોનો સુપરસ્ટાર નાગાર્જુન વગેરે અભિનેતાઓ સાથે તબુના ગાઢ સંબંધ રહ્યા  છે. 

 ખાસ કરીને  નાગાર્જુન સાથે તબુની રિલેશનશીપ લગભગ ૧૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી રહી હતી. જોકે નાગાર્જુન પરિણીત હોવાથી   તે     સંબંધ   લગ્નનું   સુખી  અને પ્રેમાળ બંધન ન બની શક્યો. પરિણામે તબુ અને નાગાર્જુન બંને છૂટાં પડી ગયાં.  

કહેવાનો અર્થ એ  છે કે એક  તબુ બોલીવુડની આલા દરજ્જાની અભિનેત્રી છે, જ્યારે  બીજી તબુ તેના અંગત  જીવનમાં પ્રેમવિહોણી  છે.